સ્વસ્થ ધરા, ખેત હરા પ્રોજેક્ટ હેઠળ માટીનાં નમૂનાનું થશે પૃથ્થકરણ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાના 516 ગામના ખેતરોમાંથી માટીના નમૂના લેવામાં આવી રહ્યા છે. દરેક ગામમાંથી 10 નમૂના લેવાશે. નમૂના લેવાયેલ માટીનું સ્વસ્થ ધરા ખેત હરા પ્રોજેક્ટ હેઠળ પૃથ્થકરણ કરાશે.જૂનાગઢ જિલ્લાના પ્રત્યેક ગામમાંથી 10 નમૂના મુજબ 5160 નમૂના લઇ જમીનની ગુણવત્તા જાણવા માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલાશે. નમૂનાના પૃથ્થકરણ બાદ ક્યા પાક માટે જમીન ઉત્તમ છે, તે જાણી શકાશે. પૃથ્થકરણ મુજબ ખેડૂતોને પાક વાવેતર, માવજત તેમજ ખાતર બિયારણની ભલામણ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જી.એસ.દવેએ જણાવ્યું છે.
સોઇલ હેલ્થ કાર્ડ એટલે જમીનની કુંડળી જેમાં જમીનનો પ્રકાર, જમીનમાં લભ્ય પોષક તત્વો, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ વગેરે વિગતો મળે છે. જમીનમાં પાક વાવેતર, ખાતરના વપરાશ તેમજ પાક ઉત્પાદનમાં સોઇલ હેલ્થ કાર્ડની મહત્વની ભુમિકા છે. હાલ 4 હજારથી વધુ નમૂના લેવાઇ ગયા છે. અને હજુ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગ્રામ સેવક દ્વારા નમૂના લેવામાં આવી રહ્યા છે.