યુરોપમાં આકરી ઠંડીના લીધે ઊર્જા ભંડાર જમીન અંદર શોષાઈ ગયો
ખાસ-ખબર સંવાદદાતા
અચાનક સમગ્ર દુનિયામાં ગંભીર ઉર્જા સંકટ ઉત્પન્ન થયું છે. ભારત, ચીન, લેબનોન સહિત ઘણા દેશોમાં કોલસાની તંગીના કારણે વીજ સંકટ ઉભુ થયું છે. જ્યારે કે યુરોપીયન દેશો ગેસની તંગીથી જજૂમી રહ્યા છે. તેવામાં આખરે સવાલ આવ્યો કે વિશ્ર્વના દેશોના માથે અચાનક આ ઉર્જા સંકટ કઈ રીતે આવી પડ્યું.
આ સમયે દુનિયાભરમાં ઘણા દેશો વૈશ્વિક ઉર્જા સંકટ અનુભવી રહ્યા છે. ચીનના કેટલાક રાજ્યોમાં વીજ સંકટના કારણે ઉદ્યોગ ધંધ ઠપ થઈ ગયા છે. અહીં થોડી થોડી વાર અલગ અલગ રાજ્યોમાં વીજળી આપવામાં આવી રહી છે. તો લિક્વિડ ગેસ માટે યુરોપીયન દેશોના લોકો ઊંચી કિંમતો ચૂકવવા માટે મજબૂર બન્યા છે. જ્યારે કે લેબનોનમાં તો કાયદેસર રીતે અંધારપટ છવાઈ ગયો છે. ભારતમાં પણ કોલસાની તંગીના કારણે વીજ સંકટના ભણકારા વાગી રહ્યા છે. તો અમેરિકામાં ગેસોલિનમાં છ મહિનામાં ભાવ બમણા થઈ ગયા.
- Advertisement -
જેમ જેમ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો નોંધાઈ રહ્યો છે અને કોરોના મહામારી પર દુનિયામાં કાબુ મેળવાઈ રહ્યો છે તેમ તેમ ઉર્જા સેક્ટર પર ભારે દબાણ ઊભુ થઈ રહ્યું છે. જેણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ઘણો તણાવ ઉત્પન્ન કર્યો છે.
ચાલુ વર્ષે ડિસેમ્બરમાં જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને લઈને યોજાનારી વિશ્વની સૌથી મોટી બેઠક સીઓપી-26માં દુનિયાભરના નેતા સામેલ થવાના છે.
જેમાં હરિત ક્રાંતિને લઈને મંત્રણા થશે. અને ગ્રીન એનર્જી ક્રાંતિ લાવવાની વાત કરવામાં આવશે. પરંતુ અત્યારથી જ સવાલ ઉઠવા લાગ્યા છે કે શું આ વાત સંભવ છે ખરી ? ઉર્જા સંકટ અચાનક નથી આવ્યું. પરંતુ છેલ્લા 18 મહિનાથી ધીમે ધીમે ઉર્જા સંકટ ઘેરૂ બની રહ્યું હતુ.
કોરોના પર નિયંત્રણની સાથે અર્થતંત્રમાં સુધારો લાવવાના કાર્યક્રમમાં ગતિ આવવા લાગી. તો બીજી તરફ છેલ્લા 18 મહિનામાં દુનિયામાં ઘણા સ્થળોએ ચક્રવાત અને પૂરની સ્થિતિ સર્જાઈ. જેના કારણે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ.
યુરોપમાં આ વખતે જળવાયુ પરિવર્તનના કારણે આકરી ઠંડી પડી છે. જેના કારણે યુરોપીયન દેશોમાં ઉર્જા ભંડાર જમીન અંદર શોષાઈ ગયો છે. ચાલુ વર્ષે આરબના દેશોમાં વારંવાર ચક્રવાત આવ્યા. જેના કારણે ક્રૂડ રિફાઈનરીઓને બંધ કરવી પડી. તો બાકી રહી ગયેલી કરસ ઓસ્ટ્રેલિયા અને ચીનની વચ્ચે વધેલા તણાવે પૂરી કરી નાંખી. ગ્લાસ્કોમાં યોજાનારી કોપ-26ની બેઠક પહેલા અક્ષય ઉર્જાના સમર્થકોનું કહેવું છે કે આ સંકટે આપણને શીખવ્યું છે કે આપણે વહેલામાં વહેલી તકે જીવાશ્મ ઈંધણને પડતુ મુકવું જોઈએ. જ્યારે કે ટીકાકારોનું કહેવું છે કે પવન ઉર્જા અને સૌર ઉર્જાથી વૈશ્વિક જરૂરિયાતને પૂર્ણ કરી શકાય નહીં. વિશ્લેષકોને તે વાતની ચિંતા છે કે ઉર્જા સંકટના કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક સુધારાનો કાર્યક્રમ તો પ્રભાવિત થશે સાથે મોંઘવારી પણ વધશે.
- Advertisement -
જાણકારોનું કહેવું છે કે જો આ વખતે આકરી ઠંડી પડશે તો સ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે કારણ કે તેનાથી ઘણા સ્થળોએ ગેસનું પ્રોડકશન બંધ થઈ જશે.