શારીરિક સૌષ્ઠવ અને જીવનમૂલ્યોના વિકાસના હેતુ સાથે ત્રણ દિવસીય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રમતગમતના વિવિધ કૌશલ્યો ખીલે, શારીરિક સૌષ્ઠવ કેળવાય અને જીવનમૂલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે યોજાતા શાળાકીય રમતોત્સવનો આ વર્ષે પણ હળવદ તાલુકામાં દબદબાભેર આરંભ કરવામાં આવ્યો છે. આ રમતોત્સવનું આયોજન તા. 30/07/2025 થી તા. 01/08/2025 સુધી કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય રમતોત્સવ દરમિયાન હળવદ તાલુકાની સરકારી અને ખાનગી શાળાઓમાં ભણતા બાળકો ઉત્સાહભેર ભાગ લેશે. તેઓ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. સમગ્ર રમતોત્સવનું આયોજન શ્રી ઘનશ્યામપૂર ક્ધયા પ્રાથમિક શાળાના પરિસરમાં કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે હળવદ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી મિલનકુમાર કે. પટેલ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. આ રમતોત્સવ બાળકોમાં ખેલદિલીની ભાવના વધારશે અને તેમને સ્વસ્થ તેમજ સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરશે.