લોકોએ એક યુવકને પકડી પિટાઇ કરતા મામલો તંગ બન્યો : જોત જોતામાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા
થાણે જિલ્લાના ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર હિન્દુસ્તાની મસ્જિદ પાસે કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કરતા ભીડ ભડકી ગઇ હતી અને બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરી હતી.
- Advertisement -
આ અંગે વધુમાં મળતી જાણકારી મુજબ ગણેશની મૂર્તિ પર પથ્થરમારા મામલે એક યુવકને ભીડે પકડી લીધો હતાો અને તેની પિટાઇ કરી હતી અને તેને પોલીસના હવાલે કરી દીધો હતો. મૂર્તિ ખંડિત થતા મંડળના લોકોએ માંગ કરી હતી કે જયાં સુધી પોલીસ બધા આરોપીઓને નથી પકડી લેતી ત્યાં સુધી મૂર્તિ વિસર્જન નહીં કરવામાં આવે.
ઘટનાની જાણ થતા મંડળના અન્ય લોકો પણ પહોંચી ગયા હતા અને તનાવ પેદા થયો હતો. જોત જોતામાં લોકોની ભીડ વધી જતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પોલીસે લોકોને સમજાવ્યા હતા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. ઘટનાસ્થળે ભાજપ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા.
તેમણે કાર્યવાહીની માંગ કરી હતી. આ દરમિયાન હાફિઝ દરગાહ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કેટલાક લોકોની અટકાયત કરાઇ છે. એડીશ્નલ કમિશ્નર ચવ્હાણે જણાવ્યું હતું કે જે પણ દોષી હશે તેમની સામે કાર્યવાહી થશે.