શિક્ષણ સંસ્થાનોને તમાકુંમુક્ત કરવા માટે શિક્ષણ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહત્વની ગાઈડ લાઈન જાહેર કરી છે. શિક્ષણ મંત્રાલય દેશના બધા શિક્ષણ સંસ્થાનોને તમાકુ મુકત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જયારે સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને તમાકુની લત છોડાવવામાં મદદ કરવા માટે દેશના મેડીકલ સંસ્થાનોમાં ખાસ સેન્ટર્સ બનાવવા માટે ઓપરેશનલ ગાઈડ લાઈન્સ જાહેર કરી છે.
- Advertisement -
તમાકુથી દર વર્ષે લગભગ 13 લાખ લોકોની મોતનું અનુમાન લગાવાયું છે અને તે પબ્લીક હેલ્થ માટે પણ ગંભીર સંકટ બનીને ઉભરી રહ્યું છે. આ મામલે બન્ને મંત્રાલયોએ આ મોટી પહેલ કરી છે. શિક્ષણ મંત્રાલયના સ્કુલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચીવ સંજયકુમારે આ ગાઈડલાઈન્સનું મહત્વ દર્શાવતા કહ્યું હતું કે આપણે બધાએ આપણા જીવન અને સ્વાસ્થ્ય પર તમાકુના હાનિકારક પ્રભાવને સમજવો જોઈએ એટલે તેનાથી આજીવન દુર રહેવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ યુથ ટોબેકો સર્વે 2019નો ડેટા કહે છે કે સ્કુલ જતા બાળકોમાંથી 13-15 વર્ષની વયના 8.5 ટકા બાળકો કોઈને કોઈ રૂપે તમાકુનું સેવન કરતા હોય છે જયારે મોટાભાગના લોકો એવા છે જે 20 વર્ષની વય પહેલા તમાકુનું સેવન શરૂ કરી દે છે અને આજીવન તેના વ્યસની બની જાય છે.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓને તમાકુમુક્ત બનાવવાની ગાઈડલાઈન્સનું ખૂબ જ કડકાઈથી અમલ કરવામાં આવશે. મંત્રાલયે જે ગાઈડલાઈન્સ તૈયાર કરી છે તેમાં દરેક શિક્ષણ સંસ્થાએ પોતાના પરિસરમાં મુખ્ય જગ્યાએ તમાકુમુક્ત એરિયાના પોસ્ટર લગાવવા પડશે. શિક્ષણ સંસ્થાઓમાં રેન્ડમ ચેકીંગ કરવું પડશે. સ્કુલના પ્રમુખે ટીચર્સ, સ્ટાફ મેમ્બર્સમાંથી એક એક વ્યક્તિને ટોબેકો મોનીટર તરીકે પસંદ કરવો પડશે, જે ખુદ તમાકુનું સેવન ન કરતો હોય અને શિક્ષણ સંસ્થામાં તમાકુના પ્રયોગો રોકવામાં જરૂરી મદદ કરે.