કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓ (Educational Institutes)માં હિજાબ પર પ્રતિબંધ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. તમને જણાવી દઈએ કે, કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પરના પ્રતિબંધને નાબૂદ કરવાની અરજીને ફગાવી દીધી હતી, હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હેમંત ગુપ્તા આ અઠવાડિયે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેથી આ ચુકાદો આજે સંભળાવવામાં આવશે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે 10 દિવસ સુધી સુનાવણી કર્યા બાદ 22 સપ્ટેમ્બરે અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન અરજદારો તરફથી હાજર રહેલા કેટલાક વકીલોએ ભાર દઈને કહ્યું હતું કે, મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરતા અટકાવવાથી તેમનું શિક્ષણ જોખમમાં મૂકશે કારણ કે તેઓ વર્ગોમાં જવાનું બંધ કરી શકે છે.
- Advertisement -
કોર્ટમાં તમામ પાસાઓ પર થઈ હતી દલીલો
અરજદારોના વકીલોએ વિવિધ પાસાઓ પર દલીલ કરી હતી, જેમાં રાજ્ય સરકારના 5 ફેબ્રુઆરી, 2022ના રોજ શાળા અને કોલેજોમાં સમાનતા, અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકવાના આદેશનો સમાવેશ થાય છે. કેટલાક વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે આ મામલાને પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ (Constitution Bench)ની પાસે મોકલવામાં આવે.
‘કોઈ ધર્મ અનુસાર નથી લેવાયો નિર્ણય’
બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે કર્ણાટક સરકારનો આદેશ કે જેણે હિજાબને લઈને વિવાદ ઉભો કર્યો, તે “ધર્મ તટસ્થ” હતો. વકીલે સુપ્રીમ કોર્ટમાં આ વાત પર ભાર મૂકતા દલીલ કરી હતી કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલું આંદોલન “સહજ કાર્ય” નહોતું. રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે કર્ણાટક સરકારનો આદેશ કોઈ ધર્મ વિશેષને લઈને જારી કરવામાં આવ્યો નથી.
સરકારના નિર્ણય પર મચી ગયો હતો ભારે હોબાળો
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયને લઈને ઘણો વિવાદ થયો હતો. રાજ્ય સરકારના નિર્ણય સામે કર્ણાટક હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. 15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે ક્લાસરૂમની અંદર હિજાબ પરના પ્રતિબંધને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઇસ્લામિક આસ્થા અથવા ધાર્મિક પ્રથાનો ભાગ નથી. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.