સૌરાષ્ટ્રભરના 550 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં બાળકોએ પોતાની સાંસ્કૃતિક પ્રતિભા દર્શાવી હતી. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરના 550 જેટલા બાળકોએ 13 જેટલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભવનાથ ખાતેની તળપદા કોળી સમાજની વાડી ખાતે આયોજિત આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સમૂહગીત, લોકનૃત્ય, લોકગીત, ભજન, લગ્નગીત, એકપાત્રીય અભિનય, લોકવાર્તા, વકૃત્વ, ચિત્રકામ, સર્જનાત્મક કારીગીર, નિબંધ, લોકવાદ્ય સંગીત અને દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં 7 થી 13 વયજૂથના બાળકો પોતાના કલાના ઓજસ પાથર્યાં હતા.આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી વાળા, અમરેલીના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર, ગુજરાત યુનવર્સિટી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નાયબ નિયામક વિક્રમસિંહ ચાવડા, યશવંત ગઢવી અને નિર્ણાયકોએ સ્પર્ધકો-વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.


