વર્ષની અંતિમ મન કી બાતમાં વડાપ્રધાને યુવાનોને ફિટનેસ મંત્ર આપ્યો
ફિટનેસ બે મિનિટની મેગી નથી પરંતુ નિયમિત પ્રયાસથી હાંસલ થાય છે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’મન કી બાત’ના 108મી આવૃત્તિમાં દેશવાસીઓને ખ્રિસ્તી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આજે આપણી સંયુક્ત યાત્રાનો 108મો એપિસોડ છે. આ અંકનું મહત્વ, તેની પવિત્રતા અભ્યાસનો વિષય છે. સાથે જ તેમણે કહ્યું કે, ભારત આજે ઈનોવેશનનું હબ બની રહ્યું છે. દેશ આત્મનિર્ભરની ભાવનાથી ભરેલો છે. હવે તે આગેકૂચ કરવામાં રોકાશે નહીં. આ સાથે વડાપ્રધાને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર આપ્યો અને ’ફીટ ઈન્ડિયા’ માટે અનોખા પ્રયાસ પર પ્રકાશ નાંખ્યો હતો.તેમણે ઉમેર્યું કે ફિટનેસ બે મિનિટની મેગી નથી.
વડાપ્રધાન મોદીએ રવિવારે કહ્યું કે, દેશ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની ભાવનાથી ઓત-પ્રોત છે. આ ભાવના તથા ગતિ આપણે 2024માં પણ જાળવી રાખવાની છે. તેમણે ’ફિટ ઈન્ડિયા’ પર અનોખા પ્રયાસોના સંદર્ભમાં ઈશા ફાઉન્ડેશન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ચેસના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથન આનંદ તથા અભિનેતા અક્ષય કુમારની વાત કરી. વડાપ્રધાને કહ્યું કે, ભારત ઈનોવેશનનું હબ બની રહ્યું છે. હવે આપણે રોકાવાના નથી. વર્ષ 2015માં આપણે વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં 81મી રેન્ક પર હતા અને આજે આપણી રેન્ક 40 છે. આ વર્ષે ભારતમાં ફાઈલ થતી પેટન્ટની સંખ્યા વધી રહી છે, જેમાં અંદાજે 60 ટકા ડોમેસ્ટિક ફંડની હતી. પીએમ મોદીએ દેશવાસીઓને ફિટ ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા અપીલ કરી. આ માટે તેમણે દેશની અનેક સેલિબ્રિટીઓનો સંદેશ સંભળાવ્યો. જેમણે કહ્યું, ફિટનેસ બે મિનિટની મેગી નથી પરંતુ નિયમિત પ્રયાસથી હાંસલ થાય છે. પીએમ મોદીએ સદ્ગુરુ જગ્ગી વાસુદેવનો સંદેશો સંભળાવ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે આપણે આપણી માનસિક બીમારીઓ અને ન્યૂરોલોજિકલ સિસ્ટમ કેવી રીતે બનાવીએ છીએ તેને સીધો સંબંધ છે.
અક્ષય કુમારે કહ્યું કે તે ફિટ રહેવા માટે જિમ જવા ઉપરાંત નેચરલ એક્સરસાઈઝ પર વધુ વિશ્વાસ રાખે છે, જેમાં સ્વિમિંગ, દોડ અને દેશી કસરતનો સમાવેશ થાય છે.
તેમણે યુવાનોને ફિલ્મ સ્ટાર્સની નકલ નહીં કરવા અને ફિટ રહેવા માટે પારંપરિક રીતો સાથે જોડાવા ભલામણ કરી હતી. મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે દૈનિક વ્યાયામ અને 7 કલાકની ઊંઘ પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાને એઆઈ ટૂલ ભાષિણીની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું કે, વારાણસીમાં ’કાશી-તમિલ સંગમમ’માં ભાગ લેવા માટે તમિલનાડુથી હજારો લોકો આવ્યા હતા. ત્યાં મેં તેમની સાથે સંવાદ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ ’ભાષિણી’નો જાહેર મંચ પર પહેલી વખત ઉપયોગ કર્યો. હું મંચ પરથી હિન્દી બોલી રહ્યો હતો, પરંતુ એઆઈ ટૂલ ભાષિણીના કારણે ત્યાં હાજર તમિલનાડુના લોકોને મારું એ જ સંબોધન તે જ સમયે તમિલ ભાષામાં સંભળાઈ રહ્યું હતું. આ પહેલો પ્રયોગ હતો. આગામી સમયમાં એઆઈની મદદથી ભાષાઓનું રિયલ ટાઈમ ટ્રાન્સલેશન શક્ય બનશે.