મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત નિપજાવ્યા બાદ જયસુખ કહે છે: મારા વિરૂદ્ધ ગુનો બનતો જ નથી!
ઝૂલતા પુલ હત્યાકાંડ મામલે પણ ભરપૂર રાજકારણ અને જ્ઞાતિવાદનો ગંદો લાવારસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે, પરંતુ આ કેસ હજુ પણ કોર્ટમાં ઝૂલી રહ્યો છે. હવે જયસુખ પટેલે તાજેતરમાં મોદકતુલા વિવાદ બાદ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તહોમતનામું રજૂ કરે એ પહેલાં જ પોતાના વકીલ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે કે જે કલમ હેઠળ તેમની સામે ગુનો નોંધાયો છે એ મુજબ તેમની સામે કોઈ ગુનો બનતો નથી. ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલની સાથે સાથે અન્ય આરોપીઓએ પણ આ કેસમાંથી ડિસ્ચાર્જ માટેની અરજી કોર્ટમાં કરી છે. મોરબીમાં તા. 30/10/2022ના રોજ મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં ઝૂલતા પુલ ઉપર હરવાફરવા માટે થઈને આવેલા લોકોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ મળીને 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તેમને જે-તે સમયે જેલહવાલે કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ તેઓ જામીનમુક્ત થયા હતા. આ કેસમાં અગાઉ ભોગ બનેલા પરિવારના વિક્ટિમ એસો. દ્વારા જે અરજીઓ કરવામાં આવી હતી એ તમામ અરજીઓને કોર્ટે રદ કરી હતી. ત્યાર બાદ હવે કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય એવી શક્યતા હતી. જોકે આજે સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવેલું અને એને કોર્ટ દ્વારા ક્ધફર્મ કરવામાં આવે એ પહેલાં આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી છે, જેમાં તેમને આ કેસમાંથી તમામને ડિસ્ચાર્જ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. આરોપીઓના વકીલ દ્વારા જે અરજી કરવામાં આવી છે એમાં જણાવ્યા મુજબ આઇપીસીની જે કલમ મુજબ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે એ કલમ હેઠળ તેમની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી, જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે એ મતલબની અરજી આરોપીઓના વકીલે કોર્ટમાં આપી છે, જેથી આગામી સમયમાં આ અરજીઓ પર કાર્યવાહી થશે પછી કેસ ચાર્જ ફ્રેમ થશે એવું જિલ્લાના સરકારી વકીલ વિજય જાની પાસેથી જાણવા મળે છે.
મોરબીમાં જયસુખ પટેલની મોદક તુલાથી વિવાદ
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કાંડમાં આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી હોવાનાં દૃશ્ર્યો સામે આવતાં સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. ઉમા સંસ્કારધામના લોકાર્પણ કાર્યક્રમમાં જયસુખ પટેલની ભારોભાર મોદક જોખવામાં આવ્યા હતા. આ દૃશ્ર્યો સામે આવતાં અનેક પ્રકારના સવાલ ઊઠી રહ્યા છે. આખરે 135 લોકોનાં મોતની જવાબદાર વ્યક્તિની મોદક તુલા કેમ એવો પ્રશ્ર્ન દરેક વ્યક્તિ ઉઠાવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળના ટ્રસ્ટી એ.કે. પટેલે ખુલાસો આપતાં જણાવ્યું હતું કે આ સન્માનને લઈને કોઈ વિવાદ છે જ નહીં. મળતી માહિતી મુજબ જયસુખ પટેલની મોરબી જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ આ ક્રાર્યક્રમ માટે કોર્ટની ત્રણ દિવસની ખાસ મંજૂરી લીધી હતી.
- Advertisement -
મોદકતૂલા જેવાં તમાશા થકી લોકોનું સમર્થન મેળવવા અને શક્તિ પ્રદર્શન કરવા હવાતિયાં
મોરબી બ્રિજ ટાઈમલાઈન
1887માં બ્રિજ બન્યો.
1949થી 2008 સુધી મોરબી નગરપાલિકાએ બ્રિજના મેઇન્ટેનન્સની જવાબદારી સંભાળી.
2007માં રાજકોટ કલેક્ટર હસ્તક બ્રિજ આવ્યો.
16 ઓગસ્ટ, 2008ના રોજ રાજકોટ કલેક્ટરે ઓરેવા કંપની સાથે 9 વર્ષ માટે ખઘઞ કર્યા.
2017થી 2019 સુધી ખઘઞ એક્સપાયર થઈ ગયા, પણ અજંતા કંપની બ્રિજને મેઇન્ટેન કરતી રહી.
9 જાન્યુઆરી, 2020ના રોજ અજંતા જવાબદારીમાંથી મુક્ત થઈ.
29 જાન્યુઆરી, 2020ના રોજ મોરબી કલેક્ટર અને નગરપાલિકાએ અજંતા 12-15 વર્ષ માટે મેઇન્ટેન કરશે એવા કરાર કર્યો.
20 ઓગસ્ટ, 2020ના રોજ અજંતાએ કહ્યું, તમે એગ્રીમેન્ટ નહીં કરો તો અમે બ્રિજનું રિપેરિંગ નહીં કરીએ.
29 ડિસેમ્બર, 2021ના રોજ અજંતાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને કહ્યું, બ્રિજની હાલત ખૂબ ખરાબ છે, કંઈક કરો.
30 જાન્યુ.,2020થી 7 માર્ચ, 2022 સુધી કામચલાઉ રિપેરિંગ કરીને કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર બ્રિજનું ઓપરેશન શરૂ કર્યું.
8 માર્ચ, 2022ના રોજ નગરપાલિકાએ અજંતા સાથે 15 વર્ષનો એગ્રીમેન્ટ કર્યો, જેમાં ટિકિટનો ભાવ વધારી શકે એનો પણ સમાવેશ કરાયો.
રિપેરિંગ માટે 25 ઓક્ટોબર સુધી બ્રિજને લોકો માટે બંધ કરવામાં આવ્યો.
26 ઓક્ટોબર, 2022ના રોજ અજંતાએ કોઈપણ જાણકારી વગર બ્રિજ ખોલી દીધો, તેણે કોઈપણ જાણ નહોતી કરી કે શું રિપેરિંગ થયું, શું મટીરિયલ વપરાયું વગેરે.
30 ઓક્ટોબર, 2022ના રોજ દિવાળીની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર આવ્યા અને બ્રિજની લોડ કેપેસિટી કેટલી છે એનું ધ્યાન રાખ્યા વગર બધાને ટિકિટ આપી દીધી.
30 ઓક્ટોબર, 2022ના રોજ દુર્ઘટના બન્યાના બરાબર ત્રણ મહિના પૂરા થયા પછી એટલે કે 31 જાન્યુઆરી, 2023ના રોજ જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર થયો.
16 જાન્યુઆરી, 2023 જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી.
30 જાન્યુઆરી, 2023ના રોજ ચાર્જશીટ બાદ મોરબી કોર્ટમાં પ્રથમ સુનાવણી થઈ.
31 જાન્યુઆરી, 2023ના રોજ ફરાર જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું.
07 માર્ચ, 2023 જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી.
10 માર્ચ, 2023 જયસુખ પટેલની પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી.
01 એપ્રિલ, 2023 જયસુખ પટેલની મોરબી ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી નામંજૂર થઈ.
21 નવેમ્બર, 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જે સુપ્રીમે ફગાવી દીધી અને હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો હતો.
21 ફેબ્રુઆરી, 2024ના રોજ જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં ફરી જામીન અરજી કરી.
25 માર્ચ 2024ના રોજ જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા
19 નવેમ્બર 2024ના રોજ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસમાંથી ડિસ્ચાર્જ કરવા અરજી કરી.
કડવા-કડવા… ભાઈ-ભાઈ… ધારાસભ્ય અમૃતિયાનો લૂલો બચાવ
મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, ઓઆર પટેલે સમાજ માટે ખૂબ સારું કામ ક્યું છે ત્યારે તેમના મોટા દીકરાનું સન્માન કરવાનું હતું, પરંતુ તેઓ હાજર ન હતા. જેથી જયસુખભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે કોઈ વિવાદ છે જ નહિ. આ સન્માન સમારંભમાં આશરે 30 હજાર લોકો હાજર હતા અને સૌએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. આ કોઈ વિવાદનો મુદ્દો નથી આ સમાજનો કાર્યક્રમ હતો. જો કે તેમની આ દલીલ હાસ્યાસ્પદ છે.