જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના ગામનો રસ્તો જ બિસ્માર હાલતમાં
નેતાઓ-અધિકારીઓ આ રસ્તે મોટર સાયકલ ચલાવે: ગ્રામજનો
આ રસ્તા અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ યાતના ભોગવી રહ્યા છીએ આ ખખડધજ રસ્તાને કારણે વાહન તો ઠીક શરીરના હાડકા ખોખરા થઈ જાય તેવો ખાડામાર્ગ બની ગયો છે સરકારી ગાડીમાં જલસા કરતા નેતાઓ અને અધિકારીઓ આ રસ્તા પર મોટર સાયકલ ચલાવે તો લોકોને પડતી સમસ્યાનો ખ્યાલ આવશે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
વંથલી તાલુકાના શાપુર ગામનો વંથલી જૂનાગઢ હાઇવે ને જોડતો ક્રોસિંગ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે આ રસ્તાની સમયમર્યાદા પૂરી થયેલ હોય આ રસ્તાના નવીનીકરણ માટે લોકોમાં માગ ઉઠવા પામી છે શાપુરથી વંથલી તરફ તેમજ શાપુરથી જુનાગઢ તરફ જતો આ આ 5 કી.મી.નો રસ્તો 6 વર્ષ અગાઉ બનેલ છે છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે તેમાં પણ થોડા માસ પહેલા પેચવર્કની કામગીરી કરવામાં આવતા તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેમ આ રસ્તો હાલ મગરમચ્છ ના પીઠ સમાન બની ગયો છે ઠેર ઠેર પડેલ મોટા ખાડાઓને કારણે આ રસ્તા પર ડામર રોડનું નામોનિશાન મટી ગયું છે તેમજ મોટા વાહનો તો ઠીક પણ મોટર સાયકલ પણ ચલાવવું મુશ્કેલ બન્યું છે અને રસ્તા પર પડેલ કપચીઓને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે 5 કી.મી. ના આ માર્ગ પર 5 મીટર પણ સારો રસ્તો વાહન ચલાવવા લાયક રહ્યો નથી હાલ ચોમાસામાં વરસાદને લીધે આ રસ્તો સાવ ધોવાઈ ગયેલ છે ત્યારે આ રસ્તાના નવીનીકરણ માટે લોકોમાં માંગ ઉઠવા પામી છે તેમજ આગામી સમયમાં આ રસ્તાની કામગીરી માટે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની રજૂઆત પણ ધ્યાને ન લેવાઈ
એક તરફ ભાજપ સરકાર દ્વારા વિકાસના દાવા થઈ રહ્યા છે ત્યારે શાપુર કોર્સિંગ તેમજ અન્ય ગામડાઓના રસ્તા માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા અવાર નવાર રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતાં ભાજપના હોદેદારોનું કઈ ઉપજતું ન હોય તો સામાન્ય લોકોના કામ કેમ થતાં હસે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.