ઝૂમાં હાલ કુલ 577 વન્ય પ્રાણી-પક્ષીઓ હાજર, વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા પ્લાય, ધાબળા અને કંતાનનો ઉપયોગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી સંગ્રહાલયનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે. હાલ રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 557 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે.
સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે. જ્યારે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂંકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે.
- Advertisement -
નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરાયો
આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂંકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.