ભોગ બનનારના પરિવારને રૂા. 20 લાખની સહાય આપો: રોહિતસિંહ રાજપૂત
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે રાજકોટના સંત કબીર રોડ પર મહાનગરપાલિકાના લાપરવાહીરૂપી ખાડાના કારણે અને ટેન્કરની ઓવરસ્પીડના કારણે થયેલા જીવલેણ અકસ્માતમાં એક પિતા-પુત્રના કમકમાટી ભર્યા મોત થતાં એક સામાન્ય પરિવારનો માળો વિખેરાયો છે. શહેરમાં અવારનવાર તંત્રના પાપે અકસ્માતોમાં સામાન્ય લોકોના જીવ ગુમાવવાનું હવે સામાન્ય બની ગયું છે ત્યારે તંત્રએ કેટલીક ગંભીર બાબતોનું ધ્યાન રાખી આવનાર સમયમાં આવા કિસ્સાઓ થતાં અટકાવવા પગલાંઓ લેવાની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કરી છે.
રાજકોટ શહેર માત્ર ચોમાસામાં જ ખાડાનગરી હોય તેવું નથી પરંતુ બારેમાસ આ પરિસ્થિતિ હોય છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર આડેધડ ખોદેલા ખાડાઓ નજરે પડે છે અને જેના કારણે થતાં અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તે શરમજનક છે. જનતા પૂરો ટેક્સ ચૂકવે છે તો તંત્રની જવાબદારી બને કે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવી, પરંતુ રાજકોટમાં કોઈ નવો રસ્તો બન્યો નથી ત્યાં થોડા દિવસમાં જ કોઈના કોઈ બહાને જેમ કે ટેલિકોમ, ગેસ, ઈલેકટ્રીક, વોટર કે ડ્રેનેજ લાઈન માટે આખો રસ્તો ખોદી નાખ્યો હોય છે. ફરી કરવામાં આવતું પેચઅપ વર્ક રગડધગડ કરતાં થોડા સમયમાં જ રસ્તાઓની હાલત કફોડી બની જાય છે જેના કારણે દરરોજ અનેક રાહદારીઓ અકસ્માતનો ભોગ બનતાં હોય છે. આ બાબતે પણ મહાપાલિકાએ સુનિશ્ર્ચિત ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ જેથી આવા આવશ્યક કામો કોઈ પણ રસ્તાઓના નવીનીકરણ કરતાં પહેલાં એકસાથે કરવામાં આવે તો કરોડોનો ખર્ચ બચી શકે.
છાશવારે થતી આકસ્મિક ઘટનાઓ અને રોડની કફોડી હાલત જોઈ શહેરના સામાન્ય લોકોને ઘણા સવાલો પેદા થાય છે કે દર વર્ષે મહાપાલિકા રોડ-રસ્તાઓ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં ટેકસની ચૂકવણી કરતાં લોકોનો જ ભોગ કેમ લેવાઈ છે? ક્યારેક તો તંત્ર રસ્તાઓના કામ ઝડપી કરાવવા કોન્ટ્રાક્ટરોને ઓન ચૂકવણી કરે છે તો શહેરમાં ખાડારાજ ક્યારે ડામવામા આવશે? મહાનગરપાલિકાની લાપરવાહી – બેદરકારીની ગવાહી પૂરતા ખાડાઓ હજુ કેટલાનો ભોગ લેશે? શહેરમાં સામાન્ય રીતે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે છતાં બેફામ ટેન્કરો અને ડમ્પરો શહેરમાં દોડે છે, જેમના કારણે અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સંકલન કરી આ બાબતે ચુસ્ત અમલવારી કરાવવી જોઈએ.
ખાસ કરીને ગઈકાલના અકસ્માતના કિસ્સામાં તંત્રની લાપરવાહીરૂપી ખાડાએ પિતા-પુત્રના જીવનો ભોગ લીધો હોય ત્યારે મહાનગરપાલિકા તંત્રએ પોતે ફરિયાદી બની જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો પર ફોજદારી પોલીસ કેસ દાખલ કરાવવો જોઈએ તેમજ ભોગ બનનારના આ પરિવારને રૂા. 20 લાખની સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.