ખાસ-ખબર ન્યૂઝ બેઈજિંગ, તા.14
તાજેતરમાં ભલે ભારત અને ચીને લદ્દાખમાં કઅઈ પર 4 વર્ષથી ચાલી રહેલા ભારે તણાવને ઘટાડવા માટે પગલાં લીધા હશે, પરંતુ બેઈજિંગના એક પગલાંએ ફરી ભારતની ચિંતા વધારી દીધી છે. ચીને પાકિસ્તાન પર સકંજો કસ્યો છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ચીને અચાનક જ પોતાના નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાનમાં પોતાના સુરક્ષા દળોને તહેનાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઈજિંગ પાકિસ્તાનમાં પોતાના નાગરિકોની સુરક્ષાના બહાને આ તહેનાતી કરવા માંગે છે.
થોડા દિવસ પહેલા જ કરાચીમાં એક કાર બોમ્બ બ્લાસ્ટમાં ઘણા ચીની નાગરિકો માર્યા ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, બેઈજિંગ ત્યારથી જ પાકિસ્તાન પર પોતાના સુરક્ષા કર્મચારીઓને દક્ષિણ એશિયાના રાષ્ટ્રમાં કામ કરનારા હજારો ચીની નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાની મંજૂરી આપવા માટે દબાણ કરી રહ્યું છે, જેને એક મોટા સુરક્ષા ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યું છે. ગત મહિને જ પાકિસ્તાનના એક એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટમાં બે ચીની એન્જિનિયરો મોત થઈ ગયા હતા, જે પાકિસ્તાનમાં બેઈજિંગના હિતો પર શ્રેણીબદ્ધ હુમલાઓમાં નવીનતમ હતું. તેઓ થાઈલેન્ડમાં રજાઓ ગાળીને એક પ્રોજેક્ટના કામ પર પાછા ફરી રહ્યા હતા.
- Advertisement -
આ પ્રકારના હુમલાઓ અને તેમને રોકવામાં ઈસ્લામાબાદની નિષ્ફળતાએ ચીનને નારાજ કર્યું છે, જેણે પાકિસ્તાને સંયુક્ત સુરક્ષા વ્યવસ્થાપન પ્રણાલી માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરવા માટે પ્રેરિત કર્યું છે. આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા ચાલી રહી છે. આ બેઠકમાં ચીને કહ્યું છે કે, અમે અમારા સુરક્ષાકર્મીઓને મોકલીશું. જ્યારે પાકિસ્તાન ઈચ્છે છે કે, અમને એક તક આપવામાં આવે. પાકિસ્તાન સરકારનું કહેવું છે ,કે અમે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરીશું. હાલમાં સુરક્ષાને લઈને શું સમાધાન કરવું જોઈએ તેની ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાન એટલા માટે પણ તૈયાર નથી થઈ રહ્યું કારણ કે, ચીનના સૈનિકોનું ઉતરવું એ તેની સાર્વભૌમત્વની દ્રષ્ટિએ પણ નબળાઈનો વિષય હશે. આ ઉપરાંત ચીનનો અવિશ્ર્વાસ પણ તેમાં જોવા મળશે.
જો ચીનના સૈનિકોને પાડોસી દેશ પાકિસ્તાનમાં તહેનાત કરવામાં આવશે તો તેનાથી ભારતની સુરક્ષા ચિંતામાં વધારો થશે. પાકિસ્તાનમાં તહેનાતીના બહાને તેઓ ભારતની સૈન્ય જાસૂસી કરી શકે છે. આ ભારતની સુરક્ષા માટે સારું નહીં હશે. તેથી ચીનની આ જાહેરાતથી ભારતની ચિંતા વધવા લાગી છે. જો કે, ભારત આ મામલે પહેલાથી જ એલર્ટ થઈ ગયું છે. બેઈજિંગ દ્વારા ઇસ્લામાબાદને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓને મોકલવામાં આવેલા એક લેખિત પ્રસ્તાવમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં સહાયતા કરવા અને સંયુક્ત હુમલો કરવા માટે સુરક્ષા એજન્સીઓ અને લશ્ર્કરી દળોને એક-બીજાના ક્ષેત્રમાં મોકલવાની મંજૂરી આપતા એક ખંડનો ઉલ્લેખ કર્યો છે. એક અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાની એજન્સીઓ આ પ્રસ્તાવની વિરુદ્ધ છે.