સલામતીના પગલાં માટે પોરબંદરમાં ગેમઝોનની વિશેષ તપાસ શરૂ: અધિકારીઓની ટીમો નિમાઈ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને સેવા સદન – 1 ખાતે ગેમઝોનની સલામતી અને સંચાલન સંબંધે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, જિલ્લા કલેક્ટરઆએ પોરબંદરના તમામ ગેમઝોન અને ભીડવાળા જાહેર સ્થળોની ત્વરિત અને સુક્ષ્મ ચકાસણી માટે વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો બનાવવા આદેશ આપ્યો હતો.જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ, નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા અને પીજીવીસીએલના અધિકારીઓની ટીમો સાથે ગેમઝોનની ચકાસણી કરશે. આ ટીમો ગેમઝોનના ફાયર એન.ઓ.સી, બાંધકામ પરવાનગી અને ઈન્ટર વાયરીંગ સહિતની બારીકાઈથી તપાસ કરશે.
- Advertisement -
જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ જણાવ્યુ કે, “આ તમામ સ્થળો પર સલામતીના માપદંડોનું પાલન જરૂરી છે અને આકસ્મિક સંજોગોમાં રાહત બચાવ વ્યવસ્થાઓ હાજર છે કે નહીં તેની ખાતરી કરવાની જરૂર છે.” બેઠકમાં, નિવાસી અધિક કલેક્ટરએ પણ ઉચ્ચ અધિકારીશ્રીઓને આ ચકાસણીની કામગીરી સુચારૂ અને અસરકારક બનાવવા માટે મોનિટરીંગના સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં પ્રાંત અધિકારી પોરબંદર સંદીપસિંહ જાદવ,પ્રાંત અધિકારી કુતિયાણા પારસ વાંદા, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, ચીફ ઓફિસર, ફાયર વિભાગ અને પીજીવીસીએલના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સૂચના અનુસાર, ગેમઝોનમાં સરકારે નક્કી કરેલા નિયમોનુસાર વ્યવસ્થાઓ છે કે નહીં તેની ચકાસણી કરીને, ટૂંક સમયમાં અહેવાલ જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરાશે.