કાર્તિકોલોજી:કાર્તિક મહેતા
ધાર્મિક ગ્રંથો પણ પ્રલયનું વર્ણન કરતા આવ્યા છે
- Advertisement -
ચોમાસાની ઋતુ પૂરબહારમાં છે. પરંતુ વિશ્વમાં આ વખતે ઋતુચક્રમાં મોટો પલટો અનુભવાયો છે. યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા અત્યન્ત શીત પ્રદેશોમાં હિટ વેવ અનુભવાયા હતા, દુબઇ જેવા પ્રદેશમાં અતિવૃષ્ટિના સમાચાર હજુ તાજા છે ત્યાં કેનેડામાં અતિવૃષ્ટિના સમાચાર આવ્યા છે. ભારતમાં પણ અનેક પ્રદેશોમાં અસાધારણ વરસાદ થયો છે. વિશ્વના મોટાભગના દેશોએ ઋતુચક્રમાં પરિવર્તનનો અનુભવ કર્યો છે. એક્ધદરે કાળ પરિવર્તનના લક્ષણો સ્પષ્ટ રીતે દેખાય છે.
કાળ પરિવર્તનને આયુર્વેદમાં પ્રલય અથવા મહામારીનો સંકેત ગણવામાં આવે છે. આચાર્ય ચરક જનપદોધ્વંસ નામના પ્રકરણમાં પ્રલય અથવા મહામારીનું વિશદ વર્ણન કરે છે. આચાર્ય ચરક સહીત આયુર્વેદના અન્ય આચાર્યો જેવાકે મહર્ષિ સુશ્રુત, મહર્ષિ ભેલે પણ પ્રલય /જનપદોધ્વંસ/મહામારી બાબતે ઘણી મીમાંસા કરી છે.
આયુર્વેદ કહે છે કે જનપદોધ્વંસ એટલે કે પ્રલયનો પ્રારંભ માણસના મનથી થાય છે. માણસનું મન ભ્રષ્ટ થાય એને પ્રજ્ઞાપરાધ કહેવામાં આવે છે. પ્રજ્ઞા એટલે ધીરજ, બુદ્ધિ અને સ્મૃતિનું મિશ્રણ. જ્યારે આ ત્રણ ભ્રષ્ટ થાય ત્યારે માણસનું મન બગડે છે અને તે અધર્મ કરવા પ્રેરાય છે. અધર્મ આચરવા વાળો માણસ પ્રથમ વાયુ તત્વને પ્રદુષિત કરે છે. (ગ્રીન હાઉસ ઇફેક્ટ વાયુ પ્રદુષણ ને કારણે જ થાય છે , ખરુંને ?? )ત્યારબાદ અધર્મી માણસ પાણી અને દેશ એટલે કે જમીનને પ્રદુષિત કરે છે. (ઔદ્યોગિક “વિકાસ”ને લીધે પાણી અને જમીન અત્યન્ત પ્રદુષિત થયા છે) અને છેવટે કાળ એટલે કે ઋતુચક્ર પ્રદુષિત થાય છે. કાળનું પ્રદુષણ પ્રલય અને મોટાપાયે જાનહાની નોતરે છે. આમ, જાનહાની કે મહામારી કે પ્રલય જે કહો તે , એનું મુખ્ય કારણ અધર્મ છે તેવું આયુર્વેદ સ્પષ્ટ રીતે જણાવે છે.
શતપથ બ્રાહ્મણ અને પુરાણમાં પ્રલયનું વર્ણન જોવા મળે છે. સાતમા મનુ વૈવસ્વત મનુ મહારાજને એક માયાવી મત્સ્ય ચેતવણી આપે છે કે થોડા સમય પ્રલય આવી રહ્યો છે જેથી તેણે (મનુ મહારાજે) એક વિશાળ નૌકાનું નિર્માણ પ્રારંભ કરવું. ભારે વરસાદ રૂપે પ્રલયની શરૂઆત થાય એટલે પોતાના કુટુંબ સહિત વનસ્પતિના બીજો અને પ્રાણીના બચ્ચાંઓ સાથે તે નૌકા ઉપર જતું રહેવું.
- Advertisement -
મત્સ્યના કહેવા અનુસાર મનુ મહારાજ ભારે વરસાદ પ્રારંભ થતા નૌકા પર જતા રહે છે અને જ્યારે પાણી ઉતરે છે ત્યારે મનુ મહારાજ નૌકાથી ઉતરે છે અને આહુતિઓ આપીને ફરી સૃષ્ટિ રાચે છે. આમ, તમામ લોકો મનુ મહારાજના સંતાન હોવાથી મનુષ્ય કે માનવ કહેવાયા.
યહુદીઓના પવિત્ર ગ્રન્થ બાઈબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ આવું જ વર્ણન જોવા મળે છે. બાઇબલ અનુસાર આદમ અને ઇવની દસમી પેઢીએ નોઆહનો જન્મ થાય છે. નોઆહના સમયમાં અધર્મ વધવાથી ઈશ્વર (બાઇબલનું નામ યહોવા, જે ઈશ્વર સાથે મળતું આવે છે) નોઆહને કહે છે કે તમે મનુષ્યોએ પૃથ્વીને ક્રોધ અને હિંસાથી ભરી દીધી છે.આથી હું અત્યન્ત ખિન્ન છું. હવે હું આ સમગ્ર સૃષ્ટિનો નાશ કરીશ. સતત વરસાદ વરસશે અને પૃથ્વી જળબમ્બાકાર થશે. આથી તું એક નૌકાનું નિર્માણ કર. આ નૌકામાં તું તારા પરિવાર સાથે વનસ્પતિના બીજ અને પ્રાણીઓની જોડીઓ લઈને જજે. નોઆહે ઈશ્વરના આદેશ પ્રમાણે નૌકા બનાવી. પૃથ્વી ઉપર ઈશ્વરે જ્યારે જળપ્રલય કર્યો ત્યારે નોઆહ તે નૌકા ઉપર વનસ્પતિના બીજ અને પ્રાણીઓની જોડીઓ લઈને જતા રહયા. જળ પ્રલયના પાણી ઓસર્યા બાદ નોઆહ સહુ સાથે નૌકાથી નીચે ઉતર્યા, આહુતિઓ આપી અને સૃષ્ટિનું નિર્માણ શરુ કર્યું. અત્રે નોંધવું રહે કે હિન્દૂ શાસ્ત્રો સાથે મળતી આવતી આ બાઇબલની કથામાં પ્રલય વન ટાઈમ બનતી ઘટના છે. જ્યારે હિન્દૂ શાસ્ત્રો અનુસાર પ્રલય એક ચક્રીય ઘટના છે જે સમયાંતરે (ચાર યુગોના કલ્પ ને અંતે) બનતી રહે છે. બાઇબલ અનુસાર પ્રલય બાદ વસેલી સૃષ્ટિ ફરીવાર આડેધડ વિકાસ કરવા લાગે છે. લોકો શહેરો વસાવે છે અને ખુબ બાંધકામ કરે છે જે જોઈને યહોવા એટલે કે ઈશ્વર દુ:ખી થાય છે. આથી ઈશ્વર વિચારે છે કે જો આમને આમ આડેધડ વિકાસ ચાલતો રહ્યો , શહેરો બનતા રહ્યા તો મનુષ્યો સૃષ્ટિને પાયમાલ કરી દેશે. ઈશ્વર આનો ઉપાય વિચારીને એવું કરે છે કે તમામ મનુષ્યોને અલગ અલગ સ્થળે મોકલી આપે છે , એમની ભાષાઓ બદલી નાખે છે જેથી મનુષ્યો ભેગા થઈને સૃષ્ટિનો ખુરદો કાઢી શકે નહિ.
પણ આજે વિજ્ઞાનને લીધે મનુષ્યો એક ભાષા બોલે છે, આડેધડ વિકાસ કરે છે, આડેધડ બાંધકામો કરે છે, પ્રદુષણ કરે છે. આથી અધર્મનું આચરણ વધ્યું છે. અને અધર્મ વધે એટલે પ્રલય નજીક છે એમ તમામ શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથો કહે છે.
આ પ્રલયથી બચવા માટે આપણે મનુ મહારાજ કે નોઆહ ની જેમ નૌકા બાંધી શકીએ નહિ પણ આયુર્વેદને અનુસરી શકીએ. આયુર્વેદ પ્રલય કે વિધ્વંસ થી બચવા માટેના ઉપાયો પણ આપે છે.પ્રલય પ્રાકૃતિક ઘટના છે એને કોઈ ટાળી શકતું નથી પણ એનાથી બચી જરૂર શકાય છે. આયુર્વેદ અનુસાર યોગ આચરવા વાળા (માત્ર યોગાસન થી હાથ પગ કમર મરડવા વાળા નહિ) મહામારીથી બચે છે. ઉપવાસ, સંયમ અને યોગ્ય રસાયણ (ઔષધિઓ)ના ઉપયોગથી મહામારીથી બચી શકાય છે. પ્રલય અવશ્યંભાવી છે, નિશ્ચિત છે. એટલે આપણે મનુ મહારાજની નૌકામાં બેસવા લાયક બનવાનું છે.