ફજેત ફાળકા, ટોરા ટોરા અન્ય નાના-મોટા ચકડોળ લગાડવાનું શરૂ: લાખો લોકો લોકમેળાને માણવા પહોંચી જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળાની તૈયારી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ લોકમેળો 5 દિવસ સુધી લાખો લોકોને મોજ- મસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે. આજે ફજેત ફાળકા, ટોરા ટોરા સહિત નાના મોટા ચકડોળ લગાડવાનું શરૂ કરાયું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે ત્યારે તેને લઈને રેસકોર્સ મેદાનમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આજ સાંજ સુધીમાં લોકમેળાનું નામ ફાઈનલ થઈ જશે. રંગીલા આ શહેરની એક આગવી ઓળખ લોકમેળો છે. રાજકોટનો વતની ભલે સમંદર પાર વસતો હોય, જન્માષ્ટમી પર્વે લોકમેળાને અમૂક યાદ કરે છે.
યાદ કરવાની એ ઘડી ફરી આવી પહોંચી છે. રાજકોટ – સૌરાષ્ટ્ર જ નહીં બલ્કે ગુજરાતમાંથી લાખો લોકો લોકમેળાને માણવા આવી પહોંચશે. દર વખતની જેમ આ વખતે પણ લોકમેળામાં 90 કિલોવોટના 17 વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ સપ્લાય કરવામાં આવનાર છે. જેમા ચાર ફીડરમાંથી લોકમેળામાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં હાલ 10 જેટલા ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે. જયારે વધારાના 7 ટ્રાન્સફોર્મર તાબડતોબ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મૂકવામાં આવનાર છે.લોકમેળામાં વીજ કનેકશનો માટે અન્ડરગ્રાઉન્ડ કેબલ પાથરવામાં આવનાર છે. આ અંગેની કામગીરી આગામી ટુંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવનાર છે. આ મેળામાં અઘોરી ગ્રુપ સહિતના આકર્ષણ જોવા મળશે તો સૌરાષ્ટ્રના નામાંકિત 50થી વધુ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે સ્ટેજ અપાશે.
લોકમેળામાં રાઈડ્સનું ડિજિટલ પદ્ધતિથી ચેકિંગ
- Advertisement -
લોકમેળામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા યાંત્રિક રાઈડ્સ અને ચકડોળનું ડિજિટલી ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાઈડ્સનું ફિટીંગ થયા બાદ તેની ચકાસણી હાથ ધરાઈ હતી. રાજ્ય સરકારની એસઓપી મુજબ જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફિટીંગની તપાસ થઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગે ડિજિટલ મશીન લઈને તમામ રાઈડ્સનું ચેકિંગ કર્યું હતું.