11 અનાથ વ્હાલુડીના ‘વીર’ બનીને ઉભી રહેશે બંને સંસ્થા
સંસ્થાઓ અને દાતાઓ દ્વારા દીકરીઓને વોશિંગ મશીન, ટી.વી., ઘરઘંટી, સોના-ચાંદીની વસ્તુઓ સહિત 200થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે
- Advertisement -
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ભૂતડાઓના પાત્રો પણ જાનમાં જોડાશે અને શિવજીના વરઘોડાની સાથે સાથે 11 વરરાજાના વરઘોડાના સામૈયા કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટમાં આવતીકાલે મહાશિવરાત્રિના પાવન પર્વ પર 11 અનાથ વ્હાલુડીના શાહી વિવાહ, ‘શ્રી ફાઉન્ડેશન’ અને ‘શેર વિથ સ્માઈલ’ દ્વારા મવડી ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાશે. આ તૃતિય સમૂહ લગ્નોત્સવમાં 11 અનાથ દીકરીઓના વિવાહ કરવામાં આવશે. જેમાં આ બંને સંસ્થાઓ અને દાતાઓ દ્વારા દીકરીઓને વોશિંગ મશીન, ટી.વી., ઘરઘંટી, સોના-ચાંદીની વસ્તુઓ સહિત 200થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. સાથોસાથ દીકરીઓને વાજતેગાજતે વિદાય આપવામાં આવશે અને કોડભરી દીકરીઓના સ્વપ્ન સમાન લગ્ન કરી આપવામાં આવશે. આ બંને સંસ્થાને વ્હાલુડીના વિવાહની સેવાના આ ભગીરથ કાર્યમાં દાતાઓ અને મિત્રો તરફથી તન, મન, ધનથી સહયોગ મળી રહ્યો છે. સમૂહલગ્નનું આયોજન નક્કી થયા પછી લગ્ન જીવનનો સંસાર શરૂ કરવા ઈચ્છુક અનાથ દીકરીઓને (જેના માતા અને પિતા બંને હયાત નથી) તેને પ્રાથમિકતા આપવામાં આવે છે. દીકરીઓના સ્વપ્ન સાકાર કરતાં લગ્ન તો કરાવવામાં આવે જ છે, સંસ્થા અને દાતાઓ દ્વારા કરિયાવરમાં કંઈ પણ ઓછું ન રહી જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે. પૂજાપાથી લઈ પાનેતરની સાથે સાથે બ્યુટીપાર્લરનો પણ ખર્ચો આયોજકો દ્વારા કરવામાં આવે છે. કરિયાવરમાં સોનાની ચૂંક, ચાંદીનો સેટ, ચાંદીના સાંકળા, ચાંદીના તુલસી ક્યારા, ચાંદીની ગાય, વોશિંગ મશીન, સ્માર્ટ ટી.વી., ફર્નિચર, ડીનર સેટ સહિતની 200 જેટલી ચીજવસ્તુઓ આપવામાં આવશે. 11 દીકરીઓના વિવાહની સાથે સાથે આ સમૂહ લગ્નમાં શિવજીનો વરઘોડો પણ કાઢવામાં આવશે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ભૂતડાઓના પાત્રો પણ જાનમાં જોડાશે અને શિવજીના વરઘોડાની સાથે સાથે 11 વરરાજાના વરઘોડાના સામૈયા કરવામાં આવશે. આ સમૂહ લગ્ન સમીસાંજે કરવામાં આવશે. જેમાં સંસ્થા દ્વારા સાત ફેરાની સાથે વ્યાજ, દહેજ કુરિવાજોને તિલાંજલી, જંગલ જેવી પર્યાવરણીય રાષ્ટ્રીય સંપદાનું જતન, રક્તદાન, દેહદાન, નેત્રદાન, સ્ત્રીભૃણ હત્યા નહીં કરવાની પ્રતિજ્ઞા સાથોસાથ મતદાનમાં પણ જાગૃતિ રાખવી, શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણમાં સાચા નાગરિક તરીકેની ફરજ બજાવવી જેવા અનેક મંત્રોને સાર્થક કરવાના સંકલ્પો લેવડાવવામાં આવશે. આ આયોજન 25થી 40 વર્ષના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે અને તમામ યુવાનો વ્હાલુડીના વીર બનીને તેમના શાહી લગ્ન કરાવશે. આ શાહી ઠાઠમાઠવાળા લગ્નમાં જાણે કે રાજકોટમાં એક ફિલ્મનો સેટ ઉભો કરી દેવામાં આવશે તેવું ભવ્ય અને અદ્ભુત આયોજન કરવામાં આવશે. આ ભવ્યાતિભવ્ય સમૂહલગ્નમાં ત્રણ દિવસ પહેલાંથી જ સ્પીડવેલ ચોકમાં રોશની કરી દેવામાં આવી છે અને ગોકુળીયુ ગામ જ ત્યાં નિર્માણ કરી દેવામાં આવ્યું છે અને લોકો માટે તે એક આકર્ષણનું કેન્દ્ર બની બેઠું છે.
ગુજરાતના સારા સારા લગ્નને ઝાંખા પાડી દે તેવી થીમ બેઝ લગ્ન મંડપનું ડેકોરેશન કરવામાં આવશે અને જેવા લગ્ન કરાવવામાં આવે છે તેઓ જ શાહી જમણવાર કરાવવામાં આવશે. સાથોસાથ આ આયોજનમાં સંસ્કૃતિનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સાંસ્કૃતિક વૈદિક મંત્રોચ્ચાર સાથે 11 ભૂદેવો દ્વારા ક્ધયાઓના લગ્ન કરાવવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ઝાંઝરમાં એટલે કરાયું છે કે સમૂહલગ્નના લાભાર્થી દીકરી અને તેમના પરિજનોને લઘુતાગ્રંથિનો અનુભવ જ ન થાય અને એક યુગલને આ લગ્નમાં 100 મહેમાનો માટેની સુચારુ અને સજજ વ્યવસ્થા બંને સંસ્થા તરફથી કરી આપવામાં આવી છે.
- Advertisement -
આ આયોજનને સફળ બનાવવા માટે કેયુરભાઈ રૂપારેલ, સુરાજભાઈ ડેર, બ્રિજેશભાઈ પટેલ, કપિલભાઈ પંડ્યા, અભિષેકભાઈ તાળા, નીખિલભાઈ પોપટ, અભીભાઈ તલાટીયા, વિજયભાઈ મકવાણા, સર્વેશ્ર્વરભાઈ ચૌહાણ, દર્શનભાઈ ભટ્ટી, મિતુલભાઈ ગોસ્વામી, રોહિતભાઈ કંકાણીયા, વિક્રમભાઈ બોરીચા, અનિરુદ્ધસિંહ વાળા, રોહિત રાજપૂત સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.



