અમુલ-ગોપાલ બ્રાન્ડનાં ઘી ખરીદતાં પહેલાં ખાસ ચકાસજો…
રાજકોટમાં રામાપીર ચોકડી પાસેથી અમુલ અને ગોપાલ બ્રાન્ડના નકલી ઘીના 271 પાઉચ સાથે લોહાણા વેપારી મોન્ટુની ધરપકડ
સુરત અને પાલનપુરથી નકલી ઘી સપ્લાય કરાતું હોવાનો પર્દાફાશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં અમુલ અને ગોપાલ બ્રાન્ડનું ઘી વેચતો એક શખ્સ રામાપીર ચોક નજીકથી હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટના વેપારી લોકમાન્ય તિલક આવાસ યોજના બ્લોક નં. સી/44માં રહેતા મોન્ટુ બીપીનભાઇ જોબનપુત્રા (ઉ.વ.37) નામના લોહાણા વેપારીની શંકાસ્પદ ઘીના જથ્થા સાથે ધરપકડ કરી તેની પાસેથી પોલીસે રૂ.63 હજારની કીમતના અમુલ અને ગોપાલ કંપનીની 500 એમએલ વાળા 271 પાઉચ કબ્જે કરી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા પાઉચમાં રહેલાં ઘીમાં ભેળસેળ છે કે નહીં અથવા ડુપ્લીકેટ બનાવટવાળું છે કે કેમ? તે અંગે વધુ તપાસ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાને જાણ કરી ઉપરોક્ત પાઉચના નમૂનાઓ લેવડાવવામાં આવ્યાં છે. તપાસમાં આ બન્ને નામાંકિત બ્રાંડના પાઉંચમાં નકલી ઘી હોવાની મોન્ટુએ કબુલાત આપી હતી પોલીસે કરેલી પુછપરછમાં જાણવા મળ્યું કે મોન્ટુને તેના એક મિત્રની મદદ થી સુરતના મહેશ નામના વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી હતી જે નકલી ઘી આપતો હોય મોન્ટુએ અમુલ અને ગોપાલ બ્રાન્ડનું ઘી સુરતના મહેશ પાસે થી મંગાવ્યું હતું જે ઘી એસ.ટી.નાં પાર્સલ મારફતે આવતું હતું જે બાબતે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવતા આ પાર્સલ પાલનપુરથી આવતા હોવાનું જાણવા મળ્યું છે. મોન્ટુ સુરતના મહેશ મારફતે અમુલ અને ગોપાલ બ્રાન્ડનું નકલી ઘી મંગાવી તે સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, પડધરી સહિતના શહેરમાં મોકલતો હતો.