તે લાગણીશીલ હોવાનું નાટક કરીને લોકોને છેતરે છે
પ્રેમના નામે પુરુષોને મૂરખ બનાવે છે, તે ફક્ત પૈસાની પૂજારણ છે
સતત હાથમાં રહેતો ફોન આપણને કેવા કેવા સંપર્કો કરાવે છે, તે આપણને ખબર હોતી નથી. મારા આર્ટીકલ હું અનેક ગ્રુપમાં મોકલતી હોઉં છું. તેવા જ કોઇ એક ગ્રુપમાંથી એક વ્યક્તિએ મારો સંપર્ક કર્યો. સૌ પ્રથમ મને મેસેજ કરીને તેમનું નામ અને વ્યવસાય જણાવ્યો. મારી સાથે આ પ્રકારની જ તેમના જીવનમાં બનેલી એક વાત કરવી છે, તો હું ક્યારે તેમની સાથે વાત કરી શકું તે પૂછ્યું. મારે મેસેજથી થોડીઘણી વાત થઇ અને સાંજે વાત કરવાનું નક્કી કર્યું.
વિનોદનો ફોન સાંજે સાત વાગ્યે આવ્યો. તેમણે મને કહ્યું કે, હું આપના આર્ટીકલ ગ્રુપમાં રેગ્યુલર વાંચુ છું. મારે મારા જીવનમાં આવેલી સ્ત્રી વિશે આપને કહેવું છે. હાલમાં મેં મારી પત્નીથી ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તે મને છોડતી નથી અને હું માનસિક અને આર્થિક રીતે ખૂબ હેરાન થઇ રહ્યો છું. તેની સાથે હતો ત્યારે અનેકવાર શારીક પીડાનો ભોગ પણ બન્યો છું. હું આજે તમને એ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયાથી હું જેના સંપર્કમાં આવ્યો અને જેની સાથે મેં લગ્ન કર્યા તે સ્ત્રીથી હું કેટલી હદે કંટાળ્યો છું.
ભાવિકાને હું બાર વર્ષ પહેલા મળ્યો હતો. અમે બંને ફેસબુકથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. તેણે મને પહેલા રીકવેસ્ટ મોકલી અને પછી મેસેન્જરમાં મારા કામને લઇને વાતચિત કરી. બંને અમદાવાદના જ હોવાથી મળવાનું પણ થયું અને મુલાકાતો વધતી ગઇ. છ મહિના સુધી અમે બંને એકબીજાથી પરિચિત થઇ ચૂક્યા હતા. તેવું મને તે સમયે લાગ્યું હતું. બંનેને એકબીજાનો સ્વભાવ પસંદ પડ્યો એટલે ઘરના લોકોની સહમતીથી લગ્ન કર્યા. લગ્નના ચાર વર્ષ બાદ અમારે ત્યાં દિકરાનો જન્મ થયો. અમારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું પણ ભાવિકાને પૈસા પ્રત્યે હંમેશાથી ખૂબ પ્રેમ રહ્યો છે. તે હંમેશા નવા નવા બિઝનેસને લઇને કંઇક ગતકડા કર્યા કરતી. તે મારી સાથે મારા ટ્રાવેલિંગના બિઝનેસમાં જોડાઇ. તેને ઘરે બેસીને ઘરના કામમાં કે અમારા દિકરાને સાચવવામાં કોઇ રસ નહોતો. તે ઓફિસે આવીને કામમાં વધારે રસ લેવા લાગતી. હું મારા માતા-પિતા સાથે રહેતો પણ ભાવિકાના ઓફિસ આવ્યા પછી તે ઘરમાં જરાપણ ધ્યાન આપતી નહીં તેથી મારી મમ્મીને ઘરના મોટાભાગના કામ કરવા પડતા. અનુકૂળતા માટે મેં રસોઇવાળા બેનની વ્યવસ્થા કરી, જેથી બંનેને તકલીફ ન રહે.
- Advertisement -
ધીમે ધીમે ભાવિકા મારા બિઝનેસમાં સર્વોપરી થવા લાગી. મને બીજી ટ્રાવેલિંગ કંપની ખોલવા કહ્યું. પૈસાની વાત ઊભી થઇ તો તેણે કહ્યું કે તે વ્યવસ્થા કરી આપશે. તેણે મને જણાવ્યું કે એક રેગ્યુલર ક્લાઇન્ટની સાથે જમીનની દલાલીનું કામ શરૂ કરવાનું વિચારે છે. તેમાં પૈસા સારા મળશે. હું તેની વાત સાંભળીને વાતોમાં આવી ગયો. તેણે બીજી કંપની માટે થોડા મહિનાઓમાં જ પૈસાની વ્યવસ્થા ઊભી કરી દીધી. જમીનની દલાલીમાં પૈસા કમાઇ છે, તેવું મને કહ્યું અને હું સાચુ માની ગયો. ધીમે ધીમે તેની પાસે દર મહિને લાખો રૂપિયા આવતા ગયા. તેની કામની ધગશ જોઇને હું અને મારા પરિવાર વાળા ખુશ હતા. તેણે અલગથી ફ્લેટ લીધો અને અમે ઘરનાની મંજૂરીથી ત્યા રહેવા પણ જતા રહ્યા.
નવા ઘરમાં આવ્યા પછી ભાવિકામાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો. અહીં પણ આખા દિવસની કામવાળી અને રસોઇવાળી રખાવી હતી. તે આખો દિવસ ઓફિસ અને જમીનના કામથી બહાર રહેતી. રાત્રે ખૂબ મોડી ઘરે આવે, ઘણીવાર તો એક-બે દિવસ ન આવે. બીજા શહેરમાં કામથી જાય છે, તે જણાવી દેતી. સાથે પૈસા પણ એટલા જ આવતા એટલે મને તેના પર વિશ્વાસ હતો કે તે ખરેખર મહેનત કરી રહી છે. જોકે મને ક્યાંક ને ક્યાંક તેનું વર્તન વિચિત્ર પણ લાગતું. તે રોજ પોતાના સ્પેશિયલ પાર્ટ ક્લીન કરીને નીકળતી. ઘણીવાર બાથરૂમમાં સાધનો પડ્યા હોય તેના પરથી મને ખબર પડી હતી. તેના અન્ડગારમેન્ટ્સનું કલેક્શન ખૂબ આકર્ષક અને મોંધુ રહેતું. મારી સામે તો ક્યારેય તે આવા કપડાં પહેરતી નહોતી, તેથી મને તેની આ બધી હરકતો ખરેખર અજીબ લાગતી. જોકે હું મારા દિકરામાં ધ્યાન આપી રહ્યો હતો. અમારી બે ઓફિસ હતી અને હું અને ભાવિકા બંને અલગ અલગ ઓફિસે બેસતા તેથી તે ક્યારે ઓફિસે હોય અને ન હોય તેનું વધારે મને ખબર રહેતી નહોતી. ત્રણ વર્ષ પહેલા પગારના સમયે કંપનીના બેંકના ખાતામાં પૂરતા પૈસા નહોતા. તે સમયે ભાવિકાને પૂછતા તેણે મારી સાથે ઝગડો કર્યો. ગમે તેમ ગાળો બોલવા લાગી. મને તેના આ વર્તનથી થોડી નવાઇ લાગી પણ સમજતા વાર ન લાગી કે પૈસા તેણે ક્યાક ખોટી જગ્યાએ વાપરી નાખ્યા છે. પાછળથી ખબર પડી કે તેણે એક પૈસાવાળો પુરુષ પટાવ્યો છે, જેની પાછળ પોતે ખૂબ માલદાર હોવાનો ડોળ ઊભો કરી પૈસા વાપરી નાખ્યા હતા.
જમીનની દલાલીના આવતા પૈસાનો પણ તેની પાસે હિસાબ નહોતો. તેની પાસે અનેક ક્રેડીટ કાર્ડ હતા પણ તે બધાના બિલ ભરવાના બાકી હતા. મોંઘી ગાડી લઇને ફરતી પણ તેના હપ્તા પણ નહોતા ભરી શકતી. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે લોનનો હપ્તો કેન્સલ થયો અને બેંકવાળાનો મને ફોન આવ્યો. મને ભાવિકાના વર્તન અને પૈસા ક્યા જઇ રહ્યા છે, તે સમજાઇ નહોતું રહ્યું. મેં તે કોની સાથે શું કામ કરે છે, તે જાણ્યું અને એક અઠવાડિયું તેની પાછળ માણસ દોડાવ્યો. તે પછી મને જે વાત ખબર પડી તે મારા માટે મરી જવા જેવી હતી. તે જમીનની દલાલી નહીં પણ પોતે દલાલની સાથે કોલગર્લ બનીને જતી હતી. લાખો રૂપિયા તે મહેનત કરીને નહીં પણ લોકોની પથારી સેવીને કમાઇ રહી હતી. તે જે કામ કરીને લોકો સાથે તેના જીવનને વેચી રહી હતી તે સમજવું મારા માટે ખૂબ ભયાનક બની રહ્યું.
તે રેગ્યુલર સ્મોકિંગ કરતી હતી. ડ્રિંક વિના તેને ચાલતું નહીં. તેને મેં તેના કામ વિશે ખબર પડી છે, અને આ કામ બંધ કરી દે તો સારું એમ કહ્યું. તો તેણે મારી સાથે ખૂબ મોટો ઝગડો કર્યો. મને માર્યો. મારા હાથમાં ફેક્ચર થયું અને મોં માંથી લોહી નીકળવા લાગ્યું. મોડી રાત્રે તેણે તેના દલાલને ફોન કરીને બોલાવ્યો અને તેની સાથે મળીને પણ મને માર્યો. સાથે જ બીજે દિવસે તેણે મારા પર પોલિસ કમ્પલેઇન કરી અને હું તેની સાથે મારામારી કરું છું, તેવી ફરીયાદ કરી. હું પોલીસ સ્ટેશનની વાતથી એટલો ગભરાઇ ગયો કે તેને વધારે હેરાન ન કરવી તે નક્કી કરી લીધુ. તે પછી અમારે ઝગડાઓ વધારે થવા લાગ્યા. ભાવિકા મોડી રાત્રે ઘરે આવવા લાગી. તે પોતાની લાઇફ તેની રીતે બિન્દાસ જીવતી. તેના એકસાથે ત્રણ બોયફ્રેન્ડ પણ છે. તે દરેકને રમાડે છે. તે ત્રણેયને ઇમોશનલ બ્લેકમેઇલ કર્યા કરે છે અને પૈસા પડાવે છે. સાથે જ તેનો શરીર વેચવાનો ધંધો તો ચાલું જ છે. આ ત્રણેય બોયફ્રેન્ડને તેના ગોરખધંધા ખબર નથી, તેથી તેની સાથે છે. જે દિવસે ખબર પડશે તે દિવસે ત્રણમાંથી કોઇ એનો જીવ તો જરૂર લેશે.
તેના સતત ઝગડા અને મારથી કંટાળીને તેને ડિવોર્સ આપી દીધા. તેમછતાંય તેને કોઇ વાતનું દુખ નથી. મારો દિકરો મારી સાથે છે. તેને મા હોવા છતાંય તેના છોકરાની કંઇ પડી નથી. તે વાતનું મને પહેલા દુખ હતું પણ હવે તેના બધા ધંધા જાણ્યા પછી તે મારા દિકરાથી દૂર છે, તે જ સારું છે. તેને સ્વચ્છંદી જીવન જીવવું ગમે છે અને તે જીવી રહી છે. તે જે રીતે શરીર વેચીને પૈસા કમાય છે, તે તેના જીવનમાં કેટલો સમય ચાલશે. જ્યાં સુધી તેનું શરીર સારું છે, ત્યાં સુધી તે આ કરશે. પછી શું…. જોકે આ ધંધા કર્યા પછી, તે ખરેખર ખૂબ કદરૂપી લાગે છે. જેણે પોતાનો આત્મા જ વેચી દીધો હોય, તે સ્ત્રી સુંદર કેવી રીતે લાગી શકે. મને હંમેશા દુખ રહેશે કે માતાપિતાએ કહ્યું તે યુવતીઓ સાથે લગ્ન ન કરીને ભાવિકા સાથે લગ્ન કર્યા. જોકે હવે અફસોસ કર્યાનો કોઇ અર્થ નથી. મારું ભૂલનું પરિણામ હું જાતે જ ભોગવી રહ્યો છું.
- Advertisement -
સમજવા જેવું –
સોશિયલ મીડિયા દ્વારા કેટકેટલાયને કડવા અનુભવો થાય છે. લોકો જાણે સોશિયલ મીડિયાને જ પોતાની દુનિયા સમજીને તેની સાથે સતત જોડાયેલા રહે છે. બહું જ સીધી વાત છે કે તમે તેનો ઉપયોગ તમારા કામને લઇને કરો ત્યાં સુધી બરાબર છે. ક્યારે કોણ તમારા એકાઉન્ટને ટારગેટ કરીને તમારો ઉપયોગ કરશે તે તમે પોતે પણ જાણતા નથી. તેથી મેસેન્જરમાં આવતા મેસેજથી સાવધાન રહેવું અને કોની સાથે વાત કરી રહ્યા છો, તેની ખૂબ સાવચેતી રાખવી. તમે પોતે ક્યારે કોની માયાજાળ કે મોહજાળમાં ફસાઇ જશો તે તમને પોતાને પણ ખબર પડશે નહીં. આ વાત ફક્ત પુરુષોને જ નહીં પણ મહિલાઓને પણ લાગું પડે છે.