2025માં દુનિયાભરના 350 ફરિયાદોમાંથી 200થી વધુ ફક્ત રશિયાથી: છેલ્લા 3 વર્ષમાં કેસોમાં ઝડપી ઉછાળો
ખાસ-ખબર ન્યૂઝ રશિયા, તા.10
- Advertisement -
રશિયાની એક યુનિવર્સિટી હોસ્ટેલમાં 7 ફેબ્રુઆરીના રોજ છરીથી કરવામાં આવેલા હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટના પછી ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ ફરીથી ચર્ચામાં આવી ગઈ. આ દરમિયાન વિદેશ મંત્રાલયના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી શોષણ અને જાતિગત ભેદભાવની ફરિયાદોમાંથી અડધાથી વધુ કેસ રશિયાના છે. આંકડાઓ મુજબ, વર્ષ 2025માં 196 દેશોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ શોષણ, અત્યાચાર અને જાતિગત ભેદભાવ સંબંધિત લગભગ 350 ફરિયાદો નોંધાવી હતી. તેમાંથી 200થી વધુ ફરિયાદો ફક્ત રશિયામાંથી આવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં આ કેસોમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2023માં આવી 68 ફરિયાદો નોંધાઈ હતી. 2024માં આ સંખ્યા વધીને 78 થઈ ગઈ અને 2025માં વધીને 201 સુધી પહોંચી ગઈ. રશિયામાં અભ્યાસ કરતા મોટાભાગના ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુથી આવે છે. ઓછી ફી અને સરળતાથી પ્રવેશ મળવાને કારણે રશિયા લાંબા સમયથી મેડિકલનો અભ્યાસ કરનારાઓની પ્રથમ પસંદગી રહ્યું છે. જોકે, હવે ત્યાંથી સતત ફરિયાદો આવવા લાગી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને અવારનવાર અન્ય દેશોના વિદ્યાર્થીઓ તરફથી ભેદભાવનો સામનો કરવો પડે છે. ઘણીવાર યુનિવર્સિટી પણ તેમને માનસિક રીતે પરેશાન કરે છે અને નાની-નાની બાબતો પર કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. વિઝા અને અભ્યાસ સંબંધિત મુશ્ર્કેલીઓના ડરથી ઘણા વિદ્યાર્થીઓ પોતાની પરેશાની ખુલ્લેઆમ જણાવી પણ શકતા નથી. મોસ્કોની બશ્ર્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા એક વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે તેમના હોસ્ટેલની રસોઈમાં સામાન્ય બોલાચાલી પછી કેટલાક વિદેશી વિદ્યાર્થીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને છરી બતાવીને ડરાવ્યા હતા. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ સાથે સંકળાયેલા સંગઠનોનું કહેવું છે કે રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અવારનવાર જાતિગત ભેદભાવ થાય છે. ઘણીવાર તેમની સાથે ગાળાગાળી પણ કરવામાં આવે છે અને જ્યારે તેઓ ફરિયાદ કરે છે ત્યારે યુનિવર્સિટી તરફથી તેમને યોગ્ય મદદ મળતી નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે નિયમો અનુસાર એક યુનિવર્સિટીમાં લગભગ 200 વિદેશી વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવો જોઈએ, પરંતુ કેટલીક યુનિવર્સિટીઓ તેનાથી ક્યાંય વધુ, 1,200થી પણ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. પછીથી આ જ વિદ્યાર્થીઓને, ઘણીવાર છઠ્ઠા વર્ષમાં પણ અભ્યાસમાંથી બહાર કરી દેવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓને ભારે આર્થિક નુકસાન થાય છે અને તેઓ માનસિક તણાવમાં પણ આવી જાય છે. પરિસ્થિતિ બગડવાને કારણે હવે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ રશિયાને બદલે કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા દેશોમાં અભ્યાસ કરવાનું વધુ સુરક્ષિત માની રહ્યા છે. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મનોજ કુમારે મીડિયાને જણાવ્યું કે આ બધી મુશ્ર્કેલીઓના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 50% ઘટી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂૂ થયા પછીથી સુરક્ષા અને અભ્યાસને લઈને અનિશ્ર્ચિતતા વધી છે, જેનાથી વિદ્યાર્થીઓનો વિશ્ર્વાસ વધુ ઘટ્યો છે. આ જ મુદ્દે લોકસભામાં સવાલ પૂછવામાં આવતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોની મદદ માટે ભારતીય દૂતાવાસોમાં ખાસ અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દૂતાવાસ સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહે છે, તેમને ત્યાંના પડકારો અને જોખમો વિશે જણાવે છે અને વરિષ્ઠ અધિકારીઓ વિદેશી યુનિવર્સિટીઓમાં જઈને ભારતીય વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત પણ કરે છે.



