પ્રમુખ બાઈડેનની યુક્રેનને 24 અબજ ડોલરની સૈન્ય સહાય માટે સંસદમાં નવું બિલ પસાર કરવા વિનંતી
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં અંતે છેલ્લી ઘડીએ શટડાઉન ટળી ગયું છે. અમેરિકન કોંગ્રેસે શનિવારે રાત સુધીની શટડાઉન માટેની સમય મર્યાદા પૂરી થવાના કેટલાક કલાક પહેલાં જ 45 દિવસ માટે ફન્ડિંગ બિલ પસાર કરી દીધું છે. તેથી હવે 17 નવેમ્બર સુધી શટડાઉન ટળી ગયું છે. આ સાથે અંદાજે 33 લાખ સરકારી કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો છે. ગૃહના સ્પીકર કેવિન મેકકાર્થીને શોર્ટ-ટર્મ બિલ માટે ડેમોક્રેટિક સાંસદોનો સહયોગ મળ્યો હતો. હવે સરકારને લાંબાગાળાનું શટડાઉન ટાળવા વધુ એક ફન્ડિંગ બિલ પસાર કરવું પડશે.
અમેરિકામાં શટડાઉન ટાળવા માટે શનિવારે મોડી રાત સુધી સંસદની કામગીરી ચાલુ રહી હતી. ડેમોક્રેટ્સના પ્રભુત્વવાળા સેનેટમાં સ્ટોપગેપ ફન્ડિંગ બિલની તરફેણમાં 88 જ્યારે વિરુદ્ધમાં 9 મત પડયા હતા. શોર્ટ ટર્મ ફન્ડિંગ બિલના વિરોધમાં મતદાન કરનારા બધા જ સાંસદો રિપબ્લિકન પક્ષના હતા. આ પહેલાં પ્રતિનિધિ સભામાં આ બિલ 335 વિરુદ્ધ 91 મતોથી પસાર થયું હતું. યુએસ સંસદમાં આ બિલ પસાર થતા હવે તેને પ્રમુખ જો બાઈડેન પાસે મોકલાયું હતું, જેમણે તેના પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રમુખ બાઈડેને ફન્ડિંગ બિલ પસાર કરવાના સંસદના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. જોકે, આ બિલમાં બાઈડેન દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનને મદદ અંગેની વિનંતીને સમર્થન કરાયું નથી. તેથી બાઈડેને યુએસ કોંગ્રેસને યુક્રેનને મદદ માટે ઝડપથી મંજૂરી આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણે કોઈપણ પરિસ્થિતિમાં યુક્રેન માટે અમેરિકન સમર્થનમાં અવરોધો ઊભા કરવા જોઈએ નહીં. બાઈડેને રિપબ્લિકન હાઉસના નેતા કેવિન મેકકાર્થીનો ઉલ્લેખ કરતા કહ્યું, મને પૂરી આશા છે કે સ્પીકર યુક્રેનના લોકો પ્રત્યે તેમની કટિબદ્ધતા જાળવી રાખશે અને આ મહત્વપૂર્ણ સમયમાં યુક્રેનની મદદ માટે જરૂૂરી સમર્થન સુરક્ષિત કરશે.
અમેરિકન મીડિયા મુજબ સાંસદોએ હવે યુક્રેનને 24 અબજ ડોલરની સૈન્ય મદદ માટે અલગ બિલ પર ચર્ચા કરવી જોઈએ. આ સંભવિત બિલ અંગે આગામી સપ્તાહની શરૂૂઆતમાં સંસદમાં ચર્ચા થવાની શક્યતા છે. મેક્કાર્થી સહિત ઉદારવાદી રિપબ્લિકન સાંસદોના સમર્થન છતાં કટ્ટરવાદી દક્ષિણપંથી રિપબ્લિકન સાંસદોએ ફન્ડિંગ બિલમાં યુક્રેનને મદદનો સમાવેશ કરવાનો આકરો વિરોધ કર્યો હતો.અમેરિકામાં ફન્ડિંગ બિલ પસાર કરાવવા માટેની અંતિમ સમય મર્યાદા 30 સપ્ટેમ્બર હતી. દેશમાં રાજકીય ઘમાસાણ વચ્ચે આ બિલ પસાર થવા અંગે અસમંજસની સ્થિતિ હતી. અમેરિકામાં શટડાઉન થયું હોત તો અમેરિકાની સાથે દુનિયાભરના બજારો પર તેની અસર થઈ હોત. જોકે, હવે આ સંકટ ટળી ગયું છે. અમેરિકા પર દેવું વધીને 33 લાખ કરોડ ડોલરને પાર થઈ ગયું છે. છેલ્લા ત્રિમાસિકમાં દેવામાં 1 લાખ કરોડ ડોલરનો વધારો થયો છે. અમેરિકાનું દેવું તેના જીડીપીથી પણ વધી ગયું છે. તેથી રિપબ્લિકન સાંસદો ખર્ચમાં કાપ મૂકવાની માગણી કરી રહ્યા હતા, જેને પગલે શટડાઉનનું જોખમ તોળાઈ રહ્યું હતું.