મુર્શિદાબાદમાં હિંસાના દિવસે 10 હજાર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય દળોની તૈનાતી જળવાઈ રહેશે. આ સિવાય રાજ્ય સરકારે ઉશ્કેરણીજનક ભાષણો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત છે તેમ કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને નિર્દેશ આપ્યા છે. બીજીબાજુ મમતા સરકારે કબૂલ્યું હતું કે, હિંસાના દિવસે અંદાજે 10,000 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ઉશ્કેરાયેલી ભીડે પોલીસની પિસ્તોલ પણ આંચકી લીધી હતી.
- Advertisement -
વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ ગયા સપ્તાહે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભડકેલી હિંસા પર રાજ્ય સરકારે કલકત્તા હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. મમતા સરકારે કબૂલ્યું કે, હિંસાના દિવસે અંદાજે 10,000 લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળામાં અંદાજે 10 લોકો પાસે જીવલેણ હથિયાર હાત, જેનાથી પોલીસે તેમના અધિકારીઓને બચાવવા પડયા હતા. રિપોર્ટમાં કહેવાયું કે, અંદાજે 8,000થી 10,000 લોકોનું ટોળું પીડબલ્યુડી ગ્રાઉન્ડ પર એકત્ર થઈ ગયું હતું, જેમાંથી 5,000 લોકો ઉમરપુર તરફ આગળ વધ્યા હતા. બેકાબુ થઈ ગયેલા આ ટોળાએ પોલીસ કર્મચારીઓ પર ઈંટ-પથ્થર ફેંક્યા હતા. જોકે, રાજ્ય સરકારે કહ્યું કે, મુર્શિદાબાદમાં સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે.
કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે ઉશ્કેરણીજનક ભાષણો પર નિયંત્રણ રાખવાની જરૂર છે. વક્ફ સુધાર કાયદા વિરુદ્ધ દેખાવો સમયે ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં ના આવે. જોકે, રાજ્ય સરકારની દલીલથી વિપરિત કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે મુર્શિદાબાદ જિલ્લામાં સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. જેથી હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય દળોની તૈનાતી જળવાઈ રહેશે. દરમિયાન રાજ્યપાલ સીવી આનંદ બોસે કહ્યું કે તેઓ જમીની સ્થિતિ જાણવા માટે મુર્શિદાબાદ જશે.
- Advertisement -