CMની શપથવિધિમાંથી પરત આવી રહ્યાં હતાં
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના સુંદરગઢ પાસે હાઇવે પર જતાં અનેક વાહનો ઉપર ગઈકાલે રાત્રે પથ્થરમારો થયો હોવાના અહેવાલ મળ્યા છે જેમાં મુખ્યમંત્રીની શપથવિધિના કાર્યક્રમમાંથી પરત આવતા મોરબી ભાજપના આગેવાનોની કાર ઉપર લૂંટના ઈરાદે પથ્થરમારો થયો હતો.
રાજ્યમાં તમામ ક્ષેત્રે વિકાસ કરવા અને ગુજરાતી કોઈ પણ ભય વિના હરી ફરી શકે તેવા વાયદા સાથે નવી સરકારનો ગઈકાલે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મોરબી સહિત રાજયભરમાંથી કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા જેમાં મોરબી ભાજપના આગેવાન હસુભાઈ સોરીયા અને ચિરાગ કણઝારીયા પણ ગાંધીનગર શપથવિધિ સમારોહમાં પહોંચ્યા હતા. સાંજે સમારોહમાંથી આ આગેવાનો ભાજપના કાર્યકરો સાથે કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે હળવદના સુંદરગઢ નજીક ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ તેમની કાર પર પથ્થરમારો કરી લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ કારચાલકે કાર ઉભી રાખવાને બદલે ત્યાંથી રવાના થઈ ગયા હતા અને સુરક્ષિત જગ્યાએ પહોંચી અન્ય લોકોને જાણ કરી હતી.