ખાસ-ખબર સંવાદદાતા
ઓપનર જોસ બટલરે છેલ્લા બોલે સદી નોંધાવીને વિક્રમોની રચેલી વણઝાર વચ્ચે ઇંગ્લેન્ડે અહીં રમાયેલી આઇસીસી ટી20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડના ગ્રૂપ-1ની લીગ મેચમાં શ્રાીલંકાને 26 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની ગઇ હતી. શ્રાીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રારંભિક 10 ઓવરમાં ધીમી બેટિંગ કરનાર ઇંગ્લેન્ડે 20 ઓવરના અંતે ચાર વિકેટે 163 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો.
- Advertisement -
જેના જવાબમાં શ્રાીલંકાનો પૂરી ઇનિંગ 19 ઓવરમાં 137 રનના સ્કોરે સમેટાઇ ગઇ હતી. રનચેઝ કરનાર શ્રાીલંકન ટીમ માટે વાનિંન્દુ હસરંગાએ 34 તથા દાસુન શનાકાએ 26 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે મોઇન અલીએ 15 રનમાં બે, આદિલ રાશિદે 19 રનમાં બે તથા ક્રિસ જોર્ડને 24 રનમાં બે વિકેટ ઝડપી હતી. આ અગાઉ ઇંગ્લેન્ડે 35 રનના સ્કોર સુધીમાં જેસન રોય (9), ડેવિડ મલાન (6) તથા જોની બેરિસ્ટોની (0) વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બટલર અને સુકાની મોર્ગને ચોથી વિકેટ માટે 112 રનની ભાગીદારી નોંધાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. બટલરે 67 બોલમાં છ બાઉન્ડ્રી અને છ સિક્સર વડે અણનમ 100 તથા મોર્ગને 40 રન બનાવ્યા હતા.