સાંઈબાબા મંદિર નજીકના બાંધકામ મુદ્દે 7 દિવસમાં માલિકી આધાર રજુ કરવા પાલિકાએ નોટિસ ફટકારી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના નરસંગ ટેકરી નજીક સ્થિત સાંઈબાબા મંદિરની પશ્ચિમ તરફના વિસ્તારમાં અનધિકૃત બાંધકામના મામલે રેવન્યુ વિભાગ અને છાયા નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં અનેક રહેણાક મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેની પરવાનગી ન હોવાનો મામલો સામે આવ્યો છે. પાલિકા અને રેવન્યુ વિભાગે આસામીઓને નોટિસ ફટકારી 7 દિવસની અંદર બાંધકામ માટેની પરવાનગી અને જમીનના માલિકી આધાર રજુ કરવાનો આદેશ આપ્યો છે. નોટિસમાં સ્પષ્ટ કરાયું છે કે જો આવી દસ્તાવેજી પુરાવા સમયમર્યાદામાં રજૂ કરવામાં નહીં આવે, તો બાંધકામને અનધિકૃત ગણવામાં આવશે અને તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- Advertisement -
નોટિસના પ્રભાવ હેઠળ બાંધકામના માલિકોને 50 દિવસની અંદર તેમને અનુમતિ વગર બનેલી મિલકતો ખાલી કરી જાહેર જમીન પાછી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આ આદેશનું પાલન નહીં થાય, તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તાકિદ કરવામાં આવી છે. આ મામલે પાલિકાએ અત્યાર સુધીમાં 25 નોટિસ ફટકારી છે અને 100 જેટલી નોટિસની તૈયારી ચાલી રહી છે. રેવન્યુ વિભાગ પણ આ મામલે સક્રિય છે. છાયા નગરપાલિકાના બાંધકામ વિભાગના ઓવરસિયર વિનોદ બથિયાએ જણાવ્યું કે આ નોટિસ પ્રક્રીયા ધીમે ધીમે આગળ વધશે અને તમામ પેશકદમી કરનાર અસામીઓ સુધી પહોંચાડવામાં આવશે. નોટિસ બાદ આ વિસ્તારમાં રહેનારા આસામીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બાંધકામના માલિકો અને રહેવાસીઓ આ મામલે પોતાની દલીલ માટે યોગ્ય પુરાવા રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઘટના પોરબંદરમાં નગરપાલિકાના બાંધકામ નિયમો પર કડક અમલ કરવાના પ્રયાસોનું પ્રતિબિંબ છે. જો આ મામલામાં આદરશીલ દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે, તો પાલિકા અને રેવન્યુ વિભાગની કડક કાર્યવાહી અનુમાનિત છે.