દેશમાંથી ચોમાસાની વિદાય અર્ધ રસ્તે પહોંચી : સરેરાશ કરતા 107.06 ટકા વધુ પાણી વરસી ગયું
ચોમાસું સર્વત્ર પણ રહ્યું : ખરીફ પાકને સૌથી વધુ ફાયદો : રવી પાક માટે પણ વાતાવરણ બનવા લાગ્યુ : દેશના તમામ વિસ્તારોમાં ચોમાસાએ પહોંચ બનાવીને પાણીની તંગી પણ દુર કરી
સપ્ટેમ્બર માસમાં સરેરાશ કરતા 11.6% વધુ વરસાદ નોંધાયો છે, જયારે જુલાઇમાં 9% અને ઓગષ્ટ માસમાં 15.3% સામાન્યથી વધુ વરસાદ નોંધાયો: 2020 બાદનો સૌથી વધુ વરસાદ પડયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
દેશમાં હવે નૈઋત્ય ચોમાસુ પાછુ ખેંચાવાની પ્રક્રિયા શરૂૂ થઇ ગઇ છે અને આગામી એક પખવાડીયામાં શિયાળાની ઋતુના આગમનના સંકેત પણ મળી જાય છે તે સમયે આ વર્ષનું ચોમાસુ ભરપુર રહ્યું છે અને હવામાન ખાતાએ જાહેર કર્યુ છે કે ચોમાસુ સામાન્યથી વધુ રહેવાની આગાહી સાચી પડી છે, ખાસ કરીને જુલાઇથી સપ્ટેમ્બરનો સમયગાળો દેશમાં ચોમાસા માટે ખુબ જ ભરપુર રહ્યો છે.દેશમાં જયારે 70 ટકા કૃષિ આ નૈઋત્યના ચોમાસા પર આધારીત છે અને 3.5 લાખ કરોડ ડોલરના અર્થતંત્ર માટે આ ચોમાસુ જીવાદોરી સમાન છે. તે સમયે જ હવામાન ખાતાના જણાવ્યા મુજબ 2024નું ચોમાસુ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ભરપુર રહ્યું છે અને લાંબાગાળાની એવરેજમાં ચોમાસામાં જુનથી સપ્ટેમ્બર માસ દરમ્યાન 107.06 ટકા વરસાદ નોંધાયો છે.
જે 2020 બાદનો સૌથી વધુ નૈઋત્યના ચોમાસાનો વરસાદ રહ્યો છે. ગત વર્ષે ચોમાસાએ કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જી હતી પરંતુ ચાલુ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ સામાન્ય કે તેથી વધુ રહ્યું છે. જેના કારણે ખરીફ અને રવી પાક સહિતની મોસમ ભરપુર રહેશે તેવા સંકેત છે.
હવામાન ખાતાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર માસમાં સરેરાશ કરતા 11.6 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જયારે જુલાઇમાં 9 ટકા અને ઓગષ્ટ માસમાં 15.3 ટકા સામાન્યથી વધુ વરસાદ નોંધાયો હતો. હજુ ચોમાસુ પાછુ ખેંચવાની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે અને તેના કારણે દેશના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની સ્થિતિ છે.જોકે તેનાથી ચોખા, કપાસ, સોયાબીન, મકાઇ અને કઠોળના પાકને થોડુ નુકસાન થઇ શકે છે. પરંતુ ચોમાસુ લંબાતા હવામાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. જેના કારણે રવી પાક ખાસ કરીને ઘઉં, રાયડાને સૌથી વધુ ફાયદો થશે તેમ મનાય છે. 2023માં છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ પડયો હતો અને તેના કારણે દેશના જળાશયોમાં પણ પાણી તળીયે પહોંચી ગયું હતું.ઉપરાંત કૃષિ ઉત્પાદનોને પણ અસર થતા ચોખા, ખાંડ અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ફરજીયાત બન્યો હતો. પરંતુ આગામી વર્ષે હવે તે સ્થિતિ સર્જાવાની શકયતા નહીંવત છે. સૌથી મહત્વનું એ છે કે આ વર્ષે ચોમાસુ વ્યાપક રહ્યું છે. જેના કારણે દેશના તમામ ક્ષેત્રોમાં ચોમાસુ સારૂૂ રહેતા પાણી સહિતની સમસ્યા ઉકેલાઇ ગઇ છે.સરકારે હાલમાં જ સારા ચોમાસાના સ્થિતિને કારણે કેટલાક નિકાસ પ્રતિબંધો ઉઠાવી લીધા હતા અને દેશમાં હવે આગામી દિવસોમાં ખરીફ પાકના સારી સિઝનના કારણે ફુગાવાનો દર પણ નીચો જવાથી વ્યાજદરમાં ઘટાડો થવાની આશા છે જેના કારણે ઉંચા વ્યાજની સ્થિતિમાંથી મોટી રાહત મળશે.