ખરેખર તો આ ચંદ્ર એક ઉલ્કાપીંડ છે, તે ધરતીની જેમ સૂર્યની ચારેય બાજુ ચકકર લગાવે છે
ખગોળવિદોએ અંતરીક્ષમાં પૃથ્વીનો બીજો ચંદ્ર શોધ્યો છે.આ ખરેખર તો એક ઉલ્કાપીંડ છે જેની 2023 એફ ડબલ્યુ 13 તરીકે ઓળખ થઈ હતી.જેને ચંદ્રનું નામ અપાયું છે. તેનો આકાર 15 મીટરનો છે અને તે પૃથ્વીથી લગભગ 1.4 કરોડ કિલોમીટર દુર છે.આ નવા સંશોધનને લાઈવ સાયન્સ જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યું છે.
- Advertisement -
પેનસ્ટાર વેધ શાળાએ પહેલીવાર જોયો
પેન-સ્ટાર વેધશાળાએ પહેલીવાર આ વર્ષે માર્ચમાં આ ઉલ્કાપીંડની શોધ કરી હતી. ત્યારબાદ કનેડા, ફ્રાન્સ, હવાઈ ટેલીસ્કોપ અને એરિઝોનાની બે વેધશાળા દ્વારા તેના અસ્તિત્વની પુષ્ટિ કરવામાં આવી હતી. તેને અધિકૃત રીતે એક એપ્રિલે આંતર રાષ્ટ્રીય ખગોળીય સંઘમાં માઈનોર પ્લેનેટ સેન્ટર દ્વારા સુચિબદ્ધ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, માઈનર પ્લેનેટ સેન્ટર દુનિયાભરમાં ખગોળ શાસ્ત્રીઓની એક સંસ્થા છે.જે અંતરીક્ષમાં નવા શોધવામાં આવેલા ખગોળીય પીંડોનું નામકરણ કરે છે. જયારે સંશોધકોનું માનવુ છે કે આ નવા ચંદ્ર પૃથ્વીના ચંદ્રનો એક ટુકડો પણ હોઈ શકે છે.એટલા માટે તો તે ધરતીના સમાન સમયમાં સૂરજની ચારે બાજુ ચકકર લગાવે છે.
પૃથ્વીના બરાબર સમયમાં સૂરજની પરિક્રમા પુરી કરે છે
સ્કાય એન્ડ ટેલિસ્કોપ અંતરીક્ષ વિજ્ઞાન સંસ્થાનના ખગોળશાસ્ત્રી એલન હેરીસે જણાવ્યું હતું કે તે 100 ઈ.સ.પૂર્વે પૃથ્વીનો પડોશી રહ્યો છે અને 3700 ઈ.સ.સુધીમાં પોતાની ભ્રમણ કક્ષામાં ચકકર લગાવતો રહેશે. તેથી ધરતી સાથે ટકરાવાની આશ નહિંવત છે.ઉલ્લેખનીય છે કે ધરતીના ચંદ્રનો વ્યાસ 3474 કિલોમીટર છે.