અત્ર.. તત્ર.. સર્વત્ર.. વરસાદ જ વરસાદ..
રાજ્યના 251માંથી 245 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો : સૌરાષ્ટ્ર-કચ્છ પર અવિરત મેઘમહેર યથાવત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા જામ્યું છે. પાછલા ચાર દિવસમાં રાજ્યના 251માંથી 245 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સિઝનનો 43 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. જયારે સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ પાણી વરસી ગયુ છે.
ગુજરાતનાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રિપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉતર ગુજરાતમાં મેઘરાજાનું જોર વધુ હતું. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં હળવો-મધ્યમ વરસાદ પડયો હતો. રાજ્યના માત્ર છ તાલુકા જ કોરા રહ્યા હતા. બાકી 251માંથી 245 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડયો હતો.
ગુજરાતમાં સિઝનનુ સરેરાશ 387.70 મીમી પાણી વરસી ગયુ છે. આ સાથે સીઝનનો 43.70 ટકા વરસાદ થઈ ગયો છે. કચ્છ ઝોનમાં 112.07 ટકા પાણી વરસી ગયુ છે.
છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્ર સતત ધમરોળાતું રહ્યું હતું. અબડાસામાં સવા પાંચ ઈંચ પાણી વરસ્યુ હતું રાપરમાં ત્રણ ઈંચ, ભુજમાં બે ઈંચ, ગાંધીધામમાં સવા ઈંચ તથા અન્યત્ર અર્ધોથી એક ઈંચ વરસાદ હતો. ઉતર ગુજરાતમાં સાર્વત્રીક ભારે વરસાદ હતો. પાટણનાં સાંતલપુરમાં મુશળધાર સાડા છ ઈંચ વરસાદ થયો હતો.
- Advertisement -
સિધ્ધપુર તથા રાધનપુરમાં 3-3 ઈંચ, વરસાદ હતો. બનાસકાંઠાનાં સુઈ ગામમાં સવા પાંચ ઈંચ વરસાદ હતો. જીલ્લામાં અન્યત્ર સામાન્યથી સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. સાબરકાંઠાનાં પ્રાંતિજમાં પાંચ ઈંચ તથા ગાંધીનગરનાં માણસામાં છ ઈંચ વરસાદ પડયો હતો. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ મધ્યમ હતો. અમદાવાદ શહેરમાં પોણો ઈંચ, ધંધુકામાં બે ઈંચ પાણી વરસ્યુ હતું. ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ જેવા જીલ્લાઓમાં ઝાપટાથી બે ઈંચ સુધીનો વરસાદ હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ હળવો-મધ્યમ વરસાદ જ હતો.વલસાડનાં કપરાડા વાપીમાં 3-3 ઈંચ, ધરમપુરમાં બે ઈંચ પાણી વરસ્યુ હતું. ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, જીલ્લામાં ઝાપટાથી માંડીને બે ઈંચ સુધીનો વરસાદ થયો હતો. જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ એટલે કે 10 અને 11 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેના પગલે લોકોને સાવચેત રહેવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.