રાજયની કેરી નિકાસ માટે હવે અમદાવાદ નજીક જ કાર્ગો સેન્ટર ઉભુ થતા સરળતા: ગુજરાત એગ્રો દ્વારા નિકાસ પ્રોત્સાહન
સૌરાષ્ટ્રની કેસર કેરીનો સ્વાદ એક વખત જો ‘દાઢે’ વળગી જાય તો પછી ઉનાળાની રાહ જોવા સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ રહે છે અને આ સીઝનમાં માવઠાનો માર ઝીલીને પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને તાલાલા-ગીર-જુનાગઢ જીલ્લાની કેસર કેરીનું ઉત્પાદન નવા રેકોર્ડ નોંધાવશે તેની સાથે હવે નિકાસ પણ નવી ઉંચાઈએ જશે તે નિશ્ર્ચિત છે.
- Advertisement -
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લી. જે દેશ વિદેશમાં સૌરાષ્ટ્રની કેસર કેરીના પ્રમોશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેના આંકડા મુજબ આ વર્ષ કેરીની નિકાસ 45% જેટલી ઉંચી હશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ કેરીની માંગ સતત વધી રહી છે. જેમાં સાઉદી અરેબીયા અને બ્રિટનમાંથી આ વર્ષ 4.45 મેટ્રીક ટન કેરીની નિકાસના ઓર્ડર છે.
અમેરિકાએ એકલાએજ 65 મેટ્રીક ટન કેરીની નિકાસ આ સીઝનમાં થશે અને તેમાં 55% ગુજરાતનો ફાળો છે. ગુજરાતમાં કેરી પકાવવા માટે હવે આધુનિક પદ્ધતિ રેડીએશન પ્રોસેસીંગને માન્યતા આપી છે અને ગુજરાત એગ્રોએ તે જુલાઈ 2022માં આ સુવિધા સર્જી લીધી હતી જેને અમેરિકાના એગ્રીકલ્ચર એનીમલ પ્લાંટ હેલ્થ ઈન્સ્પેકશનની પણ માન્યતા મળી છે જેના કારણે અમેરિકામાં પણ નિકાસના દ્વાર ખુલી ગયા છે.
આ ઉપરાંત અમદાવાદ નજીક એક નવી કાર્ગો સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના કારણે નિકાસ પ્રક્રિયા સરળ બની છે. અત્યાર સુધી આપણે મહારાષ્ટ્રના કાર્ગો મારફત આ નિકાસ કરવી પડતી હતી જે હવે ઘરઆંગણે સુવિધા મળી છે.