9 કરોડના ખર્ચે જાગનાથ પ્લોટમાં બનશે ‘સરગમી સેવાનું સરનામું’
નવરાત્રીમાં ગોપી રાસ અને પંચામૃત કાર્યક્રમ યોજાશે: સર્વરોગ નિદાન કેમ્પ, નાટ્ય શો, ફિલ્મ શો, પ્રવાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમયથી નિરંતરપણે સેવાકાર્યો કરતી સરગમ કલબ આ સેવાનો વધુ વિસ્તાર થઇ શકે તે માટે પોતાની માલિકીનું અદ્યતન બિલ્ડીંગ બનાવવા જઈ રહી છે. શહેરની મધ્યમાં જાગનાથ પ્લોટ-1માં જીમખાના પાસે આગામી દિવસોમાં સરગમી સેવાનું સરનામુ તૈયાર થઇ જશે. આ બિલ્ડીંગનું ખાતમુહુર્ત આગામી તા. 10ને રવિવારે કરવામાં આવશે. આજે એક પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ બિલ્ડીંગ ઉપરાંત સરગમ પરિવારનાં હજારો સભ્યો માટે આગામી ત્રણ મહિના માટેના વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમોમાં મુખ્યત્વે સર્વરોગ નિદાન કેમ્પ, ગોપીરાસ, પંચામૃત મહોત્સવ, નાટ્ય શો, વિદેશ પ્રવાસ, ફિલ્મ શો સહિતનો સમાવેશ થાય છે. આજે પત્રકારો સાથે વાતચીત કરતા ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ કલબની સેવાયાત્રાને દાયકાઓ પસાર થઇ ગયા છે અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો લાભ પહોંચે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રવૃતિઓનો વધુ સારી રીતે વિકાસ થાય અને વધુ લોકોને લાભ મળે તેવા હેતુથી સરગમ કલબે પોતાની માલિકીનું સેવા કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટના જાગનાથ પ્લોટ-1માં ગોપાલ મંડપની બાજુમાં, કાઠીયાવાડ જીમખાના પાસે 425 વારના વિશાલ પ્લોટમાં સરગમી સેવાનું સરનામુ આકાર લેશે. આ અંગે વધુ વિગત આપતા ગુણવંતભાઈએ કહ્યું હતું કે, આ અદ્યતન બિલ્ડીંગમાં હેલ્થ સેન્ટર, આર્ટ ગેલેરી, બેન્કવેટ હોલ, ગેસ્ટ રૂમ, મીટીંગ રૂમ, વહીવટી ઓફીસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ બિલ્ડીંગનું ભૂમિપૂજન સવારે 11 કલાકે રોલેકસ કંપનીના મનીષભાઈ માદેકા અને પરિવારજનોના હસ્તે કરવામાં આવશે. ગુણવંતભાઈએ ઉમેર્યું કે આ બિલ્ડીંગ પાછળ 9 કરોડ રૂપિયા જેવો ખર્ચ થશે. તેમણે દાતાઓને સહયોગ માટે અપીલ પણ કરી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપરાંત સરગમ પરિવારના સભ્યો માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના કાર્યક્રમ તથા જાહેરજનતા માટે પંચામૃત મહોત્સવની પણ જાહેરાત કરવામાં આવી છે.
સર્કસનો શો : સરગમ કલબ દ્વારા પરિવારના સભ્યો માટે પ્રખ્યાત ઓલંપિયન સર્કસનો શો રાખવામાં આવ્યો છે. ઓલંપિયન સર્કસમાં પહેલી વાર રશિયન અને મેક્સિકન કલાકારો જોવા મળશે સાથોસાથ જબરદસ્ત સ્ટંટ પણ જોવા મળશે. આ સાથે ભવ્ય લાઈટીંગ અને સાઉન્ડ સાથેના પ્રયોગો થશે.બાળકો માટે આ શો તા. 24 અને 31 ઓગસ્ટ દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે. લેડીઝ કલબના સભ્યો માટે આ શો તા. 25 અને 26 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જયારે સિનીયર સિટીઝન માટે તા. 27 ઓગસ્ટે અને કપલ કલબના સભ્યો માટે તા. 25થી 28 ઓગસ્ટ દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે. જેન્ટ્સ કલબના સભ્યો આ શો તા. 29 ઓગસ્ટે નિહાળી શકશે.
પ્રવાસ : સરગમ કલબના સભ્યો માટે સ્વ ખર્ચે દુબઈ પ્રવાસ તા. 3 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી એમ છ દિવસ માટે યોજાશે.
નાટ્ય શો : સરગમ પરિવારના સભ્યો માટે આસિફ પટેલ નિર્મિત અને પ્રથમ ભટ્ટ લિખિત તથા જયદીપ શાહ દિગ્દર્શિત-અભિનીત નાટક ’કરું કંપની પ્રાઈવેટ લિમિટેડ’ નો શો યોજાશે.
ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટની જાહેરાત કરતા ગુણવંતભાઈ ડેલાવાળા
આ નાટકમાં અનુરાગ પ્રપન્ના, ધ્રુવ બારોટ, વિશ્વા ગરાચ અને પ્રથમ ભટ્ટ વગેરે અભિનય આપી રહ્યા છે. સરગમ જેન્ટ્સ કલબના સભ્યો અને ડોનર માટે આ નાટ્ય શો તા. 8મી સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યે યોજાશે.લેડીઝ કલબના સભ્યો માટે આ શો તા. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ પ્રમાણે યોજાશે. સીનીયર સિટીઝન કલબના સભ્યો આ શો તા. 11 સપ્ટેમ્બરે નિહાળી શકશે જયારે કપલ કલબના સભ્યો માટે આ શો તા. 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે.
ફિલ્મ શો : સરગમ ચિલ્ડ્રન કલબના એ ગ્રુપના સભ્યો માટે આ ફિલ્મ શો તા. 14મી સપ્ટેમ્બરે સવારે 8-30 થી 11 અને બી ગ્રુપના સભ્યો માટે સવારે 11-30 થી 2 દરમિયાન યોજાશે.
- Advertisement -
સર્વરોગ નિદાન કેમ્પ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે દર વરસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ તા. 14મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 8-30 થી 11-30 દરમિયાન કોટક સ્કુલમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે એક્સરે, સોનોગ્રાફી, લેબોરેટરી ટેસ્ટીંગ, દવાઓ, ચશ્મા, કાર્ડિયોગ્રામ ઉપરાંત રણછોડદાસ હોસ્પિટલ તરફથી આંખના ઓપરેશન તથા નેત્રમણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પ માટે સરગમ કલબને ગોંધિયા હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ), સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ ગ્રુપ)ના અરવિંદભાઈ પટેલ, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, જે.વી. શેઠિયા ચેરીટેબલ ટ્રસ્ટના હિમાંશુભાઈ શેઠિયા, આર.બી. કોઠારી ડાયગ્નોસ્ટીક સેન્ટર, મહાવીર સેવા ટ્રસ્ટ અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનનો સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પમાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવે છે અને વિનામૂલ્યે અપાતી સુવિધાનો લાભ લ્યે છે.
નવરાત્રી મહોત્સવ : સરગમ લેડીઝ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ ગોપી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આ નવરાત્રી મહોત્સવ યોજાશે. ડી.એચ.કોલેજના મેદાનમાં યોજાતો આ રાસોત્સવ ઘણો પ્રખ્યાત છે. આ રાસોત્સવમાં સરગમ લેડીઝ કલબના સભ્ય ઉપરાંત સભ્ય ન હોય તેવા કોઈ પણ બહેન ભાગ લઈ શકશે.
નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એટલે કે તા. 21મી સપ્ટેમ્બરને રવિવારે સાંજે 6 થી 8-30 દરમિયાન ડી.એચ.કોલેજના મેદાનમાં જ ચિલ્ડ્રન કલબના સભ્યોના દાંડિયા રાસ યોજાશે. આ ગરબામાં 100 થી વધુ ઇનામો આપવામાં આવશે.
આ સિવાય તા. 3 ઓક્ટોબરને શુક્રવારે રાત્રે 9 વાગ્યે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં જ સરગમ કપલ કલબ,લેડીઝ કલબ, જેન્ટ્સ કલબ, સીનીયર સિટીઝન કલબ અને ઇવનિંગ પોસ્ટના તમામ સભ્યો માટે વન-ડે દાંડિયા રાસ યોજાશે.
જાહેરજનતા માટે પંચામૃત મહોત્સવ : સરગમ કલબ દ્વારા નવરાત્રી પછી દર વરસે જાહેર જનતા માટે પંચામૃત મહોત્સવ યોજવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો એક એક થી ચડિયાતા કાર્યક્રમો વિનામૂલ્યે નિહાળે છે.
આ વખતે તા. 4 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે ડી.એચ. કોલેજના મેદાનમાં મુંબઈની મ્યુઝીકલ પાર્ટી યોજાશે, તા. 5 ઓક્ટોબરને રવિવારે લોકડાયરો, તા. 6 ઓક્ટોબરે હસાયરો, તા. 7 ઓક્ટોબરે સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમોમાં નામાંકિત કલાકારો પોતાની કલા પીરસશે.
સરગમ કલબના કાર્યક્રમોમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું કાયમ માર્ગદર્શન મળી રહે છે. આ પત્રકાર પરિષદમાં મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, યોગેશભાઈ પુજારા, ખોડીદાસભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, જયેશભાઈ વસા, નાથાભાઈ કાલરિયા, લલીતભાઈ રામજીયાણી, મીતેનભાઈ મહેતા, તેજસભાઈ ભટ્ટી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ મકવાણા, શિવલાલભાઈ રામાણી, જીતુભાઈ ચંદારાણા, હરેશભાઈ વોરા ઉપરાંત ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, સુધાબેન ભાયા, જસુમતીબેન વસાણી, ડો. અલ્કાબેન ધામેલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.