ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
શિક્ષણએ આવનારી પેઢીના વિકાસ માટે પાયાની જરૂરીયાત છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણના વેગને વધુ આગળ ધપાવવા માટે તેમજ અંતરળિયાળ વિસ્તારનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને વિદ્યાર્થીઓના ભવિષ્યના સર્વાંગી વિકાસના હિત માટે રાજ્યની અંદર 90 જેટલી માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજુરી આપવામાં આવી છે. જેમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 3 માધ્યમિક સ્કૂલોને મંજૂરી અપાઈ છે જેમાં સર, કોઠારીયા અને ચિભડા ગામનો સમાવેશ થાય છે. 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના પ્રજાજનોની માંગણીને અનુલક્ષીને માધ્યમિક શાળા મંજુર થતાં પ્રજાજનોએ હર્ષની લાગણી અનુભવી હતી અને પ્રજાજનો વતી સર ગામના બલદેવસિંહ રાજપૂતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.
સર ગામમાં માધ્યમિક સ્કૂલ શરૂ થતા કેબિનેટ મંત્રીનો આભાર માનતા સરપંચ બલદેવસિંહ રાજપૂત
