મોમાઈ માતાજીના સાનિધ્યે વર્ષો જૂની પરંપરાનું પાલન; મહા યજ્ઞ મહોત્સવમાં મોટી સંખ્યામાં કાઠી સમાજના લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા તાલુકાના ચૌત્રા ગામે આવેલ સમસ્ત બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના કુળદેવી મોમાઈ માતાજીના સાનિધ્ય (મોમાઈ વડ) માં વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય શસ્ત્ર અને અશ્વ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં બાબરીયાવાડના બેતાલીસ ગામના કાઠી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શસ્ત્ર પૂજન, અશ્વ પૂજન તેમજ યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંતશ્રી સૂરપ્રકાશદાસજી ગુરુશ્રી ગુરુ પ્રસાશદાસજી બાપુએ તલવાર અને માતાજીના ત્રિશૂળની પૂજા કરી હતી. હિન્દુ શાસ્ત્રોમાં શસ્ત્ર પૂજનનું આગવું મહત્વ છે, અને સાથે જ અશ્વનું પણ એટલું જ મહત્વ ગણાય છે. ભારતની ભૂમિ અને અસ્મિતાને ટકાવી રાખવામાં ક્ષત્રિયોના શસ્ત્રો અને અશ્વોએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ યોગદાનને યાદ કરીને કાઠી સમાજ દ્વારા શસ્ત્ર અને અશ્વ પૂજન કરવામાં આવ્યું હતું.
આ શસ્ત્ર પૂજનની વિધિ વિદ્વાન શાસ્ત્રી યશદાદા રાજુલાવાળા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંપન્ન કરવામાં આવી હતી. મહા યજ્ઞના મુખ્યદાતા જીતેન્દ્રભાઈ જયલાભાઈ વરૂ એડવોકેટ (દુધાળા) યજ્ઞમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.