રાજકોટ લોક સંસદ વિચાર મંચના આગેવાનોની ખરાબ રસ્તા અને ખાડા મુદ્દે કાર્યવાહીની માગ
નોટિસનો પ્રત્યુતર ન દેનારા અધિકારી સામે દંડનીય કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણીએ જણાવ્યુ કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે.
ગાંધી છાપ વગર સરકારી કચેરીઓમાં ક્યાંય કામ થતા નથી એ જગ જાહેર છે. ગુજરાતમાં રાજ્યના સ્ટેટ હાઇવે, નેશનલ હાઈવે અને મહાનગરપાલિકા અને ગ્રામ્ય લેવલે રસ્તાઓનું ભારે ભંગાણ થયું છે. રસ્તાઓ અને કોઝવે બિસ્કિટની જેમ પાણીમાં ભાંગીને ભૂકકો થયા છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક ઠેકાણે રસ્તાઓ માં જીવલેણ ખાડાઓ પડી ગયા છે ગુજરાતની જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગુજરાતમાં ગઈકાલે કેબિનેટ ની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નબળી ગુણવતાના રસ્તાના મુદ્દે ભારે ગુસ્સામાં આવી ગયા હતા અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની આડે હાથે લીધા હતા. જો કે મુખ્યમંત્રીની આ ધમકી અગાઉ ત્રણ વખત આપી ગયા હોવાથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો આ વખતે પણ મુખ્યમંત્રીની ધમકી ઘોળીને પી જાય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ફૂંકી ધમકી મારવાનું બંધ કરે અને ખરેખર જે સ્થળે જીવલેણ ખાડાઓ છે તે વિસ્તારના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, કોન્ટ્રાક્ટરોને શો કોઝ નોટિસ પાઠવી એક્શન માં આવે નોટિસનો યોગ્ય અને સંતોષકાર પ્રત્યુતર નહીં આપનારા અધિકારીઓની સામે દંડનીય કાર્યવાહી કરી ને ઘર ભેગા કરી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરે. રાજ્યમાં 11,000 કરોડના રસ્તાઓ બનાવ્યા બાદ ટોલટેક્સ પેટે 19,000 કરોડ ગુજરાતની જનતા પાસે કટકટાવી લીધા છે. અને ગુજરાતની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અને તેમ છતાં ગુજરાતમાં ખાડા નહિ પરંતુ ખાડામાં ગુજરાત હોય તેઓ લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ગેરેન્ટી પિરિયડમાં રહેલા રસ્તાઓ પણ બિસ્કીટની જેમ ભાંગીને ભૂકકો થાય ત્યારે સ્વાભાવિક છે એમાં ભ્રષ્ટાચાર બેફામ થયો છે. ખુદ ભાજપના અમરેલીના સાંસદ અને ભાજપના આગેવાનોએ પણ કબૂલ્યું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર અને જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા નથી અને ધોધમાર વરસાદ કે અનરાધાર પુર પણ આવેલ ન હોવા છતાં સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર રસ્તાઓમાં જીવલેણ ખાડાઓ પડી ગયા છે. અને આવા ખાડાઓના કારણે કોઈક નો કંધોતર કે કોઈકના લાડકવાયા છીનવાઈ ગયા છે જે સરકારના અને પોલીસ તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે. જ્યારે ભાંગેલા રસ્તાના કારણે કોઈનું ખાડામાં પડવાના કારણે મોત થાય છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે સાપરધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી પોલીસ ઋઈંછ કરી ધરપકડ સુધીની કાર્યવાહી કરે છે ત્યારે પોલીસ આઇવે પ્રોજેક્ટ હેઠળના કેમેરામાં જીવલેણ ખાડાઓ દેખાતા હોવા છતાં અધિકારી સામે પોલીસ કેમ એક્શન લેતી નથી ? રાજ્યના મુખ્યમંત્રી તૂટેલા રસ્તાઓમાં થતા ભ્રષ્ટાચાર અંગે ધમકીને બદલે સરકાર એકશનમાં આવી કડક કાર્યવાહી કરી દાખલા રૂપ સજા કરે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જેલ ભેગા કરે તેવી લોક સંસદ વિચાર મંચના ઉપરોક્ત આગેવાનોએ માંગ ઉઠાવી છે.



