નવા રોડ અને ગટરના ખોદકામ દરમિયાન ઘટના, ફાઉન્ડેશન ન હોવાનો આક્ષેપ; સતત ઘટનાઓથી પીજીવીસીએલની કામગીરી સામે સવાલો
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પંથકમાં વીજ વિભાગની બેદરકારીનો સિલસિલો યથાવત્ રહ્યો છે. સિમ વિસ્તારમાં ચાલુ વીજ તાર પડવાના અનેક બનાવોની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં વીરપુરના રેલવે સ્ટેશન રોડ પર એક સાથે ચાર ચાલુ વીજપોલ ધરાસાઈ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ઙૠટઈકની કામગીરીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વીરપુરના રેલવે સ્ટેશન રોડ પર તાજેતરમાં જ ધારાસભ્ય દ્વારા નવા સીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના ખોદકામની કામગીરી ચાલી રહી છે, તેમજ ગ્રામ પંચાયત દ્વારા ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. રોડની સાઈડમાં એક હારમાં ઉભા વીજપોલ, ખોદકામની કામગીરી દરમિયાન અચાનક ધડામ દઈને ધરાસાઈ થયા હતા. એકસાથે ચાર ચાલુ વીજ લાઇનના પોલ પડતાની સાથે જ વીજ તાર તૂટીને જમીન પર પડ્યા હતા. ચાલુ વીજ પ્રવાહના તાર તૂટવાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો પોતાના જીવ જોખમે સલામત સ્થળે ભાગવા લાગ્યા હતા.
- Advertisement -
કોન્ટ્રાક્ટરો-અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ
આ ઘટના પાછળનું મુખ્ય કારણ વીજ પોલના ફાઉન્ડેશનમાં થયેલી બેદરકારી હોવાનું જાગૃત લોકો આક્ષેપ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, વીજપોલ ઉભા કરતી વખતે કોન્ટ્રાક્ટરો દ્વારા નીચે સિમેન્ટ કોંક્રિટનું ફાઉન્ડેશન ભરવાનું હોય છે. જોકે, જે ચાર પોલ ધરાસાઈ થયા તેમાં એક પણ પોલમાં નીચેની બાજુએ ફાઉન્ડેશન ભરેલું નહોતું, જેને કારણે તે સરળતાથી પડી ગયા. પીજીવીસીએલના અધિકારીઓની ચકાસણીની જવાબદારી છતાં કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આવી જીવલેણ ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જાગૃત લોકો માંગ કરી રહ્યા છે કે જો આ વીજપોલ કોઈ વ્યક્તિ પર પડ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાત, માટે તંત્ર તાત્કાલિક જવાબદારો સામે કડક કાર્યવાહી કરે.



