ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ અને કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 30માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં પરંપરાગત રીતે ચોમાસાનો વરતારો રજૂ કરતા 50 જેટલા આગાહીકારોનું એકંદરે ચોમાસુ સારું રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એટલે કે, આગામી ચોમાસુ 12 થી 14 આની રહેવાની આગાહી કરવામાં આવી છે.
આગામી ચોમાસુ-વરસ સારૂ રહેશે તેવુ 36 આગાહીકારો જણાવ્યુ છે. તો 12 આગાહીકારો ચોમાસું મધ્યમ રહેશે તેવુ અનુમાન જણાવ્યું હતું જયારે સૌરાષ્ટ્રમા વાવણી લાયક વરસાદ જૂનના બીજા અઠવાડીયામા થાય તેવા 21 અવલોકન, જૂનના ત્રીજા અઠવાડીયામા થાય તેવા 25, જૂનના ચોથા અઠવાડિયામાં થાય તેવા 21 અવલોકન અને જૂલાઈ માસમાં જુદા-જુદા સમયગાળામાં થાય તેવા 9 અવલોકનો મળ્યા છે અને અતિવૃષ્ટિ જૂલાઈના બીજા અઠવાડિયામાં થાય તેવા 8, જૂલાઈના ત્રીજા અઠવાડિયામાં થાય તેવા 7, જૂલાઈના ચોથા અઠવાડિયામાં થાય તેવા 12 અને ઓગષ્ટ માસમાં જુદા-જુદા સમયગાળામાં થાય તેવા 10 અવલોકન મળ્યા છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં અતિશય ગરમી- હિટવેવના સંદર્ભે ખેડૂતો માટે ઉપયોગી સૂચનાઓ બહાર પડાઈ
જૂનાગઢ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠવાડિયામાં જૂનાગઢ જિલ્લામાં પવન સાથે ઉષ્ણલહેર રહેવાની સંભાવનાઓને ધ્યાને લઈ નાગરિકો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જે મુજબ બપોરના સમયે અનિવાર્ય કારણો સિવાય બહાર નિકળવાનું ટાળવું. દિવસ દરમ્યાન છાશ, સરબત કે પાણીનું વધારે માં વધારે / વારંવાર સેવન કરવું. મોસમી ફળો, શાકભાજી જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેનો વપરાશ કરવો જેમ કે, તરબુચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી અથવા અન્ય સ્થાનિક ઉપલબ્ધ ફળો અને શાકભાજીઓ લેવા તેમજ મહતમ શરીર ઢંકાય તેવા પાતળા ઢીલા વજનમાં હળવા સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના પહેરવા તેમજ માથુ ઢંકાયેલુ રાખવું તેમજ તડકામાં બહાર જતી વખતે પગમાં બુટ – ચંપલ અવશ્ય પહેરવા, બપોરે પશુઓને છાંયડે રાખવા.ઉભા પાકને જરૂરિયાત મુજબ સવારે અથવા સાંજે હળવુ પિયત આપવું.પરિપક્વ પાકની વહેલીતકે લણણી અને ઝુડણીની કાર્યવાહી ઠંડા પહોરમાં પૂર્ણ કરવી અને જો તમને ઉચ્ચ શરીરનું તાપમાન અને ક્યાં તો બેભાન, મુઝવણ અથવા પરસેવો બંધ થઈ ગયેલ વ્યક્તિ મળે તો તરત જ 108 પર કોલ કરવો અથવા નજીકના આરોગ્ય કેંન્દ્ર નો સંપર્ક કરવો તેમજ હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવો. મોબાઇલમાં મેઘદુત એપ્લીકેશન ડાઉનલોડ કરવી. હવામાન વિભાગ તરફથી આવતી સુચનાઓનું પાલન કરો.