રાજકોટમાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગર વિજિલન્સે જુગાર ક્લબ પર દરોડો પાડ્યો, નામચીન ઝિન્નત સહિત 10થી વધુની અટકાયત
વિજિલન્સે અચાનક આવી રેડ કરતા વિસ્તારમાં નાસભાગ: લાંબા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ ઝિન્નત ક્લબ ચલાવતી હતી
તારીખ 9-9-2021નાં રોજ ‘ખાસ-ખબર’એ ઝિન્નતનાં જુગાર-દારૂનાં અડ્ડાનું સ્ટિંગ કરીને ખાસ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એ પછી ભક્તિનગર પોલીસે માત્ર દેખાડાં ખાતર કાર્યવાહી કરી હતી, પરંતુ બે દિવસમાં જ ફરી તેનો અડ્ડો ધમધમતો થઈ ગયો હતો.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની પોલીસને ઊંઘતી રાખી ગાંધીનગર વિજિલન્સ પોલીસે નામચીન મહિલા સંચાલિત જુગાર ક્લબ પર દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 10થી વધુ લોકોની અટકાયત કરી ભક્તિનગર પોલીસ ખાતે લઇ જઈ રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોટરસાઇકલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સૌપ્રથમ વખત નાઈટડ્રેસમાં ગ્રાહક બની ને ત્રાટકી વિજિલન્સની ટીમ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ત્રિશુલ ચોક ખાતે નામચીન મહિલા ઝિન્નતનાં ઘર પર ચાલતી જુગાર ક્લબ પર વિજિલન્સ પોલીસે રેડ કરી સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને ઊંઘતી ઝડપી પાડી છે. પોલીસે અચાનક આવી રેડ કરતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી અને ઝિન્નતના ઘરમાં ચાલુ જુગાર ક્લબ પર પોલીસ ત્રાટકી 10થી વધુ લોકોની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલ સહિત મુદામાલ કબ્જે કરી ક્લબ ખાતેથી પકડાયેલી ઝિન્નત સહિત તમામને ભક્તિનગર પોલીસ સ્ટેશન લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
આરોપીઓ પાસેથી વરલી-મટકા આંકડાના જુગાર તથા ચકલી પોપટના પૈસાની હારજીતના જુગારના રોકડા રૂપિયા તથા વેરણછેરણ પડેલ દાવના નાણા તથા ઝિન્નતના ઘરેથી જુગારના મળેલા રૂપિયા સહિત કુલ 2,44,795 રોકડ કબ્જે કરાઈ છે. 25 નંગ મોબાઈલ, 8 વાહનો, કેલ્ક્યુલેટર, લાઈટ બિલ, સટ્ટાના આંકડા લખેલા કાગળો, પેડ, પેન, સટ્ટાના આંકડા લખેલી ચિઠ્ઠીઓ, ચકલી પોપટના અલગ અલગ ચિત્રો દોરી લખેલા બેનર વગેરેનો કુલ 5,20,995નો મુદ્દામાલ ઝડપાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત તા. 9 સપ્ટેમ્બર 2021નાં અંકમાં જ ‘ખાસ-ખબર’એ ઝિન્નતનાં અડ્ડા વિશે સતસવીર વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. પરંતુ બે-ત્રણ દિવસમાં જ તેણે ફરી પોતાનાં ગોરખધંધા ચાલુ કરી દીધા હતા. છેલ્લા ઘણા લાંબા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ ઝિન્નત ક્લબ ચલાવતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેમાં આજે અચાનક વિજિલન્સ પોલીસે ત્રાટકી ક્લબ પર દરોડો પાડતા સ્થાનિક પોલીસમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ગુનેગારોને ડરાવવાને બદલે પોલીસે ‘ખાસ-ખબર’ને આડકતરી ધમકી આપી!
દેશી દારૂ અને જુગારની કૂપ્રવૃત્તિઓ વિરૂદ્ધ ‘ખાસ-ખબર’ની એકધારી ઝૂંબેશ પછી પોલીસે ખરેખર ‘ખાસ-ખબર’નો આભાર માનવો જોઈએ. તેને બદલે એ ડિવિઝનનાં એક પોલીસ કર્મચારીએ ‘ખાસ-ખબર’ને આડકતરી ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘તમે ચેતીને રહેજો, આ બધાં બહુ ખતરનાક છે!’ આ પોલીસમેન પોલીસ વતી દારૂ-જુગારનાં હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે અને એ આવા ધંધાર્થીઓ તથા પોલીસને જોડતી કડી છે. પોલીસે ખાતા માંહેનાં જ આ દલાલોને પણ પાઠ ભણાવવાની જરૂર છે. ગુનેગારોને ડરાવવાને બદલે પોલીસે ‘ખાસ-ખબર’ને આડકતરી ધમકી આપી!
પવલા કોળીએ ફરી ધંધો ચાલુ કરી દીધો, લીલાબેન અને તેનાં દીકરા-જમાઈનો ધંધો બંધ જ નથી થયો!
પવલાનો બાર બંધ, દારૂની પાર્સલ સુવિધા ચાલુ
સંત કબીર રોડ પર દેશી દારૂનો બાર ચલાવતાં પવલા કોળીનું સ્ટિંગ અને અહેવાલ ‘ખાસ-ખબર’માં તારીખ 17-09-2021 નાં દિવસે પ્રકાશિત થયા હતાં. એ પછી પવલો થોડાં દિવસ શાંત બેઠો હતો. હવે તેણે ફરી ધંધો ચાલું કરી દીધો છે. જો કે, તેણે સ્થળ બદલાવી નાખ્યું છે. અને હવે એ માત્ર દારૂ વેંચે છે, બેસવાની કે બાઈટિંગની સુવિધા નથી આપતો. આ સિવાય ગોડાઉન રોડ પર ચાલતાં લીલાબેનનાં દેશી દારૂના ધંધા અંગે તથા તેનાં દીકરા અલ્પેશ અને જમાઈ હિરેનનાં ધંધા વિશે પણ પુરાવા સહિત સવિસ્તર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે દિવસે અહેવાલ પ્રકાશિત થયો તે દિવસે લીલા અને જમાઈ પર દેશી દારૂનો માત્ર નામ પૂરતો કેસ થયો પરંતુ એ રાત્રે જ હિરેનનો અને અલ્પેશનો ધંધો ચાલું હતો. આજે પણ ત્રણેયનો ધંધો ચાલું છે.
નવનિયુક્ત ગૃહમંત્રી હર્ષ સંઘવીની સતર્કતા અને સક્રિયતાનો પુરાવો
છેલ્લાં 3 અઠવાડિયાથી ‘ખાસ-ખબર’ દ્વારા રાજકોટ શહેરમાં ચાલી રહેલી દારૂ-જુગારની બદી વિશે પુરાવાઓ સહિતનાં અહેવાલો પ્રકાશિત થયા છે. આમાંથી મોટાભાગનાં કિસ્સાઓમાં ગુના જ નોંધાયા નથી, અને જે એકાદ-બે કિસ્સામાં ગુના નોંધાયા છે તેમાં પણ આરોપીઓને બચાવવા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ગાંધીનગરથી વિજિલન્સની રેડ આવવી એ એક સુચક ઘટના ગણાય છે. સ્થાનિક પોલીસને કદાચ મામલાની ગંભીરતા ન હોય તો પણ રાજ્યનાં નવા તેજતર્રાર ગૃહમંત્રી હર્ષ સંઘવીની સતર્કતા અને સક્રિયતાનો જ આ પુરાવો ગણી શકાય.