કાર્તિક મહેતા
“જે સમૂહમાં જાય છે તે વધુમાં વધુ સમૂહથી આગળ વધી શકતો નથી, પણ જે એકલો જાય છે તે એવા સ્થાનોએ પહોંચવા પામે છે જ્યાં બીજું કોઈ કદી પહોંચી શક્યું નથી”
-આલ્બર્ટ આઈન્સ્ટાઈન
- Advertisement -
જાણીતા અને ધુરંધર ગણિતશાસ્ત્રી મેન્ડેલબ્રોટ એ પોતાનું આખું જીવન જીવનની અનિયમિતતાઓ ને સમજવામાં કાઢેલું છે તે પોતાના પિતાજીના જીવનની એક ઘટના વર્ણવે છે. એમના પિતા યહૂદીઓને બંધક બનાવી રાખતા એક જર્મન કેમ્પ થી ટોળા સહિત નાસી છૂટેલા. એમના ટોળા પાછળ જર્મનીના નાઝી સૈનિકો પડ્યા. આખું ટોળું થોડું આગળ ગયું ત્યાં બે રસ્તા પડતા હતા. મેંદેલબ્રોટ ના પિતાજીએ નક્કી કર્યું કે જે બાજુ ટોળું જાય તે બાજુ ના જવું. આથી એમણે એક વિકટ જંગલનો રસ્તો પકડ્યો. ટોળાથી તે વિખૂટા પડીને જરા આગળ જાય ત્યાં એણે એક ધડાકો સાંભળ્યો. એમને ખબર પડી કે પેલા ટોળાના તમામ સભ્યો ઉપર નાઝી સૈનિકોએ બોમ્બ વર્ષા કરી હતી અને ટોળાના તમામ સભ્યો મૃત્યુ પામ્યા હતા.
મેંડેલબ્રોટ પોતાના પિતાજીના જીવનની આ ઘટનાનું વર્ણન કરતા કહે છે કે આ ઘટનાથી એમણે શીખ્યું કે લોકસમૂહ જે વિચારે એના કરતા અલગ વિચારવા વાળો જ આગળ વધે છે. જો એમના પિતા ટોળા સાથે ગયા હોત તો એ પણ મૃત્યુ પામ્યા હોત. વિદેશી ગાયિકા કેટી પેરી એ પોતાના બાવડા ઉપર એક ટેટૂ ચિત્રાવેલું છે : (અખઅ *ખ059 અર્થાત્ પ્રવાહ સાથે વહેતા ચાલો. ભારતીય તત્વદર્શન માં પણ સમૂહ સાથે ચાલવાનું બહુ મહત્વ છે. જૈનો અને વૈષ્ણવોમાં સમૂહ યાત્રાનું બહુ મહત્વ છે. સંઘવી અટક પણ આ સમૂહ યાત્રા ઉપરથી છે. ભારત મેળાઓ, અન્નક્ષેત્રો અને સામૂહિક તહેવારોનો દેશ છે. એટલે આવી સામૂહિક જીવનની ટેવને લીધે ભારતમાં ડિપ્રેશન જેવા અનેક માનસિક રોગોનું પ્રમાણ હજી પણ ઘણું ઓછું છે , જ્યારે પશ્ચિમમાં માનસિક રોગોનો સુદીર્ઘ ઇતિહાસ છે.પરંતુ ભારતમાં પણ ધીરે ધીરે પશ્ચિમનું એકલવાયું જીવન જીવવાનું ચલણ વધવા લાગતાં ભારતમાં પણ માનસિક રોગોની ભરમાર વધવા લાગી છે. આમ, કુલ બે વિચારધારા છે: એક કહે છે એકલા ચાલો બીજી કહે છે સમૂહમાં ચાલો. હમણાં સંપન્ન થયેલ કુંભ મેળો પણ ભારતીય લોકોની સમૂહમાં જીવવાની વૃત્તિનો એક પ્રચંડ દાખલો.. ગીતાજીમાં પણ કહેવાયું છે કે સંઘો શકિત કલૌયુગે અર્થાત્ કળિયુગમાં સંઘ (સમુહ જીવન) જ શક્તિ છે.
પરંતુ સમૂહની આ શક્તિઓનો દુરુપયોગ પણ સારી પેઠે થાય છે. રાજકારણીઓ ભોળા લોકોને ધર્મ પ્રદેશ કે ભાષા વગેરે ટોળાઓમાં વહેંચીને દેશની દુર્દશા કરતા આવ્યા છે. હાર્વર્ડ ના એક સંશોધક શેમ્વર્થ ની એક રિસર્ચ અનુસાર કેવળ ત્રણથી ચાર ટકા લોકો પણ જો એક ચોક્કસ બાબતે વિરોધ કરવા લાગે તો મોટા મોટા શાસકો ના સિંહાસન ડોલાવી નાખે છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં આ બાબતનું જીવંત ઉદાહરણ આપણને જોવા મળ્યું. ખરેખર તો જગતની તમામ ક્રાંતિ અને આંદોલનો આ ત્રણ ટકાના નિયમ અનુસાર કરવામાં આવ્યા છે. ટોળાંની માનસિકતા ઉપર થયેલ એક સંશોધન કહે છે કે આખા ટોળાના માત્ર વીસ ટકા લોકો પણ જો અંતિમવાદી, ભયવાદી કે હિંસાવાદી વિચારો ધરાવતા હોય તો આખા ટોળાને એનો ચેપ લાગે છે. જ્યા અનેક લોકો એકઠા થાય છે ત્યાં જો માત્ર વીસ ટકા લોકોમાં ગભરાટ ફેલાઇ જાય તો પરિણામે નાસભાગ થાય છે અને અનેક લોકોના મૃત્યુ થઈ શકે છે.
- Advertisement -
કુંભ મેળા સમયે થયેલા દુ:ખદ બનાવો આવા જ ગભરાટ નું પરિણામ હોય છે જેને નિવારવા બહુ કઠિન છે. લોકો ભેગા થાય એનાથી શાસકો બહુ ડરતા હોય છે.ચીનની ઈન્ટરનેટ પોલિસી ઉપર સંશોધન કરતા એક સંશોધકે જોયું કે ચીનની સરકાર ક્યારેય લોકોની વિરોધ વાળી પોસ્ટ બાબતે કોઈ ચિંતા કરતી નથી પણ જો ક્યાંય પણ લોકો એકઠા થવાના હોય તો ચીનની સરકાર એવી પોસ્ટ ઉપર ચાંપતી નજર રાખે છે. આથી અંગ્રેજોના સમયના કાયદા અનુસાર કોઈપણ અરાજકતા થાય એટલે સહુથી પહેલા લોકોનાં એકઠા થવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે. કુંભના મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવ્યા. અમુક અપવાદોને બાદ કરતાં એકેય દુર્ઘટના આકાર પામી નહિ તે એક ચમત્કારથી ઓછું નથી. બાકી વિદેશોમાં તો ફૂટબોલની મેચિસ કે મોટા લગ્ન સમારંભ દરેક સમયે ભીડનું મેનેજમેન્ટ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી નો પ્રયોગ કરવામાં આવે છે. સમૂહમાં જીવવું એ માનવ પ્રકૃતિ છે. પણ સમૂહ અને ટોળા વચ્ચે તફાવત છે. કુભમાં શ્રદ્ધાથી દોરાઈને સ્નાન કરવા જતા લોકો સમૂહ છે પણ એકઠા થઈને કોઈ રમત કે કોઈ અંધશ્રધ્ધા ને કારણે ઉત્તેજિત થઈ જતા લોકો ટોળું છે. ટોળાનો ભાગ બનવાથી બચવું જોઈએ. સમૂહ નો ભાગ બનતા રહેવું જોઈએ.