અતીક-અશરફ હત્યાકાંડમાં ત્રણેય હુમલાખોરોએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે, તેઓએ તેમની ગેંગનો સફાયો કરવા અને રાજ્યમાં પોતાનું નામ બનાવવા માટે હત્યા કરી
ઉત્તર પ્રદેશ પોલીસે રવિવારે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરો સામે એફઆઈઆર નોંધી છે. આ તરફ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. વાત જાણે એમ છે કે, આરોપીઓએ કબૂલ્યું છે કે, તેઓ બંને ભાઈઓને મારવા માટે ઘણા દિવસો સુધી તેમનો પીછો કરતા હતા. પરંતુ અગાઉ તક નહીં મળતા તે થઈ શક્યું ન હતું. આ તરફ હવે ત્રણેય હુમલાખોરો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
ધુમનગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર રાજેશ કુમાર મૌર્ય દ્વારા ત્રણેય આરોપીઓને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અતીક-અશરફ હત્યા કેસમાં FIRમાં બાંદાના રહેવાસી લવલેશ તિવારી (22), હમીરપુરના રહેવાસી મોહિત ઉર્ફે સની (23) અને કાસગંજ જિલ્લાના અરુણ કુમાર મૌર્ય (18)ના નામ નોંધાયા છે.
શું હતો સમગ્ર મામલો ?
પ્રયાગરાજ શહેરમાં કોલ્વિન હોસ્પિટલ પરિસરમાં શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પત્રકાર બની આવેલા ત્રણ હુમલાખોરોએ અતીક અને તેના ભાઈને ગોળીઓથી વિખેરી નાખ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ બંનેને નિયમિત આરોગ્ય તપાસ માટે ત્યાં લાવી હતી. જ્યારે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર સંભળાયો અને કેમેરાની સામે જ બંનેના મોત થયા.
માફિયાઓએ આ માટે કરી અતીકની હત્યા ?
શાહગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ અશ્વની કુમાર સિંહે રવિવારે સવારે 9.53 વાગ્યે FIR નોંધવાની પુષ્ટિ કરી હતી. એફઆઈઆર મુજબ, ત્રણેય હુમલાખોરોએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેઓએ તેમની ગેંગનો સફાયો કરવા અને રાજ્યમાં પોતાનું નામ બનાવવા માટે અતિક અને અશરફની હત્યા કરી હતી.
- Advertisement -
FIR મુજબ આ ત્રણ હુમલાખોરોએ પોલીસને કહ્યું કે, તેઓ સુરક્ષા વ્યવસ્થાને સમજવામાં નિષ્ફળ ગયા અને તેથી તેઓ ઘટનાસ્થળેથી ભાગી શક્યા નહીં અને પકડાઈ ગયા. તેણે એમ પણ કહ્યું કે, ગુનેગારોને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા પછી તેઓ પત્રકારોના ટોળા સાથે અહેમદ અને અશરફની પાછળ પડ્યા હતા, કારણ કે તેઓ આ બંને ભાઈઓને મારી નાખવાનો ઇરાદો ધરાવતા હતા. જોકે તક નહિ મળતા તે અગાઉ તેમ કરી શક્યા ન હતા.
શું કહ્યું હુમલાખોરોએ ?
હુમલાખોરોએ કહ્યું કે, તેઓએ હુમલાની યોજના ત્યારે બનાવી જ્યારે તેમને ખબર પડી કે અતીક અને અશરફ પોલીસ કસ્ટડીમાં છે અને તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેઓએ નક્કી કર્યું કે, પત્રકાર તરીકે ઓળખાણ આપીને તેઓ અતીકની ખૂબ નજીક જઈ શકે છે અને શનિવારે દિવસભર અન્ય પત્રકારો સાથે તેમના પર નજર રાખતા હતા.
શું કહ્યું પોલીસે ?
પોલીસે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, હુમલાખોરોએ અતીક અને અશરફની નજીક જવા માટે અન્ય પત્રકારો સાથે મીડિયા કર્મચારીઓનો વેશ ધારણ કર્યો હતો. જ્યારે બંને ભાઈઓને મોતીલાલ નેહરુ (કોલ્વિન) ડિવિઝનલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓ તેની પાસે પહોંચ્યા અને કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલા ત્રણેય હુમલાખોરોએ અતીક અને અશરફ પર અત્યાધુનિક હથિયારોથી નજીકથી હુમલો કર્યો અને ગોળીઓ ચલાવી જેમાં બંને ભાઈઓનાં મોત થયા.
મહત્વનું છે કે, અગાઉ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણેય હુમલાખોરોને તેમના હથિયારો સાથે સ્થળ પરથી ધરપકડ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમની પાસેથી ત્રણ નકલી મીડિયા આઈડી કાર્ડ, એક માઈક્રોફોન અને એક કેમેરા મળી આવ્યા હતા. બાદમાં સ્થાનિક કોર્ટે હુમલાખોરોને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલાખોર લવલેશ તિવારી પણ ગોળીબારમાં ઘાયલ થયો છે.