વડોદરા ગેંગરેપને લઈ હર્ષ સંઘવીએ કહ્યું- મા અંબા પાસે મનોકામના છે કે, આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છઠ્ઠા નોરતે રાજકોટના ગરબામાં હાજરી આપી
ગુજરાત પોલીસ આપ સૌની સુરક્ષા માટે રાત-દિવસ એક કરે છે: સંઘવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મા અંબા પાસે મનોકામના છે કે વડોદરા ગેંગરેપના દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઇએ આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના. તેમણે છઠ્ઠા નોરતે રાજકોટમાં યુનિટી ફાઉન્ડેશનના ગરબામાં માતાજીની આરતી ઉતારી ખેલૈયાઓને કહ્યું કે રાજકોટવાસીઓ ગરબે રમવાની મજા આવી? કોઈ મોડે સુધી ગરબે રમતા રોકવા આવ્યું? ઘણાને ગરબા રમતા રોકવામાં મજા આવે છે.
હર્ષ સંઘવીએ વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, અમુક લોકો તમે મોડે સુધી ગરબા રમો તે રોકવાની કોશિશ કરે છે. તલવાર હાથમાં લઈ હર્ષ સંઘવીએ વિરોધીઓને આડેહાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હું સુરતથી નીકળ્યો, અમદાવાદ ગયો, વડોદરા ગયો અને આજે રાજકોટ આવ્યો છું. રંગીલા રાજકોટવાળા મજામાં છો ને. ગરબામાં લહેર પડી ગઈ ને બરાબર? મોજથી મોડે સુધી ગરબા રમ્યા કે નહીં? કોઈ રોકવા આવ્યું ખરું?
- Advertisement -
ગુજરાતમાં ગરબા રમવા કરતા અમુક લોકો ગરબા રોકવા માટેનો વધારે પ્રયાસ કરે છે તો રમવાની મજા આવી કે નહીં? ઘરે જતાં જતાં બધી હોટલો ખૂલી હતી? તેના જવાબમાં લોકોએ હા પાડી હતી. હરિયાણામાં ભાજપની જીતને લઈ આજનો દિવસ તો આનંદનો દિવસ છે. ગરબા પણ રમીશું અને ઘરે જતાં જતાં જલેબી પણ ખાઈશું. સૌ રાજકોટવાસીઓ આનંદ કરો, ઉત્સવ મનાવો. આપણે મા અંબાની ભક્તિમાં નવે નવ દિવસ મા અંબાનાં ચરણોમાં વંદન કરીને તમારા સૌની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે મારી ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાત-દિવસ એક કરીને મોડી રાત સુધી ગરબા રમાડે છે અને ઘરે પરત ફરતી વખતે આપ સૌની સુરક્ષા માટે રાત-દિવસ એક કરે છે. વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાની અંદર જે ઘટના બની તેમાં મા અંબાનાં ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી હતી. એ મા અંબે આ દરિંદાઓ દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા હોય તો તેને પકડવામાં શક્તિ આપ અને તાકાત આપ. તમે સૌ બહેનોના આશીર્વાદથી ગુજરાત પોલીસને એ દરિંદાઓને પકડવામાં સફળતા મળી, આજે પણ મા અંબાનાં ચરણોમાં વંદન કરીને એક જ મનોકામના માગી છે કે, આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા થવી ન જોઈએ તો જ મારી ગુજરાતની બહેનોને ન્યાય મળે.
વધુમાં જણાવ્યું હતું કે, મારી આપ સૌને વિનંતી છે બહેનો. મા અંબાની આદ્યશક્તિમાં આપણે આ નવ દિવસ અલગ અલગ ગ્રાઉન્ડે ગરબા રમવા જતા હોઈએ છીએ. એક મા અંબાનો વિશ્ર્વાસ, એમની ભક્તિ અને એક તમારા ઘરે બેઠેલી માતા આ બે મા તમે જોઈ છે. ઘરે બેઠેલી માતાનો વિશ્ર્વાસ ક્યારેય તૂટે નહીં બહેનો એ પ્રકારનો પ્રયત્ન કરજો. એ માએ તમારી પર વિશ્ર્વાસ રાખ્યો છે, બધી સ્વતંત્રતા આપી છે એ સ્વતંત્રતાનો ક્યારેય કોઈ ગેરલાભ ન ઉઠાવતા.