સ્ક્રુથી લઈ સેટેલાઇટના પાર્ટ્સ બનાવતા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને જી.પી.બી.એસ. એક્સ્પો નેક્સ્ટ લેવલ પર લઈ જશે -જી.પી.બી.એસ. એક્સ્પો પ્રમુખ હંસરાજભાઇ ગજેરા
પ્રતિ માસ 15 હજાર કરોડથી વધુની નિકાસ કરતા 85 હજારથી વધુ યુનિટ, 15 લાખથી વધુ શ્રમિક અને 5 લાખથી વધુ સ્કિલ્ડ લોકોને રોજગારી
- Advertisement -
નવી ટેક્નોલોજીના સહારે વિપુલ પ્રોડક્શન ક્ષમતા, એકયુરેસિ, કિંમત અને માર્કેટિંગ સ્ટ્રેટેજી સફળતાનું રહસ્ય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તા. 5, રાજકોટનો એન્જિન્યરિંગ ઉદ્યોગ હોય કે, મોરબીનો સીરામીક અને જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ એક આગવી ઓળખ સાથે વિશ્વભરમાં સૌરાષ્ટ્ર અને ભારતનો ડંકો વગાડી રહ્યો છે, ત્યારે આગામી જી.પી.બી.એસ. એક્સ્પો – 2024 એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને નેક્સટ લેવલ પર લઈ જશે તેમ આયોજક હંસરાજભાઇ ગજેરા જણાવે છે.
સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વૈશ્વિક પ્રચાર-પ્રસાર સહ એક્સપોર્ટની નવી સંભાવનાઓ અર્થે સરદારધામ દ્વારા આયોજિત જી.પી.બી.એસ. – દેશ કા એક્સપોમાં 1100 થી વધુ નાના મોટા ઉદ્યોગ સાહસિકો તેમના દ્વારા તૈયાર થતી પ્રોડક્ટ્સના પ્રદર્શન સહ વેચાણ કરવા માટે ઉત્સાહિત છે. સૌરાષ્ટ્રની ઔદ્યોગિક એકમોની પ્રોફાઈલ અંગે ઓફિસિયલ આંકડા મુજબ વાત કરતા તેઓ જણાવે છે કે અહીં 20 જેટલી જી.આઈ.ડી.સી. માં માઈક્રો, સ્મોલ અને મીડીયમ સ્કેલના 2.75 લાખ જેટલા નાના મોટા યુનિટ ધમધમે છે. જેમાંથી 85 હજાર જેટલી ઇન્ડસ્ટ્રીઝ તેમની પ્રોડક્ટ્સ થકી માસિક 15 હજાર કરોડ રૂ. થી વધુના મૂલ્યની નિકાસ કરી રહી છે. સાથે 15 લાખથી વધુ શ્રમિકો અને 5 લાખથી વધુ સ્કિલ્ડ લોકોને રોજગારીનિ તકો પુરી પાડી રહ્યો છે. જેમાં ગુજરાત બહારથી અન્ય રાજ્યના 9 લાખ જેટલા લોકોને અહીં રોજગારી મળી રહી છે.
વાઇબ્રન્ટ ગુજરાતના કારણે છેલ્લા બે દશકમાં ગુજરાતમાં ઓટો ક્ષેત્રે અનેક મોટી કંપનીઓ આવી હોઈ તેઓને જરૂરી પાર્ટ્સ રાજકોટની ઓટો ઇન્ડસ્ટ્રીઝ પુરી પાડી રહી છે. અને હજુ આવનારા સમયમાં આ માંગ ખુબ જ વધવાની છે. ઓટો ઉપરાંત મોરબીનો સીરામીક ઉદ્યોગ એશિયામાં નંબર એક પર છે, જે ચાઈનાને હંફાવી રહ્યો છે. કોરોના બાદ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે અનેક દેશોમાં માલ એક્સપોર્ટ કરવાની સંભાવના વધી રહી છે. આપણા ઉદ્યોગકારો વધુને વધુ એક્સપોર્ટ કરી શકે તે માટે આ એક્સ્પોમાં વિદેશી ઉદ્યોગકારો ભાગ લેવા જઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ થકી વિકાસ નવી ઊંચાઈ આંબશે તેમ શ્રી હંસરાજભાઇ
જણાવે છે.
આ એક્સ્પોના ઉદેશ અંગે વાત કરતા હંસરાજભાઇ જણાવે છે કે, યેહ તો અભી ઝાંખી હૈ… પિક્ચર અભી બાકી હૈ. એક્સ્પો સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકોનું સામર્થ્ય દેખાડશે. આપણી નવી ટેક્નોલોજીના સહારે વિપુલ પ્રોડક્સન ક્ષમતા, એકયુરેસિ, કિંમત અને માર્કેટિંગ સ્ટ્રેટેઝી થકી હાલ આપણો ઉદ્યોગ જે સ્થાને છે તેનાથી એક લેવલ આગળ ઉદ્યોગકારો આવશે. કારણ કે અહીં વિશ્વના 40 જેટલા દેશોમાંથી બાયર્સ આવશે. બિઝનેસ ફલક વધારવાની અનેક તકોનું નિર્માણ આ એક્સ્પો થકી સંભવ બનશે. બીટુબી મીટમાં સિરામિકના 200 એકમો સાથે વિદેશી વ્યાપારીઓની બેઠક થવાની છે તો અન્ય ક્ષેત્રમાં પણ મીટ થકી કુલ 300 જેટલી મીટ દ્વારા એક્સપોર્ટના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એક્સ્પોનું આયોજન સૌપ્રથમ વખત થઈ રહ્યું છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે અનેક તકો લઈને આવ્યું છે. જોબ સીકર નહીં પરંતુ જોબ ગિવરના પ્રધાનમંત્રીશ્રીનાં મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાતનું સાહસિક યુવા ધન આગળ આવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે આવનારો સમય સુવર્ણ યુગ હશે તેમ ચોક્કસ કહી શકાય.
એકલા સિરામિક સેક્ટરમાંજ 200 વિદેશી બાયર્સ ખરીદીના નવા દ્વાર ખોલશે
સમગ્ર ભારત અને ગુજરતની શાન એવો મોરબી જિલ્લો ભારતનું સિરામિક હબ છે. સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર, ઔદ્યોગિક અને તકનીકી સિરામિક્સના 1000 થી વધુ ઉત્પાદન એકમો સાથે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. મોરબી એકલું જ ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ 90 % હિસ્સો ધરાવે છે. જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત રૂ. 60,000 કરોડનું છે. હજુ પણ વિશ્વના અનેક દેશમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ્સની એકસપોર્ટની અનેક સંભાવનાઓ રહેલી છે. જી.પી.બી.એસ. -2024 એક્સ્પો વાઇબ્રન્ટ ગુજરાતના મોરબીને નંબર વન બનાવવા ઉમદા તક લાવ્યું છે. એક્સ્પોમાં ચાર દિવસ દરમ્યાન બિઝનેસ ટુ બિઝનેસ મીટનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોરબીની સિરામીક પ્રોડકટને વૈશ્વિક માર્કેટમા પહોચાડવા ભારત સરકારની કોમર્સ મીનીસ્ટ્રીની પ્રમોસન કાઉન્સીલ કેપેક્સીલ દ્વારા સિરામીક પ્રોડકટ માટે 200 બાયરો સાથે બી.ટુ.બી. મીટ કરાવવામા આવશે. જેમા અમેરીકા, યુરોપ , લેટીન અમેરીકા , તુર્કી, બાંગ્લાદેશ, ગલ્ફ ક્ધટ્રીઝ, રશીયા અને એશીયન દેશોમાથી બાયરો આવશે અને તેની સાથે બીટુબી મીટીગ કરાવવામા આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ઉદ્યોગો જેવા કે એગ્રીકલ્ચર , સોલાર પ્લાન્ટ , એન્જીનીયરીંગ પ્રોડકટ અને અન્ય પ્રોડકટો માટે પણ બી.ટુ.બી. મીટ એક્સ્પોમાં કરવામા આવશે. જેનો ફાયદો એક્ઝિબીટર વ્યાપારીઓને થવાનો છે. બધા મળીને આશરે 300 બાયરો સાથે બીટુબી કરાવવામા આવે તેવુ આયોજન સરદારધામ પ્રેરિત જી.પી.બી.એસ. -2024 એક્સ્પો કરાઇ રહ્યુ છે.