મંગળવારે વધુ 50 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ: 21 દબાણો ધ્વસ્ત: સરકારી અધિકારીઓ ખડેપગે
ખાસ-ખબર સંવાદદાતા
બેટ દ્વારકા ખાતે ગત તારીખ 1 થી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું ગઈકાલે મંગળવારે વધુ 50,000 ફૂટ જેટલું દબાણ ખુલ્લુ કરવામાં આવ્યું છે. આ જગ્યાની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ ઉપરાંતની ગણવામાં આવી છે. ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા ગુપ્તતાપૂર્વક કરવામાં આવેલા સર્વે બાદ હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડીમોલિશનમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન આશરે રૂપિયા 7 કરોડથી વધુની કિંમતની પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યા પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું.
- Advertisement -
તંત્ર દ્વારા હાથ વધારવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશના આટલા દિવસોમાં ક્યાંય ઘર્ષણ કે તંગદીલીના બનાવો બન્યા ન હતા. અહીં જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે. બેટ દ્વારકામાં તાજેતરમાં તહેવારોના ત્રણ-ચાર દિવસના વિરામ બાદ શરૂ થયેલા ડિમોલિશનના બીજા રાઉન્ડમાં ગઈકાલે મંગળવારે જુદાજુદા 21 સ્થળોએ તબક્કાવાર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં એક દિવસમાં આશરે 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જગ્યાની કિંમત આશરે 1.09 કરોડ અંદાજવામાં આવી છે.
મંગળવારે દિવસ દરમ્યાન જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડા તેમજ પોલીસ સ્ટાફ તથા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર, વિગેરેની ટીમ દ્વારા દુકાનો, મકાન, પાકા વંડાઓ સહિતની જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી. બેટ દ્વારકાના આ ઓપરેશનની કામગીરીમાં તંત્રને મળેલી સફળતા બાદ દરિયા કિનારાની આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થયેલા ડિમોલિશનથી મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની છાપ હવે મક્કમ મુખ્યમંત્રી તરીકેની ઊભી થઈ છે.