ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતમાં વસતા અને પોતાની અલગ ઓળખ ધરાવતા વિશેષ પ્રતિભાશાળી સિદ્દી બહેનો-ભાઈઓને એક વિશેષ તક આપવા ગુજરાત કટીબંધ છે. ત્યારે આગામી દિવસોમાં વર્ષ 2036ના ઓલમ્પીકને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા આ કેમ્પ યોજવામાં આવેલ છે. તે અંતર્ગત તા.15 થી 27 ડિસેમ્બર દરમિયાન બહેનો અને ભાઈઓ એમ બે વિભાગમાં સાત દિવસીય તાલીમ શિબિર અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના નિષ્ણાંત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપી સિદ્દી બહેનો-ભાઈઓના રમત કૌશલ્યની ઓળખ કરવામાં આવશે
આ તાલીમ કેમ્પમાં ગુજરાતના દરેક જિલ્લાની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ડોર ટુ ડોર નોધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.
અને સમગ્ર ગુજરાતમાં 8 થી 14 વર્ષના બાળકોની જિલ્લાકક્ષાએ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જેઓના હવે રાજ્યકક્ષાએ સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પ તા.15 થી 27 ડીસેમ્બર દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જૂનાગઢ ખાતે યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં તેઓને તાલીમ ભોજન, નિવાસ, ટી-શર્ટ અને આવવા-જવાનું પ્રવાસ ભથ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. આવા પ્રયાસોથી સમગ્ર ગુજરાતમાં રહેલ રમત પ્રતિભાઓને અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરી વર્ષ 2036 ઓલમ્પીક માટે તૈયાર કરવાની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેની સત્તાવાર યાદી ભૂષણ કુમાર યાદવ, જિલ્લા રમત વિકાસ અધિકારી, દ્વારા જણાવવામાં આવે છે.