નિકટના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી સપરિવાર હું વડોદરા આવ્યો છું. ગઈકાલે રાત્રે સંગીત સંધ્યા અને ગરબાનો કાર્યક્રમ હતો. આપણાં લગ્ન પ્રસંગો બહેનોના શણગાર, સુંદર વસ્ત્રો, આભૂષણો અને થનગનાટ કારણેજ શોભી ઊઠે છે. જો જગતમાં સ્ત્રીઓ ના હોત તો ઉત્સવો જ ન હોત. ઉતારો ખૂબ જ સુંદર અને આરામદાયક છે. વહેલી પરોઢે ધ્યાન સાધના માટે જાગી ગયો પછી દેવી અપરાધ ક્ષમાસ્તોત્રમ, ભવાની અષ્ટકમ અને અન્નપૂર્ણા સ્તોત્રમ નું પઠન અને શ્રવણ કર્યું. સાવ અજાણી જગ્યા જ્યાં ક્યારેય આ પહેલાં આવ્યો નથી અને કદાચ હવે પછી ક્યારેય આવીશ નહી એવા સ્થાન પર બેસીને ધ્યાન ધરવાનો એક અલગ જ અનુભવ હોય છે. વાસ્તવમાં શિવ અને શક્તિ તત્વથી અજાણ્યું ક્યું સ્થળ હોય છે? હું અહીં પણ ચારેય બાજુ લહેરાતો શક્તિનો મહાસમુદ્ર જોઈ રહ્યો છું,અનુભવી રહ્યો છું. આદિ શંકરાચાર્ય વિરચિત આનંદ લહરીનો શ્લોક સ્મરણમાં ઝબકી જાય છે.
ઘી, દૂધ કે મધનો સ્વાદ વર્ણવવા માટે શબ્દકોષના તમામ શબ્દો નિષ્ફળ જાય, આ બધી મીઠાશને પામવા માટેતો જિહ્વા જરૂરી છે. મિષ્ટ પદાર્થોને જીભ ઉપર મૂકો તો જ એનો સ્વાદ પામી શકાય છે. આદિ શંકર કહે છે કે દેવી પાર્વતીનાં સૌંદર્યનું વર્ણન કરવા માટે કોઈ કવિ પાસે શબ્દકોષ નથી, નગધિરાજતનયા, શિવા, જગતજનની, ત્રીનયની, દેવી પાર્વતીનું વર્ણન કરવા માટે તો, દેવી પાર્વતીનું સૌંદર્ય જોવા જાણવા અને પારખવા માટે તો દેવાધિદેવ મહાદેવના નેત્રો જ અધિકારી છે. ભગવાન શંકર તો આદિયોગી છે. એને પોતાની આંખો ખોલીને આ ભૌતિક જગતને જોવાની પરવા જ ક્યાં છે? તેની પાસે તો જ્ઞાનનું ત્રીજું નેત્ર છે જે ભાગ્યે જ ખૂલે છે. આપણે પણ બાહ્ય જગતને જોવાનું બંધ કરીને જ્ઞાનના ત્રીજા નેત્રથી ભીતરનું વિશ્વ જોવાનું શરૂ કરીએ તો આપણી અંદર પણ શક્તિનો, ચિતીનો, ઊર્જાનો એક મહાસમુદ્ર લહેરાતો જોઈ શકીશું.