રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયાએ મોરબી દુર્ઘટનાનાં મુખ્ય આરોપીને ભામાશા તરીકે સંબોધ્યા, કહ્યું: હું તેમના સપોર્ટમાં છું
જયસુખનાં સમર્થકોને મોરબીનું દુ:ખ ન દેખાયું?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને તેના આરોપીઓની હજી તો માંડ ધરપકડ થઈ છે, હજુ કોર્ટની સુનાવણી પહેલા પીડિત પરિવારોના ઘા હજુ રૂઝાયા નથી એવામાં ગુજરાતમાંથી અનેક લોકો જયસુખ પટેલના સમર્થનમાં અવાજ ઉઠાવાતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપીને ભામાશા તરીકે સંબોધ્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે, હું તેમના સપોર્ટમાં છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં અનેક એનજીઓ પણ છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજીભાઈ પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ જયસુખભાઈ પટેલને સોશિયલ મીડિયામાં ખોટા ચીતરવામાં આવી રહ્યા છે. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝુલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું. ઉલ્લેખનીય છે કે કડવા પાટીદાર ઉદ્યોગપતિને બચાવવા કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા પણ મેદાને આવી છે.
સમાજના ઉદ્ધાર કરનાર તરીકે જયસુખ પટેલ!
જયસુખ પટેલની છાપને લોકોની સામે સુધારવાનો એક ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક ચોક્કસ સમૂહ સમાજિક આગેવાન તરીકે અને સમાજના ઉદ્ધાર કરનાર તરીકે જયસુખ પટેલની છાપ ઉભી કરવાની કોશિશ કરી છે ત્યારે હવે જોવાનું રહેશે આગામી દિવસમાં કોર્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે.
સૌને જયસુખ પટેલને સપોર્ટ કરવાની પ્રાર્થના કરી
એક ધાર્મિક સંસ્થા દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક લેટર લખવામાં આવ્યો છે. જે લેટર માં લખવામાં આવ્યું છે કે આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ. 10-15 રૂપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. તેવું જણાવ્યું હતું અને સૌને જયસુખ પટેલને સપોર્ટ કરવાની પ્રાર્થના કરી હતી.
- Advertisement -
જયસુખ ફરાર હતો ત્યારે તેમના ચમચાઓ ક્યાં હતા?
મોરબી દુર્ઘટના બાદ ત્રણ-ત્રણ મહિના સુધી ફરાર થયા બાદ કોર્ટમાં હાજર થનારા જયસુખ પટેલના સમર્થનમાં કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ મેદાનમાં આવ્યા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે, જયસુખ ફરાર હતો ત્યારે તેમના ચમચાઓ ક્યાં હતા? કેમ કોઈ વ્યક્તિ કે સંસ્થા મોરબી દુર્ઘટનાના પીડિતોની વ્હારે આવી નહતી? હવે જયસુખ પટેલ હાજર થયા બાદ તેને નિર્દોષ સાબિત કરવા કેટલીક સંસ્થા અને વ્યક્તિઓ મેદાનમાં આવ્યા છે, ન્યાયતંત્રથી લઈ પ્રશાસન પર બહારથી દબાણ લાવીને ખુદને નિર્દોષ સાબિત કરવાનું આ પણ જયસુખ પટેલનું જ એક કાવતરું છે.