-નારાયણ મૂર્તિના પુત્રી અક્ષતા પાસે ઈન્ફોસીસના એક ટકાથી વધારે શેર
આઈટી સેક્ટરની ટોચની કંપની ઈન્ફોસિસના શેરના ભાવમાં શુક્રવારે મોટો કડાકો આવ્યો તેના કારણે બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને પણ મોટો ફટકો પડ્યો છે. અક્ષતા મૂર્તિ એ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે અને તેઓ કરોડો રૂપિયાના શેર ધરાવે છે. આજે ઈન્ફોસિસનો શેર 10 ટકા જેટલો ઘટ્યો તેના કારણે અક્ષતા મૂર્તિના પોર્ટફોલિયોની વેલ્યૂ માત્ર એક કલાકમાં 412 કરોડ રૂપિયા ઘટી ગઈ હતી.
- Advertisement -
ઈન્ફોસિસે નબળા રિઝલ્ટ અને નબળા ગાઈડન્સની જાહેરાત કરી તેના કારણે બજાર ખુલતા જ શેરના ભાવમાં મોટો ઘટાડો થયો અને શેર ઘટીને 1305 પર પહોંચી ગયો હતો. રિશિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ પાસે ઈન્ફોસિસના 1.07 ટકા શેર છે. તેના કારણે તેમને આ શેરના ભાવમાં મોટી મુવમેન્ટ આવે ત્યારે અસર થતી હોય છે.
યુકેના ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિ એ ઈન્ફોસિસના પ્રમોટર પરિવારમાંથી આવે છે. ઈન્ફોસિસની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે માર્ચ 2023 ક્વાર્ટરમાં અક્ષતા મૂર્તિ પાસે ઈન્ફોસિસના 3,89,57,096 શેર હતા. એટલે કે કંપનીની કુલ પેઈડ અપ શેર મૂડીના 1.07 ટકા શેર અક્ષતા પાસે છે.
આજે ઈન્ફોસિસના શેરના ભાવમાં પ્રથમ કલાકમાં જ શેર દીઠ 106 રૂપિયાનો ઘટાડો થયો તેના કારણે 3,89,57,096 શેર પર અક્ષતા મૂર્તિને કુલ રૂ. 412 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં અક્ષતા મૂર્તિ પાસે કેટલા શેર હતા તે હજુ બહાર આવવાનું બાકી છે.
- Advertisement -
અક્ષતા મૂર્તિ પાસે ઈન્ફોસિસમાં જે સ્ટેક છે તેના કારણે તેઓ યુકેના સૌથી ધનાઢ્ય મહિલાઓ પૈકી એક છે અને તેમના ટેક્સ સ્ટેટસ અંગે પણ બ્રિટનમાં ઘણો વિવાદ ચાલે છે. યુકેના વડાપ્રધાન રિશિ સુનકના પત્ની હોવાના નાતે અક્ષતા મૂર્તિની આવક અને તેમના ખર્ચ પર મિડિયા નજર રાખે છે અને વિરોધપક્ષો પણ આ બાબતને એક મોટો મુદ્દો બનાવે છે.
અક્ષતા મૂર્તિએ પોતાનું મોટા ભાગનું જીવન અમેરિકા, ભારત અને યુકેમાં ગાળ્યું છે. રિશુ સુનક વડાપ્રધાન બન્યા તે અગાઉ તેઓ તેમની સાથે રાજકીય સમારોહમાં પણ હાજર રહેતા હતા. અક્ષતા મૂર્તિ યુકેમાં નોન-ડોમિસાઈલ સ્ટેટસ ધરાવે છે. એટલે કે તેઓ યુકેની બહાર પોતાના રોકાણોમાંથી જે આવક મેળવે તેના પર યુકેમાં ટેક્સ ચુકવવાનો આવતો નથી. અક્ષતાએ સ્પષ્ટ કહ્યું છે કે તેમના માટે ભારત એ તેમના જન્મ, નાગરિકત્વ અને માતા-પિતાનો દેશ રહેશે.