જૂનાગઢ મનપા સાથે 6 પાલિકા અને બે તાલુકા પં.ની 16 ફેબ્રુ.એ પેટાચૂંટણી
મનપાની ચૂંટણીમાં ભાજપ નો રિપિટ થિયરી અપનાવશે !
- Advertisement -
ત્રિપાંખિયા જંગ સાથે અપક્ષ પણ મેદાનમાં ઉતરશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવાની જાહેર થઇ છે.જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા સાથે જિલ્લાની 6 નગર પાલિકાની ચૂંટણી અને બે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઠંડીની મોસમમાં ગરમાવાનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ઇન્ડિયા ગઠબંધન તૂટી રહ્યું છે એવા સમયે ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે જોકે ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ પક્ષમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.જયારે આ ચૂંટણી 27% ઓબીસી અનામત સાથે યોજાશે તેમાં અનેક નેતાના પતા સાફ થવાની લોક ચર્ચાઓ શરુ થઇ છે. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે ભાજપ દ્વારા શહેરની કામીગીરી કરવામાં આવી છે.તેમાં લોકોમાં ભારો ભાર રોષ જોવા મળે છે.એવા સમયે કોંગ્રેસતો પહેલાથીજ વિપક્ષ ભૂમિકા અદા કરવામાં અસફળ રહી છે.તો સામે આમ આદમી પાર્ટી પણ જે રીતે વેર વિખેર છે. તેવામાં મનપામાં ભાજપની ખરડાયેલા છબી સામે ચૂંટણી જંગમાં ઉતરીને જીતના દાવા સાથે ઉમેદવારો મેદાનમાં ઉતારશે આમ ત્રિપાંખિયો જંગ સાથે અપક્ષ પણ મેદાનમાં ઉતરશે.
ચૂંટણી સમયે શહેર ભાજપ અને જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું ગૂંચવાયું છે.એવા સમયે ચૂંટણી ટાણે નવા પ્રમુખ જાહેર થશે કે, કેમ તે પણ ચર્ચાએ જોર પકડયું છે.જયારે શહેર પ્રમુખ બનવા 20 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે.ત્યારે ક્યાંકને ક્યાંક ભાજપ મનપા ચૂંટણીમાં સારો દેખાવ કરે તો ત્યાર બાદ તમામ પદની જાહેરાત કરે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.આમ ભાજપ દરેક ચૂંટણીમાં મેયર પદ જાહેર કરીને ચૂંટણી લડી છે ત્યારે આ 2025ની ચૂંટણીમાં મેયર પદ જાહેર કરીને ચૂંટણી લડાશે કે, પછી બહુમતી આવે તો મેયર પદ નક્કી થશે તે પણ હજુ અવઢવ છે.બીજી તરફ કોંગ્રેસ પણ ભાજપના અસંતોષ સામે દરેક વોર્ડ માંથી લોકો પસંદ કરે તેવા ઉમેદવાર શોધીને મેદાનમાં ઉતારશે જયારે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર શોધી રહ્યા છે.અને બંને પક્ષમાં કોને નડશે તેતો આગામી પરિણામ પર જોવા મળશે.
- Advertisement -
જોકે ભાજપ માટે રોડ રસ્તાઓ પાણીની સમસ્યા અને વિકાસના કામોને લઈ આ વખતે કપરું ચઢાણ હોવાના એંધાણ વ્યક્ત થયા છે છતાં પણ બંને પક્ષો દ્વારા સામસામે વિરોધ અને કામોની ગાથાઓ વચ્ચે ચૂંટણી યોજાનાર છે.16 તારીખે જુનાગઢના પ્રથમ નાગરિક સહિત નગરસેવકોનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ થનાર છે અને 18 તારીખે પરિણામ જાહેર થતા જ ત્વરિત મનપા બોડીના હોદ્દેદારોની સતાવાર જાહેરાત કરવામાં આવશે અને 26 ફેબ્રુઆરી દરમિયાન લઘુ કુંભ એટલે કે જૂનાગઢમાં યોજાનાર શિવરાત્રિ મહા પર્વની ઉજવણીમાં મનપાના પદાધિકારી પણ જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે જૂનાગઢ મનપા ચૂંટણી સંદર્ભે રોટેશન પદ્ધતિને કારણે હાઈકોર્ટમાં એક રીટ પણ કરવામાં આવી હતી જેની સુનવણી 29 તારીખનાં રોજ કરવામાં આવનાર હતી ત્યારે જ ચૂંટણી પંચે દ્વારા સતાવાર મોટી જાહેરાત કરવામાં આવી છે અને હવે હાલ હાઈકોર્ટનો નિર્ણય શું આવશે અને તે નિર્ણય મનપા જુનાગઢ ચૂંટણીને એક વિટંબણામાં મૂકનાર હશે કે કેમ એ તો આવનાર સમય જ જણાવશે.
કણજામાં બિન અનામત સામાન્ય તથા પલાસવામાં અનુસુચિત સ્ત્રી માટેની ચૂંટણી
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ છે તેમા જિલ્લાની વિસાવદર, વંથલી, માંગરોળ, માણાવદર અને બાંટવા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાઓ શરૂ થઇ છે. તેની સાથે વંથલી તાલુકા પંચાયતની કણજા અને જુનાગઢ તાલુકા પંચાયતી પલાસવા બેઠકની પણ ચૂંટણી જાહેર થઇ છે. વંથલીના કણજામાં બિન અનામત સામાન્ય તથા પલાસવામાં અનુસુચિત સ્ત્રી માટેની ચૂંટણી જાહેર થઇ છે. આ બંને બેઠક પર પણ ચૂંટણીનો જંગ ખેલાશે.