જૂનાં યાર્ડ પાસે વહેલી સવારે સર્જાયેલી કરુણાંતિકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક વ્યકિતનું મોત નિપજયું છે જયારે ત્રણ લોકોને ઇજા પહોંચી છે માતાના મૃત્યુની ખબર જાણી અમદાવાદથી પોરબંદર જઇ રહેલ યુવાન પુત્ર ગ્રીનલેન્ડ ચોકડીએ બસમાંથી ઉતરી રીક્ષામાં બેસી ગોંડલ ચોકડી જઇ રહ્યો હતો ત્યારે ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારે રીક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે મળેલી વિગત મુજબ આજે વહેલી સવારે પ.30 વાગ્યા આસપાસ જુના માર્કેટીંગ યાર્ડ પાસે અમદાવાદ-પોરબંદર નેશનલ હાઇવે પર માર્કેટીંગ યાર્ડ પાસે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે રીક્ષાને પાછળથી ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો અને કારચાલક ત્યાંથી નાશી છુટયો હતો રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા ચાલક સહિત ચાર પેસેન્જરો ઘવાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા પોરબંદરના રહેવાસી યુસુફભાઇ અનવરભાઇ મુકાદમ ઉ.40નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું જયારે રીક્ષા ચાલક સહિત ત્રણને ઇજા પહોંચી હતી જેમાં મૂળ યુપીના હાલ ગોંડલ રહેતા વિવેક ત્રિમોહન શુકલા ઉ.24, રાજકોટ રામ પાર્કના ગોપાલભાઇ કરશનભાઇ પઢારીયા ઉ.41 અને અમદાવાદના જેઠાભાઇ મંગળભાઇ ચૌહાણ ઉ.63નો સમાવેશ થાય છે
આ ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ અને રાઇટર તોફીકભાઇ સહિતે આજી ડેમ પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ હરપાલભાઇ સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકના સ્વજનોને જાણ કરતાં તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા મૃતક યુસુફભાઇ અમદાવાદ ખાતે ફીશરીસ કંપનીમાં મચ્છી ટ્રાન્સપોર્ટેશન કંપનીમાં નોકરી કરતા હતા તેને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી છે. યુસુફભાઇ 2 ભાઇ અને 1 બહેનમાં મોટા હતા. તેમનો પરિવાર પોરબંદર તુર્કી એપાર્ટમેન્ટ ખાતે રહે છે ગઇકાલે રાત્રે યુસુફભાઇના માતા બાનુબેનનું બીમારી સબબ મૃત્યુ થયું હતું આશરે 11.30 વાગ્યા આસપાસ યુસુફભાઇને જાણ કરાઇ હતી જેથી યુસુફભાઇ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા અને અહીં ગ્રીન લેન્ડ ચોકડીથી પોરબંદરનું વાહન મળતું હોય જેથી ગ્રીનલેન્ડ ચોકડી ઉતરી રિક્ષામાં ગોંડલ ચોકડી જવા રવાના થયા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો માતા બાદ પુત્રનું પણ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.