રાજકોટનાં ઉદ્યોગપતિ બિપીન હદવાણીની પ્રગતિ પૂરજોશમાં…
40,000 મેટ્રિક ટનની ક્ષમતા: ‘ગોપાલ’ની અવિરત ઊંચી ઊડાન
- Advertisement -
એશિયાનાં સૌથી મોટાં કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ કરતી ગોપાલ નમકીન!
મારે ખાવાનું છે એમ સમજીને જ હું વસ્તુ બનાવું છું
1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં સ્થાન મેળવનાર રાજકોટ – ગુજરાતની નામચીન નમકીન કંપની ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક-માલિક બિપિનભાઈ હદવાણીની ખાસ-ખબર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. નમકીનની બ્રાંડ તરીકે ગોપાલ આજે દેશ-દુનિયામાં જાણીતી બ્રાંડ બની ગઈ છે. બિપિનભાઈએ 1994માં ઉધાર પૈસા લઈને નમકીનના ધંધાની શરૂઆત કરી હતી અને આજે તેમણે શરૂ કરેલા ધંધાની બ્રાન્ડવેલ્યુ 3000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. માત્ર 11 ધોરણ પાસ સૌરાષ્ટ્રના એક નાના ગામ ભાદરામાંથી આવેલા બિપિનભાઈ હદવાણીએ ખાસ-ખબરને પોતાનું સક્સેસ સિક્રેટ જણાવતા કહ્યું હતું કે, ’મારે ખાવાનું છે એમ સમજીને જ હું વસ્તુ બનાવું છું. અમે જે ખાઈએ છીએ એ જ અન્યને ખવડાવીએ છીએ.’ આપણે જે ઘરે ખાઈએ તે જ ગ્રાહકને ખવરાવવું એવા પોતાના પિતાજીના મંત્ર સાથે બિપિનભાઈ વળગી રહ્યા છે.
- Advertisement -
1 લાખ ચોરસ ફૂટનો એક એવા 6 માળ મળીને કુલ 6 લાખ ચોરસ ફૂટ જગ્યા
ગોપાલ સ્નેક્સ દ્વારા વેફર બનાવવા માટેનો એક પ્લાન્ટ અરવલ્લીના મોડાસામાં છે, 40000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા એશિયાનું સૌથી વિશાળ અને આધુનિક કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ ગોપાલ સ્નેક્સ પાસે છે. આ કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ 1 લાખ ચોરસ ફૂટનો એક એવા 6 માળ મળીને કુલ 6 લાખ ચોરસ ફૂટ જગ્યામાં નિર્માણ પામ્યો છે. ગોપાલ સ્નેક્સનાં ફાઉન્ડર અને મેનેજીંગ ડિરેક્ટર બિપીનભાઈ હદવાણીએ તેઓના કર્મચારીઓ, ગ્રાહકો અને હિતધારકોનું ધ્યાન રાખીને નમકીનના વ્યવસાયને નવું સ્વરૂપ આપ્યું છે. વધુમાં વધુ લોકોને રોજગારી આપી ગોપાલની પ્રોડક્ટ્સને ભારતની સાથે વિશ્ર્વનાં દરેક ખૂણામાં પહોંચાડવાના લક્ષ્ય સાથે તેઓ અત્યાધુનિક પ્લાન્ટમાં બનતી ક્વોલિટી પ્રોડક્ટ્સ દ્વારા અનેક લોકો વચ્ચે અનોખું સ્થાન મેળવ્યું છે.
માત્ર અઢી દાયકામાં જામકંડોરણા તાલુકાના ભાદરા ગામથી લોકોના ઘર-ઘર સુધી પહોંચવાની પ્રેરક કથા
આ વિશે તેઓ કહે છે કે, સસ્તું રો-મટિરિયલ લઈને પડતર કોસ્ટિંગ નીચું લાવવાના ક્યારેય પ્રયત્ન નથી કર્યા. સમાજના દરેક વ્યક્તિને પરવડે એવા ભાવમાં અમે ઓછા નફા સાથે શ્રેષ્ઠ ખાદ્યવસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. પડતર કોસ્ટ નીચી લાવવા માટે અમે ઓટોમેશનનો સહારો લીધો છે. 2007થી 2012 સુધીમાં અઢી કરોડથી અઢીસો કરોડ સુધી કંપની પહોંચી. દર વર્ષે અઢીસો કરોડનો ગ્રોથ થયો અને આજે આ ચૌદસો કરોડ સુધી કંપની પહોંચી છે. આગામી દિવસોમાં અમારું લક્ષ્ય ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી દરેક ખાદ્ય સામગ્રી નિર્માણ કરવાનું છે. હાલ ગોપાલ સ્નેક નમકીન સિવાય વેફર્સ, નાચોઝ, નૂડલ્સ, પાપડ, બેસન, મસાલા અને ટોસ્ટ જેવી ફૂડ પ્રોડક્ટ્સ બનાવે છે. નમકીનની બ્રાંડ તરીકે ગોપાલ આજે 1400 કરોડ ટર્નઓવર ધરાવે છે, 3000થી વધુનો સ્ટાફ અને 85થી વધુ પ્રોડક્ટ્સ સાથે 8 લાખ જેટલા રિટેલર્સ છે. 11 રાજ્ય અને 70 દેશોમાં ફેલાવો છે. અહીં એક ખાસ વાત એ છે કે, ગોપાલ નમકીન ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ ધરાવે છે જેમાં માનવ સ્પર્શરહિત આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ઉચ્ચ ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે. હાલ નાગપુરમાં 34 એકરની જગ્યામાં ગોપાલ નમકીનનો એક ખૂબ મોટો પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. લગભગ બે હજારથી વધુ લોકોને રોજગાર મળી રહ્યો છે. બિપિનભાઈ હદવાણી દેશમાં દર 500 કિલોમીટરે ગોપાલની એક ફેક્ટરી બનાવવા ઈચ્છે છે.
51 અનાથ દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્ન કરાવવા ઉપરાંત અનેક છોકરા-છોકરીઓની સંતાનોની જેમ જ સંભાળ રાખે છે બિપિનભાઈ
બિપિનભાઈ હદવાણી તેમની કંપનીમાં કામ કરતી દરેક વ્યક્તિએ પોતાના પરિવારના સભ્ય માને છે. ગોપાલ નમકીન પાસે જ તેમણે છોકરા-છોકરીઓને રહેવા-જમવા માટે અલગઅલગ 100થી વધુ રૂમવાળી હોસ્ટેલ પણ બનાવી છે. બિપિનભાઈ હદવાણી દર વર્ષ 51 અનાથ દીકરીઓના સમૂહલગ્ન કરાવે છે. ગોપાલ નમકીનમાં કરતા લોકોને તેઓ પોતાના દીકરા-દીકરી સમજીને તેમની કાળજી રાખે છે. તેઓ કહે છે કે, અમારે અત્યારે 3000 જેવો પ્રોડક્શન સ્ટાફ છે, જેમાંથી 1500 જેટલી છોકરી છે. મારી પત્ની દક્ષા સતત તેમની સાથે રહે છે અને અમારા પ્રયત્નો એવા હોય છે કે છોકરીઓ તેની મમ્મીને પણ યાદ ન કરે તેવી સારસંભાળ રાખવી. અમારે દીકરી નથી એટલે આ છોકરીઓ જ અમારી દીકરીઓ છે. અમે તેમને દીકરીની જેમ જ રાખીએ છીએ અને મને મારી પત્નીને તેમાં ઘણો આનંદ આવે છે. અમારી સાથે કામ કરતી દરેક કુવારી છોકરીઓને અમે કરિયાવર બોનસ આપીએ છીએ.
આશરે 1400 કરોડ ટર્નઓવર
3000થી વધુ લોકોનો સ્ટાફ
85થી વધુ પ્રોડક્ટ્સની રેન્જ
8 લાખ જેટલાં રિટેલર્સ
11 રાજ્ય, 70 દેશોમાં ફેલાવો
ગોપાલ સ્નેક્સને સફળતાની નવી ઊંચાઈએ પહોંચાડવામાં રાજ હદવાણીનો સિંહફાળો
આ ઉપરાંત દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ આસપાસ મોટા પ્લાન્ટ બનાવવાની યોજના છે. આ સમગ્ર પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરવાનો પ્લાન છે અને તેમાં અંદાજે રૂપિયા 1000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. ગોપાલ બ્રાંડની શરૂઆત થઈ એ પહેલાં 1993માં બિપિનભાઈના લગ્ન દક્ષાબેન સાથે થઈ ગયા હતા. આ વિશે બિપિનભાઈ જણાવે છે કે, લગ્નથી લઈને અત્યાર સુધીમાં દક્ષા હંમેશાં મારી સાથે રહી છે અને આજે પણ તે એટલી જ સક્રિય છે (દક્ષાબેનનું નામ ગુજરાતની સૌથી ધનિક મહિલાઓમાં ત્રીજા ક્રમે આવે છે). દરેક તબક્કે તે મારી પડખે ઊભી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષથી મારો પુત્ર રાજ પણ ઘણી જવાબદારીઓ નિભાવી રહ્યો છે.
આગામી દિવસોમાં રસોડામાં ઉપયોગમાં લેવાતી દરેક ખાદ્ય સામગ્રી નિર્માણ કરવાનું ગોપાલ સ્નેક્સનું લક્ષ્ય
ગોપાલ સ્નેક્સ બનાવે છે નમકીન ઉપરાંત વેફર્સ, નાચોઝ, નૂડલ્સ, પાપડ, બેસન, મસાલા અને ટોસ્ટ જેવી ફૂડ પ્રોડક્ટ્સ
બિપિનભાઈ હદવાણી છે ફરવા સાથે જમવા-જમાડવાના શોખીન: મકરસંક્રાંતિએ બાળકોને જમાડવાની પિતાની પરંપરા જાળવી રાખી
મને વર્ષે એકાદ વાર ફરવું ગમે છે. પત્ની દક્ષા તેમજ પરિવાર સાથે હું દર વર્ષે ભારતમાં અથવા તો વિદેશમાં ફરવા જાવ છુ. અત્યાર સુધીમાં 7 દેશનો પ્રવાસ કર્યો છે. ફરવાનો શોખ પૂરો કરવા માટે હું મારા પ્લાન્ટ્સમાં ફરી આવું છુ. આ ઉપરાંત મને લોકોને જમાડવું ગમે છે. મારા પિતાએ અમારા ગામમાં 1980થી મકરસંક્રાંતિએ બાળકોને જમાડવાની શરૂઆત કરી હતી. આજે પણ અમે આ પરંપરા જાળવી રાખી છે. મને માણસો સાથે રહેવું ગમે છે અને એટલે જ મારી ફેકટરીના કર્મચારીઓ સાથે વધુ સમય વિતાવું છુ, તેમની સાથે જમું છુ અને તેમના સુખદુ:ખની વાતો પણ થતી રહે છે. હું એવું માનું છુ કે ભગવાને મને બુદ્ધિ અને પૈસા આપ્યાં છે તો મારે બીજા માટે કામ કરવું જોઈએ.
70 રૂ.માં 500 ગ્રામ નમકીન વેંચવું કઈ રીતે શક્ય બને છે?
નમકીનની દુનિયામાં ગોપાલ સ્નેક્સએ એક વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત નામ બનાવ્યું છે, રાજકોટ જિલ્લાના ભાદરા ગામે પિતા વિઠ્ઠલભાઈ હદવાણીના ફરસાણના નાના વ્યવસાયમાં મદદરૂપ થવાના હેતુસર બિપિનભાઈએ એક રૂપિયાનું 50 ગ્રામ ચવાણું પેકિંગ કરીને આપવાની શરૂઆત કરી અને વર્ષ 1990ની શરૂઆતમાં તેઓએ રાજકોટ આવીને ફરસાણનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ કહે છે કે, અમારા પિતાએ શિખડાવ્યું હતું કોઈપણ વસ્તુ બનાવો તો તેને ઘરમાં ખાવા માટે બનાવો છો એ રીતે બનાવવી, નહીં કે વેચવા માટે બનાવો છો. ક્યારેય પણ હલકો માલ નહીં વાપરવો અને નફાનો વિચાર નહીં કરવાનો. ધંધાને આગળ વધારવા અમે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર વધારે ફોકસ કર્યું છે. અન્ય કંપનીઓ સેલ્સ, માર્કેટિંગ, લોજિસ્ટિક તેમજ મશીનરી માટે બહારના લોકો પર આધાર રાખે છે, પણ અમે પ્રોડક્શન, માર્કેટિંગ, પ્રોડક્શન માટેનાં મશીન અમે જાતે બનાવીએ છીએ. ટ્રાન્સપોર્ટ પણ અમારું પોતાનું છે. બજારમાંથી તેમજ ખેડૂતો પાસેથી રો-મટીરિયલની સીધી ખરીદી કરીએ છીએ. આ બધાને કારણે અમારા ખર્ચમાં 75% સુધીનો ફાયદો થાય છે. અને એટલે જ 70 રૂ.માં 500 ગ્રામ નમકીન વેંચવું શક્ય બને છે.