આ વર્ષે ક્લાઈમેન્ટ ચેન્જ (આબોહવા પરિવર્તન)ના કારણે અત્યારસુધી 2500 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 41 અબજ ડોલર (રૂ. 3.43 લાખ કરોડ)નું નુકસાન થયું છે. સમયાંતરે ઋતુ પરિવર્તન માટે પ્રચલિત દેશોમાં પણ હવામાન ખોરવાઈ ગયું છે. જેના લીધે લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. બ્રિટન સ્થિત એનજીઓ ક્રિશ્ચયન એડ દ્વારા જારી રિપોર્ટ અનુસાર, છેલ્લા છ માસમાં ખરાબ હવામાન, કુદરતી આફતો આબોહવા પરિવર્તનનું પરિણામ છે. આ આંકલન ગતવર્ષે ડિસેમ્બરમાં દુબઈમાં ઈન્ટરનેશનલ ક્લાઈમેન્ટ ટોક (કોપ28) બાદ જારી કરવામાં આવ્યા છે.
એનજીઓ અનુસાર, યુએઈમાં કોપ28 બાદ પણ ફોસિલ ફ્યુલનો ત્યાગ કરવા અને આબોહવાના લીધે સર્જાઈ રહેલી કુદરતી આફતોનો સામનો કરવામાં ગરીબ દેશોને સમર્થન અને સહાય આપવામાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી. જર્મનીમાં ક્લાઈમેટ ટોકના બીજા સપ્તાહમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સંખ્યા દર્શાવે છે કે, આબોહવા સંકટ સતત વધી રહ્યું છે.
- Advertisement -
ધનિક દેશોએ વધુ ફંડ ફાળવવા અપીલ
એનજીઓના એક અધિકારી ક્રિશ્ચયન એડએ જણાવ્યું હતું કે, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટે સૌથી વધુ જવાબદાર ધનિક દેશ છે. આ ધનિક દેશોએ આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા અને અન્ય દેશોમાં થઈ રહેલી અસરોને દૂર કરવા મદદરૂપ થવુ જોઈએ. તેઓએ આ સંદર્ભે પોતાનું ફંડિંગ વધારવું જોઈએ. કોપ28માં આબોહવા પરિવર્તનની ઘટનાઓના લીધે ગરીબ દેશોને થતાં નુકસાનને દૂર કરવા ફંડ ફાળવવા પર સહમતિ આપવામાં આવી હતી.
ભારતમાં ગરમીના કારણે મોટા પાયે જાનહાનિ
- Advertisement -
પર્યાવરણવિદના જણાવ્યા અનુસાર ભારતમાં ગરમીના કારણે મોટા પાયે મૃત્યુ થઈ રહ્યા છે. કૃષિપ્રધાન દેશમાં આબોહવા પરિવર્તનના કારણે આર્થિક નુકસાન પણ અનેકગણું વધ્યું છે. જેનું હાલ કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, પરંતુ લોકોની કાર્યક્ષમતા પર અસર થઈ છે. અખાતના વિસ્તારોમાં પણ આબોહવા પરિવર્તનના કારણે પૂરનું જોખમ સતત વધી રહ્યું છે. અહેવાલ મુજબ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં પૂરના કારણે ઓછામાં ઓછા 214 લોકોના મોત થયા છે અને એકલા સંયુક્ત આરબ અમીરાતમાં $850 મિલિયનનું નુકસાન થયું છે. અહેવાલમાં જણાવાયું છે કે પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં એક સાથે હિટવેવથી 1,500થી વધુ લોકો એકલા મ્યાનમારમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ગરમી સંબંધિત મૃત્યુ મોટા પ્રમાણમાં ઓછા નોંધાયા હતા.
જો હવે સાવધાન નહીં થઈએ તો નાશ થશે: પાઓલી
સંસ્થાના ગ્લોબલ એડવોકેસીના વડા મારિયાના પાઓલી કહે છે કે જો આપણે અત્યારે સાવચેતી નહીં રાખીએ તો આ સ્થિતિ વધુ ગંભીર બનશે, અને સર્વેનો નાશ થશે. અત્યારે આખી દુનિયા આ દિશામાં ગંભીરતા સાથે કામ નથી કરી રહી, જેના પરિણામો ભોગવવા પડી શકે છે. આ માટે ગંભીર પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. ખાસ કરીને એવા દેશો માટે જે આર્થિક રીતે નબળા છે અને કટોકટીથી વધુ પ્રભાવિત છે.
નુકસાન વધુ પડતું હોવાનો અંદાજ
રિપોર્ટ અનુસાર, આબોહવા પરિવર્તનના કારણે $41 અબજનું નુકસાન થયું છે. પરંતુ તે વીમાના આધારે કરવામાં આવ્યું છે. આ આંકડાઓ આપત્તિઓના કારણે માનવ જીવનના નુકસાનની કિંમતને સંપૂર્ણપણે આવરી લેતાં નથી. બ્રાઝિલમાં પૂરને કારણે ઓછામાં ઓછા 169 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા સાત અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું.