26 રાજ્યમાં ફરી 350થી વધુ વેરાયટીનાં દેશી બીજ એકત્ર કર્યા
લુપ્ત થઈ રહેલી ઔષધિ, વનસ્પતિ અને વૃક્ષોને બચાવવનો પ્રયાસ
- Advertisement -
પોતાની જમીન ન હોવા છતાં ભાડે જમીન રાખી બીજ તૈયાર કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
વર્તમાન સમયમાં પ્રાણી, પક્ષી, વનસ્પતિની અનેક જાત લુપ્ત થઇ છે. હજુ અનેક લુપ્ત થવાનાં આરે છે. કેશોદનાં ટીટોળી ગામનાં ભરતભાઇ નશિત લુપ્ત થતી ઔષધિ, વનસ્પતિ અને વૃક્ષોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પોતાની જમીન ન હોવા છતા ભાડે જમીન રાખી ભરતભાઇ અને તેમનાં પત્ની મીતાબેન બીજ બેંક ચલાવી રહ્યાં છે.
- Advertisement -
ભરતભાઇએ છેલ્લા 10 વર્ષમાં 26 રાજ્યમાં પરિભ્રમણ કરી 350 થી વધુ દેશી બીજ એકત્ર કર્યાં છે અને ખેડૂતો સુધી પહોંચાડ્યાં છે. ભરતભાઇએ જણાવ્યું હતું કે, આજે જે તે કૃષિપેદાશનાં દેશી બીજની પરંપરા લુપ્ત થવાનાં આરે છે. ત્યારે મને થયું કે આ પરંપરાને આપણે જાળવી રાખવી જોઇએ. એટલે 26 રાજયનો પ્રવાસ કર્યો. મેં બે ફાર્મ ભાડે રાખ્યાં છે. તેમાં શાકભાજી, ફૂલછોડ અને ઔષધિય પાકોનાં દેશી બીજનું વાવેતર કરી ઉત્પાદન મેળવું છું. મે બહારનાં રાજયનો પ્રવાસ કરી દેશી બીજની સંસ્કૃતિ અને પ્રકૃતિનો અભ્યાસ કર્યાં છે. તેના અમૂલ્ય વારસાનું સંવર્ધન કઇ રીતે થઇ શકે અને તે અંગેની જાણકારી પણ મેળવી છે.
ક્યા પ્રકારનાં પાક મેળવો છો?
ભરતભાઇએ કહ્યું હતું કે, મારા ફાર્મમાં સફેદ ગલકાં, તૂરિયા, ચેરી, ટમેટાં, વાલોર, સફેદ ભીંડો, દૂધી, તાંદળજાની ભાજી, ચીભડા, દેશી ગુવાર, રીંગણા જેવી શાકભાજી તથા અમુક ફૂલ, ડોડી જીવંતીકા જેવા ઔષધિઓ જેવા બીજનું વાવેતર અને તેનું ઉત્પાદન મેળવીએ છીએ. આ પાકોમાં પણ અલગ અલગ વેરાયટી જોવા મળે છે. તૂરિયાની 4-5 વેરાયટી, દૂધીની પણ 5-7 વેરાયટી જોવા મળે છે. આ તમામનાં દેશી બીજનો ફાયદો એ છે કે તેમાંથી ઉત્પાદન થતા શાકભાજીની ગુણવત્તા અને મીઠાશ ખુબ સારી હોય છે. જે તે શાકભાજીનો અસલી સ્વાદ આપણે અનુભવી શકીએ છીએ.
ક્યા પ્રકારની વેચાણ વ્યવસ્થા છે?
ભરતભાઇએ કહ્યું હતું ક, હું જે કંઇ દેશીબીજનું ઉત્પાદન મેળવું છું તેનું ખેડૂતોને રૂબરૂ મળીને વેંચાણ કરું છે. હાલમાં દેશી બીજની 350 કરતા વધુ વેરાઇટી ઉપલબ્ધ છે. ખેડુતોને આ વેરાઇટીનો લાભ મળે તે પ્રકારે માર્કેટીંગ વ્યવસ્થા ગોઠવી છે. આ દેશી બીજના ગ્રેડીગ પેકેજિંગનાં કારણે સારા ભાવ મળે છે.
તમારી પત્નીનો કેવો સહકાર મળે છે?
ભરતભાઇએ કહ્યું કે, મારા આ વ્યવસાયમાં મારાં પત્ની સહિત તમામનો સહકાર મળે છે. શરૂઆતમાં મારા પત્ની કચવાટ અનુભવતા હતાં. હવે છેલ્લા ચારેક વર્ષથી ખભેખભો મિલાવીને આ કાર્યમાં સહયોગ આપી રહ્યાં છે.